લાગ્યું તો તીર! નહીં તો ...
"ન જાણ્યું જાનકીનાથે
કાલે સવારે શું થવાનું".. આ ઉક્તિ તો તમે સાંભળી જ હશે! અલ્યા, હું તમને એના ગુઢાર્થમાં જવાનું જરાય
નથી કહેતી! આમેય એટલું બધું સમજાવવાનું મારૂંય ગજું નથી! આનો સીધો સાદો અર્થ કહું
તો, કાલે શું થવાનું છે
એની કોઈને ખબર નથી હોતી! છતાંય
આપણે ભવિષ્ય જાણવા ઉધામા કરતા જ રહીએ છીએ! હવે ભવિષ્યનું તો એવું ને કોઈએ જોયું જ
ના હોય એટલે જો કોઈ એકાદી આગાહી કરી દે ..લાગ્યું તો તીર નહીં તો ... તુક્કો.. લે,
તમે તો સમજી ગયા! બહુ
હોશિયાર હોં બાકી! આમ કેટલાક લોકો ભવિષ્ય ભાખતા થઈ જાય!
જરાક
મુશ્કેલીઓ આવે નહીં કે આપણે
પણ જ્યોતિષોની આસપાસ આંટા મારતા થઈ જઈએ છીએ! જેમાં અમુક વ્યક્તિઓ સાચે જ વિદ્વાન
હોય છે પણ મોટા ભાગના ઠોઠ નિશાળિયા જેવા હોય છે! L. L.M.F (આ કોઈ મોટી ડિગ્રી નથી, લટકતા લટકતા મેટ્રિક ફેઇલ) હોય તો પણ
પોતાને જ સ્નાતકની ડિગ્રી આપીને ધંધે લાગી જ જતાં હોય છે. મને આવા થોડાક અનુભવો
થયેલા છે, એ
વિષે થોડી વાત કરું...
અમારી કોલેજના એક
સિનિયર મિત્ર! એના મુખમંડલ પર શોભતા મોટા કાન, ગાગર જેવું પેટ અને ઝીણી આંખો જોઈને
કોઈને પણ ગજરાજનું સ્મરણ થઈ આવે! પોતાના આ દેખાવનો લાભ લઈને અને પિતાની પાસેથી
જ્યોતિષ વિદ્યા શીખી હોવાનો દાવો કરીને તે તુક્કા લગાવતો! બધાની પરીક્ષાઓ કેવી જશે
એ માટે આગાહી કરતો. પરીક્ષાના આગલા દિવસે એની આસપાસ ભક્તોની એટલે કે વિદ્યાર્થીઓની
મોટી લાઈનો લાગતી. કોઈને સારું જશે કહીને 'રિવિઝન' કરવા
બેસાડતો તો કોઈને ખરાબ કહીને વાંચવાના ધંધે લગાડતો! એના આમ પચાસ ટકા તીર નિશાને
લાગતા, એના
ભક્તો વધતાં જતાં. જે પચાસ ટકા માટે તુક્કો થતો એ બીજી પરીક્ષા સુધી એને ગાળો
દેતાં! ફરી પરીક્ષાઓ આવતાં જ ભક્તોની જમાતમાં જોડાઈ જતાં. આમ તેનું ગાડું ગબડતું!
કોલેજમાં
ચાલતી પ્રેમકથાઓનો તો જાણે કરન જોહર! બધા પ્રેમી પંખીડાઓ એના દિગ્દર્શન પ્રમાણે
પ્રેમપંથે ચાલતા! એક દિવસ એક ઘાયલ પ્રેમીએ આગાહી ખોટી નીકળતા એને એવો ધોયો કે એ
પોતાના તીર- કામઠાં હેઠા મૂકીને એવો ભાગ્યો કે પાછો વળીને આવ્યો જ નહીં!!
અમારી શેરીમાં રહેતા
એક ભાઇનું ચરિત્ર સહેજ ઢીલું! છોકરીઓના હાથ પકડવા એને ગમતા એટલે હાથ જોવાનો ડોળ
કરીને એમના ભવિષ્યના જીવનસાથી વિષે તુક્કા હાકતાં. જીવનસાથીની કલ્પના જ છોકરીઓને
ગમતી જ હોય! એથી એમની પ્રસિધ્ધી વધતી જતી હતી. એક દિવસ એના હાથમાં એક એવો હાથ આવી
ગયો જે વિવાહિતાનો હતો પરંતુ, એણે
એવા કોઈ સાજ શણગાર કર્યા નહોતા! તીર નીકળતાં જ તુક્કો બની ગયું તે દિવસથી એ ભાઈ મિ.ઈન્ડિયા બની ગયા! કોઈ દી' શેરીમાં દેખાયા જ નહી!!
હવે મારા અનુભવ વિશે
કહું.. પણ જો કોઈને કહેતા નહીં!! મારા લગ્નનો સમય નજીક આવતા મુરતિયા ઓ સાથે કુંડળીઓ મેળવવા
જ્યોતિષો પાસે મારા ચક્કર શરૂ થયા! આમ પણ લગ્ન જેવો મોટો તુક્કો કોઈ નહીં, કયા લગ્ન સફળ થશે કે કોઈ જ કહી શકે
નહીં! વળી 'એરેંજ
મેરેજ' એટલે
સાવ તુક્કો! સામે વાળી વ્યક્તિ હુકમનો એક્કો હશે કે પછી ગુલામ એ જાણવાની તાલાવેલી
રમત શરૂ થતાં પહેલાં જ થઈ જાય એટલે કુંડળીનો સહારો તો લેવો જ પડે!
કોઈ છોકરો કુંડળી
પરથી આમિર ખાન જેવો હશે એવું જાણવા મળે ત્યારે હું પણ જુહી ચાવલા જેવી તૈયાર થઈને એને મળવા જતી પણ એ નીકળતો અમરિશ પૂરી
જેવો! તો વળી કોઈને શાહરુખ સમજીને કાજોલ બનીને મળવા જતી તો એ સદાશિવ અમરાપુરકર
જેવો નીકળતો, આમ
કશે મેળ નહોતો પડતો!!
એના નિવારણ માટે કોઈએ
તુક્કાબાજે મને મંગળવારે સફેદ વસ્ત્રો પહેરીને ઉપવાસ રાખવા કહ્યું તો કોઈએ શનિવારે
લીલા કપડાં પહેરીને ઉપવાસ કરવાનું, તો
કોઈએ ગુરુવારે પીળી વસ્તુ ખાઈને એકટાણું કરવાના ઉપાયો કહ્યા. મારા જ્ઞાનતંતુઓને
વાર સાથે રંગો યાદ રાખતાં એટલી ગરબડ થતી કે વાત ના પૂછો! આખરે મેં મેઘધનુષી
રંગના ડ્રેસ જ સિવડાવી લીધા!
આખા
અઠવાડિયાના દરેક વાર પર કોઈનો કોઈ સામ્રાજ્ય સ્થાપીને બેઠો જ હોય! મને માંડ
અઠવાડિયામાં એકાદ વાર દાળ- ચોખાની ખીચડી ખાવા મળતી. બાકી તો સાબુદાણાની ખીચડી જ
ખાવી પડતી! ઘરની નજીક આવેલી 'ખાઉ-
ગલી માંથી પસાર થતાં મારી હાલત એવી થતી જાણે.. ચાતક પહેલા વરસાદમાં તરસ્યો રહી જતો
હોય! (કવિ જેવી ઉપમા આપીને ..એ તો ઉપવાસ ના દિવસે પાણીપુરીની સુંગધ લઈએ તો કવિ બની
જ જવાય!!)
એક
દિવસ મારા વિદ્યાર્થીઓને ઈતિહાસમાં શિવાજી મહારાજનું ચરિત્ર ભણાવતા, મેં ગેરીલા યુદ્ધનીતિ શીખી જ લીધી!
ગ્રહોના સામ્રાજ્ય સામે લડત આપવા મેં ખાઉ ગલીમાં જઈને ચોરી છૂપે પાણી પૂરી ખાઈને છુપા
યુદ્ધની શરૂઆત કરી જ દીધી!! મારી આ યુદ્ધનીતિ એટલી અસરકારક રહી કે થોડા જ દિવસોમાં
બધા ગ્રહો હારી ગયા અને મોહિતે મારી શરણાગતિ સ્વીકારી જ લીધી! આમ તુક્કાબાજ જ્યોતિષો પાસેના મારા
ચક્કરો બંધ થયા. કોઈનું તીર નિશાને લાગ્યું જ નહોતું!!
'જબ
જબ જો જો હોના હૈ, તબ
તબ સો સો હોતા હે!' પડોસન
ફિલ્મમાં સુનિલ દત્ત ભાઈએ કેટલીયે વાર આ કીધેલું તોયે મે યાદ ન રાખ્યું એટલે મારે
આટલું હેરાન થવું પડ્યું! એટલે જ તમને સમજાવુ છું કે તુકકા હાંકનારથી બચજો અને રોજ
પાણી પૂરી ખાતા રહેજો!! બીજું કાંઈ નહીં!!
આજે હું પણ એક આગાહી
કરી જ દઉં છું, મારો
આ બ્લોગ વાંચીને તમે બધા પેટ પકડીને હસવા લાગશો! મારી રમૂજનું તીર તમને લાગશે તો..
નહીં તો તુક્કો સમજીને નાનકડું સ્મિત તો રેલાવી જ દેજો!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો