સુખ અને દુખ એક ભ્રમ... (ભાગ 1)
એક બહુ સુંદર સુવાકય છે કદાચ તમે વાંચ્યું હોય,' સુખ અને દુઃખ આવે એ પહેલાં જ આપણે પોતાના સુખ અને દુઃખની પસંદગી કરી લેતા હોઈએ છીએ!'
સુખ અને દુઃખ માટે આપણે મોટે ભાગે નસીબને દોષ આપીએ છીએ પરંતુ, એ આપણી પસંદગીનો દોષ હોય છે! ક્યારેક આપણે આપણા સુખને નજર અંદાજ કરીને બીજાના સુખની સાથે પોતાની તુલના કરીને દુઃખી થઈ જઈએ છીએ. 'આ મારી પાસે હોત તો હું પણ સુખી હોત! 'મારું જીવન આના જેવું હોત તો હું સુખી હોત!!' એવું વિચારીને કારણ વગરનું દુઃખ નોતરી લેતાં હોઈએ છીએ!!
સમજાયું?? ચાલો, હું તમને આ એક વાર્તાથી સમજાવું.!!
અક્ષય પોતાના જીવનમાં સુખી હતો. નાનકડું ઘર અને દુકાન, ગુણિયલ પત્ની, કલબલાટ કરતાં બે બાળકો, માતા પિતાના આશીર્વાદનો હાથ અને ઘરમાં શાંતિ, બધું જ સુખ હતું!
એક દિવસ રોજના ક્રમ પ્રમાણે અક્ષય આરતીના દર્શન કરીને મંદિરની બહાર નીકળ્યો. બહાર વરસાદ શરુ થયો હતો. છત્રી નહોતી એટલે થોડો ઉતાવળે ચાલી રહ્યો હતો. બાજુમાંથી પસાર થતી એક ગાડીના ડ્રાઈવરે સંતુલન ગુમાવતા અક્ષયને સહેજ ઠોકર વાગી! ગાડી ઉભી રહી! તરત એક ભાઈ ઉતર્યા ને બોલ્યા," માફ કરજો. ડ્રાઇવરથી ભૂલ થઇ ગઈ! તમને વાગ્યું તો નથી ને?"
અક્ષય બોલ્યો," ના ના! બચી ગયો એમણે સમયસર બ્રેક મારી દીધી, ઈશ્વરની કૃપા!"
એ ભાઈ બોલ્યા," સાચી વાત છે ભાઈ! ઈશ્વરે મને પણ અપરાધથી બચાવી લીધો! તમારા કપડાં ખરડાઈ ગયા છે ને વરસાદ પણ જામ્યો છે. ચાલો હું તમને ઘરે ઉતારી દઉં."
અક્ષય કારમાં બેઠો. એ.સી વાળી અદ્યતન કાર જોઈને આભો બની ગયો. રસ્તામાં તેમની સાથે ઓળખાણ થઇ એનુ નામ વિનય હતું. એનો 'ઈમ્પોર્ટ- એક્સપોર્ટ'નો વ્યવસાય હતો. વાતો કરતા ઘણી ઓળખાણો નીકળી. એવામાં વિનયનું ઘર આવી ગયું. એ બોલ્યો," માફ કરશો મારે એક મહત્વનું કામ છે એટલે હું પહેલાં ઉતરી જાવ છું. ડ્રાઈવર તમને ઘરે મૂકી દેશે."
વિનયના ઉતરતાં જ બે માણસો દોડીને આવ્યા એકે બેગ લઈ લીધી. બીજો છત્રી લઈને દોડતો આવ્યો. એનું ઘર તો બહારથી મહેલ જેવું લાગ્યું! બહારના ગાર્ડનની સુંદરતા જોઈને અક્ષય ખુશ થઈ ગયો. શું 'લાઈફ સ્ટાઇલ' છે વિચારતો રહી ગયો! ઘરે પહોંચતા સુધી કારની સફર મન ભરીને માણી. ઘરે આવ્યા બાદ પણ મનમાં પેલું ઘર અંદરથી કેવું હશે! એ જ વિચારતો હતો!
હવે તો અવારનવાર મંદિરમાં વિનય સાથે મુલાકાતો થતી. ઘણીવાર એની કારમાં ઘર સુધીની 'લિફ્ટ' મળી જતી. એક દિવસ વિનય બોલ્યો," એ દિવસે તમે ઘર સુધી આવ્યા પણ હું વ્યસ્ત હતો એટલે ઘરમાં ન બોલાવી શક્યો. આજે સમય હોય તો થોડી વાર આવો સાથે ચા પીએ!" અક્ષયને આમેય ઘર જોવું જ હતું તરત હા પાડી. કાર બંગલા પાસે આવીને ઉભી રહી. અંદર જતાં જ અક્ષયને પોતાની આંખો પર વિશ્વાસ ના થયો! આ ઘર છે કોઈ રાજાનો મહેલ! આટલો ભવ્ય બેઠક ખંડ! અદ્યતન ફર્નીચર! વાહ, ઘર હોય તો આવું!! ફ્રેશ થવા બાથરૂમમાં ગયો ત્યારે વિચારી રહ્યો, 'મારા આખા ઘરથી મોટો તો આ એક બાથરૂમ હશે!!'
કાચના મોંઘાદાટ કપમાં ચા આવી સાથે ડ્રાયફ્રૂટ્સની ડીશ અને અનેક નાસ્તા હતા! બધું એટલું સુંદર હતું કે હાથ લગાડતા પણ ડર લાગ્યો. વિનયે આગ્રહ કરીને પેટ ભરીને નાસ્તો કરાવ્યો. થોડો બાળકો માટે પણ આપ્યો. એના ઘરેથી નીકળવાનું મન જ નહોતું થતું. તોયે ઘરે આવવું પડ્યું.
ઘરે આવીને વિચારી રહ્યો," જીવન હોય તો આવું! આપણે તો શું ખાખ જીવીએ છીએ! બાળકોને વિનયે મોકલેલો નાસ્તો હોંશથી ખાતા જોઈને વિચારી રહ્યો,' શું મેં મારા બાળકોને આવી ખુશી કદીયે આપી છે! બિચારાને એકાદ પ્લેટ ભેળ કે પાણીપુરીમાં જ ખુશ રહેવું પડે છે! આવા નાસ્તા તો હું કયાં લાવી શકવાનો! પેલા ઘરની આરામદાયક ખુરશી અને સોફા પર પપ્પાને બેસાડું તો, એમને કેટલો આરામ મળે! મેં મારા પરિવારને કેવું જીવન આપ્યું! અભાવો સાથે જીવવાનું! ટ્રેન-બસના ધક્કા અને રેશનની લાઈનો!! જીવન હોય તો વિનય જેવું! આવા વિચારોમાં તેનું મન સતત ઉદ્વિગ્ન રહેવા લાગ્યું!
એક દિવસ મંદિરેથી આવતા ફરી વિનય મળ્યો. એ દિવસે ડ્રાઈવર નહોતો તે ખુદ ગાડી ચલાવતો હતો. અક્ષયને ઘર પાસે ઉતારીને નીકળતો હતો ત્યારે અક્ષયે વિવેક ખાતર કહ્યું," આવો ને ઘરે બા- બાપુજી તમને મળીને ખુશ થશે! વિનય બોલ્યો," હવે તો આવવું જ પડે. વડીલોના આશીર્વાદ કયાં મળે!"
કાર પાર્ક કરીને બંને અંદર આવ્યા. ઘરમાં આવતાં જ બાળકો અક્ષયને વીંટળાઈ ગયા. પત્ની દોડતી બહાર આવી, મહેમાનનું સ્વાગત કર્યું. અક્ષયના હાથમાંનો સામાન લઈને અંદર ચાલી ગઈ. અક્ષયના માતા પિતા આવ્યા. અક્ષયે બધાની ઓળખાણ કરાવી. કડક ચા સાથે ગરમાગરમ ભજીયા અને બા ના હાથની બનાવેલી સુખડીનો નાસ્તો વિનયે પેટ ભરીને કર્યો. રમતા બાળકોને માથે વ્હાલથી હાથ ફેરવ્યો. વડીલોના આશીર્વાદ લઈને ઘરે જવા નીકળ્યો.
ઘર તરફ 'ડ્રાઈવ' કરતા વિચારી રહ્યો, 'આટલું નાનું ઘર પણ અક્ષય કેટલો સુખી છે! બાળકો પપ્પાને કેવું વ્હાલ કરતા હતા! મારા આટલા મોટા ઘરમાં તો માંડ એકાદ વાર બાળકોનું મોઢું જોવા મળે! બંને પોતાના રૂમમાં હોય નહીં તો મિત્રો સાથે હોય! હું ઘરમાં આવું ત્યારે માત્ર નોકરો જ આવે! ભાભીના હાથની ચા ને ભજીયા વાહ! મને તો એ પણ યાદ નથી કે સીમાએ છેલ્લે ક્યારે મારા માટે ચા બનાવી હશે! બનાવી તો શું, મારી સાથે બેસીને ચા પીધાનું પણ મને યાદ નથી! હું ઑફિર્સમાં અને સીમા પોતાના સામાજિક કામોમાં વ્યસ્ત હોય! મમ્મી- પપ્પાને તો ગામના ઘરેથી અહીં બોલાવી લેવાનો વિચાર પણ નથી કરી શકતો! અક્ષય જેવું સુખ મારી પાસે નથી! મારો પરિવાર હોવા છતાંય મારી સાથે હોતો નથી!!
બંને મિત્રોને એકબીજાના સુખની ઈર્ષ્યા થવા લાગી હતી. પૈસાના અભાવે દુઃખી રહેતો અક્ષય, વિનયને સુખી સમજતો હતો અને પોતાને દુઃખી! જયારે પરિવારના સુખથી વંચિત રહેતો વિનય અક્ષયને સુખી માનવા લાગ્યો હતો અને પોતાને દુઃખી!! બંને સતત દુઃખી રહેવા લાગ્યા અને પોતાના નસીબને દોષ આપવા લાગ્યા! હવે અક્ષય વાતે વાતે ઘરના લોકો પર ગુસ્સે થઇ જતો. ઘરમાં કંકાસ વધતો જતો. રોજ દુકાનેથી આવતાં લોટરીની ટિકિટો ખરીદતો અને પૈસાદાર બનવાના વિચારો કરતો રહેતો!
વિનય પરિવારને જોડી રાખવા માટે 'ફેમીલી આઉંટીગ', 'વેકેશન' જેવા કાર્યક્રમો બનાવતો પણ ખાસ સફળતા મળતી નહોતી. આ કોશિશોમાં વ્યવસાય પર પૂરતું ધ્યાન આપી શકતો નહોતો. એવામાં સરકારની 'એક્સ્પોર્ટ- પોલિસી' માં બદલાવ આવતાં ધંધાકીય ચિંતાઓ વધી ગઈ!
બંને મિત્રોનું દુઃખ વધતું જતું હતું. ..!!
એક સવારે વિનય ઉઠ્યો ત્યારે તે એક નાનકડા ઘરમાં હતો. એની પત્ની સાદા વસ્ત્રોમાં એની પાસે બેઠી હતી. પત્નીએ પૂછ્યું, "હવે તને કેમ છે?"
" હું ઠીક છું! પણ આ બધું શું છે? આપણે ક્યાં છીએ?"
" આ આપણું જ ઘર છે. આપણા વેપારમાં બહુ મોટી ખોટ જવાને કારણે તને આઘાત લાગતાં 'બ્રેન સ્ટ્રોક' આવી ગયેલો. તે આજે મહિનાઓ પછી આંખો ખોલી છે! તું આરામ કર, હું તારા માટે જમવાનું લઈને આવું." વિનય પથારીમાં બેઠો થયો. તેણે જોયું, ક્યારેય જમીન પર પગ ન મુકનાર તેના સંતાનો આજે નીચે બેસીને અભ્યાસ કરી રહ્યા હતા. બંને આવીને તેને વીંટળાઈ ગયા ને બોલ્યા," પપ્પા તમને સારું છે ને?" ત્યાં જ સીમા સ્ટીલની થાળીમાં દાળ- ભાત લઈને આવી. ઘરની ચિંથરેહાલ દશા જોઈને વિનયને ખૂબ દુઃખ ગયું! પપ્પાએ માથે હાથ ફેરવતાં પૂછ્યું," બેટા, તને સારું છે ને?"
"પપ્પા, તમે અહીંયા?" વિનય બોલ્યો.
(ક્રમશ)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો