સુખ અને દુખ એક ભ્રમ (ભાગ 2) અંતિમ ભાગ
"પપ્પા, તમે અહીંયા?" વિનય બોલ્યો.
" તારી બા ને સારું નથી રહેતું ને એટલે સીમાએ અમને અહીં બોલાવી લીધા છે!" વિનયે સામેના ખાટલા પર સૂતેલી બીમાર બા ની સામે જોયું ત્યારે એક ઉફફ નીકળી ગયો," ઓહ! મારી મમ્મીની આ હાલત! એનો તાત્કાલિક ઈલાજ કરાવવો પડશે!" વિનયની આંખો આંસુથી ઉભરાઈ ગઈ. મારા પરિવારને હું કઈ રીતે પાછો હસતો રમતો કરી શકીશ ? તેનું મન ઉદ્વિગ્ન બની ગયું. શું બની ગયું હતું ,એ તો યાદ આવતું નહોતું! માત્ર એટલું જ યાદ હતું કે પોતે અક્ષયના ઘરેથી પાછો ફર્યા પછી ઉદાસ રહેતો હતો. 'ગવર્મેન્ટ પોલિસી' માં બદલાવ આવતા 'બિઝનેઝ'ની ચિંતામાં પણ હતો. આટલી મોટી ખોટ કઈ રીતે પડી! એ યાદ આવતું નહોતું!! જોકે હવે અક્ષય જેવું જીવન એને મળી ગયું હતું. એનો પરિવાર એની આસપાસ હતો. છતાંય એ દુઃખી જ હતો! પથારીમાં પડ્યો આંસુ સારી રહ્યો હતો. ઈશ્વરને પ્રાર્થના કરી રહ્યો," મારા પરિવારને સુખ સુવિધાની આદત છે. તેઓ આમ નહિ રહી શકે. મારા બાળકોના ઉદાસ ચહેરા, પત્ની અને માતા- પિતાની આવી હાલત હું નથી જોઈ શકતો! મને આવું સુખ નથી જોઈતું. મને મારો વૈભવ પાછો આપો! મને મારું પહેલાનું જીવન ફરી આપો!"
બીજી બાજુ અક્ષય ઊંઘમાંથી ઉઠ્યો ત્યારે એણે જોયું કોઈ અજાણ્યા વૈભવી ઘરમાં હતો. ત્યાં બધી જ સુવિધાઓ હતી. એણે આંખ ખોલી ત્યાં એક નર્સ દોડીને આવી. પૂછ્યું," તમને સારું લાગે છે?"
" હું ઠીક છું! હું અહીંયા ક્યાંથી આવ્યો? આ કોનું ઘર છે?"
નર્સે કહ્યું " આ તમારું જ ઘર છે! તમને કરોડો રૂપિયાની લોટરી લાગી હતી. એ સાંભળતા ખુશીને લીધે તમને 'સ્ટ્રોક' આવી ગયો હતો. આજે ઘણા મહિનાઓ પછી તમે આંખો ખોલી છે."
" મારા પરિવારના લોકો ક્યાં છે? બધા ને બોલાવો!"
"તમારી પત્ની તો એની સખીઓ સાથે વિદેશના પ્રવાસે ગઈ છે. બાળકો એમના મિત્રો સાથે બહાર ગયા છે. તમારા માતા- પિતાને અહીંયા ફાવતું નહોતું એથી તેઓ ગામ ચાલ્યા ગયા છે. હું તમારા સારા થવાની મેડમને આપી દઉં!"
ફોન મૂકીને નર્સે કહ્યું," મેડમ હાલમાં શોપિંગમાં વ્યસ્ત છે. થોડી વારમાં તમને ફોન કરશે."
અક્ષય માટે કાચની 'પ્લેટ'માં ભોજન આવ્યું. નોકરો બધું પીરસી રહ્યા હતા. અનેક જાતના વ્યંજનો હતા છતાંય એ ભોજનનો સ્વાદ માણી શકતો નહોતો! આ વૈભવમાં તેનું મન લાગતું નહોતું. તેને પરિવારની કમી મહેસૂસ થવા લાગી હતી. વિચારી રહ્યો," શું મારી પત્નીને મારા સારા થવા પર ખુશી નહીં થઈ હોય! એ હજી ફોન કેમ નથી કરતી! બા બાપુજી ગામમાં કેવી હાલતમાં હશે! મારા બાળકો પણ હજી નથી આવ્યા! ક્યાં ગયા એ બધા!!" એ ઘણું યાદ કરવા મથી રહ્યો પણ કશું યાદ આવતું નહોતું. બસ એટલું જ યાદ હતું કે એને વિનય જેવું સુખ જોઈતું હતું એથી એ ઘરના બધા પર ગુસ્સો કરતો હતો. શું એથી બધા મારાથી નારાજ થઇ ગયા હશે? હું લોટરી તો રોજ ખરીદતો પણ મને લોટરી ક્યારે લાગી એ યાદ નથી આવતું. એનું હૈયું દુઃખી હતું. રડીને ચિત્કાર કરી રહ્યું હતું," પ્રભુ આ બધો વૈભવ પાછો લઈ લો. મને મારો પરિવાર પાછો આપી દો! મને કાંઈ નથી જોઈતું!"
આખરે બંનેની પ્રાર્થના ઈશ્વરે સ્વીકારી લીધી. અચાનક તેમની આંખો ખુલી ત્યારે બંને પોતાના જ ઘરમાં હતા. આ બધું એક સ્વપ્ન હતું!!
વિનય હજીયે શ્રીમંત હતો અને અક્ષય હજી એ પણ સાધારણ ઘરમાં જ હતો. પત્ની બોલી," આજે તો બહુ સૂતા તમે! ઉઠો હવે મંદિરે નથી જવું?" અક્ષય પ્રેમથી એની આંખોમા જોઈને બોલ્યો," તું હી મેરી પૂજા! તું હી મેરા મંદિર! તું હી દેવતા હૈ!" પત્ની શરમાઈને સાડીના પલ્લુમાં મોં છુપાવીને રસોડામાં ભાગી. અક્ષય હસીને નાહવા ચાલ્યો ગયો. બહાર ખિલખિલાટ કરીને રમતા બાળકોનો અવાજ અને મમ્મીના કંઠે ગવાતા ભજન નો સૂર કાને પડ્યો. હૈયે ટાઢક વળી! વિચાર્યું," હાશ! એ એક સ્વપ્ન હતું! મારી પાસે મારો પરિવાર છે, એ જ તો મારું સુખ છે! હું અમસ્તો જ વિનય જેવો વૈભવ પામવા માટે દુઃખી થતો હતો!!"
વિનયે આંખો ખોલી ત્યાં રામુ કાકા ચા અને નાસ્તો લઈને આવ્યા. સેક્રેટરી આજના દિવસના કામનું લિસ્ટ લઈને દોડતી આવી. ડ્રાઈવર બાળકોને સ્કૂલમાં લઈ જવા નીકળતો હતો! સીમાની કાર ગેરેજમાંથી બહાર નીકળતી દેખાઈ ત્યારે યાદ આવ્યું કે તેની મહિલા મંડળની આજે પીકનીક છે ત્યાં જતી હશે!
પપ્પાનો ફોન આવ્યો," મમ્મીની દવા માટે તે મોકલેલા ડોક્ટર અને નર્સ ગાડી લઈને આવી ગયા છે. અમે શહેર આવવા નીકળીએ છીએ!"
"સારુ! તમે આવશો ત્યાં સુધી હું દવાખાનામાં બધી વ્યવસ્થા કરાવી દઉં છું!" કહીને વિનયે ફોન મુક્યો.
નાહવા જતાં વિનય વિચારી રહ્યો," સારું થયું એ સ્વપ્ન હતું! મારો પરિવાર એના જીવનમાં વ્યસ્ત છે! બધા પાસે પોતાની સુખ સગવડો છે! બધા ખુશ છે! એ જ મારું સુખ છે. હું પણ નાહકનો કેવા વિચારો કરી દુઃખી થતો હતો!!"
વાચક મિત્રો, ઈશ્વરે બધાને પોતાના ભાગનું સુખ અને પોતાના ભાગનું દુઃખ આપ્યું જ છે. તો બીજા સાથે તુલના કરી દુઃખી શું કામ થવું!! આપણા જીવનનમાં સુખ હોય છે જ! આપણે તેને જોઈ નથી શકતા કારણ આપણી આંખો બીજાના સુખને જ જોતી હોય છે! એકવાર શાંતિથી પોતાની આજની પરિસ્થિતિ પર વિચાર કરીને શોધવા લાગીશું તો ચારે તરફ સુખ દેખાશે! ચાલો મળીને સુખને શોધીએ
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો