શાંતિ નો ઘોંઘાટ ..
એ દિવસે સવારે ઉઠીને
ખબર નહીં કોનું મોઢું
જોયું 'તું!!
સવાર સવારમાં મારા ઘરે કામ કરતી રમાનો ફોન આવ્યો," મારા દીકરાની શાળામાં મને સફાઈનું કામ
મળી ગયું છે. હું આજથી કામ પર નહી આવું." સાંભળતા જ ..આ મારી આંખે તો અંધારા આવી ગયા! એક
સ્વજન દૂર થઇ રહ્યું હોય એવું લાગ્યું! ફોન પર કહેવાનું મન થઇ ગયું," તેરે બીના ઝીન્દગી સે કોઈ કોઈ શીકવા તો
નહીં!..' પરંતુ
લાગણી પર કાબુ મેળવીને કહયું, "સારું, કાલે
આવીને હિસાબ લઈ જજે." ફોન મૂકીને પછી જરીક વાર તો સોફા પર દિગ્મૂઢ થઈને બેસી
ગઈ. 'હાય હાય! આટલા વાસણો,
કચરા- પોતા અને કપડાં
બાપરે! હું કેમ કરીશ!' મારામાં
રહેલો લેખિકાનો આત્મા બોલ્યો," જીવનમાં આવેલી મુશ્કેલીઓથી ગભરાવું નહીં, તેનો સામનો કરવો જોઈએ!"
હું ઉભી થઈ! નવા
ડ્રેસ પર બખ્તર (એપર્ન) ચડાવ્યું, વાળને
અંબોડે બાંધ્યાં, હાથમાં
તલવાર (સાવરણી) લઈને રણમેદાને પહોંચી ગઈ. થોડીવારમાં તો પેલો જુસ્સો ઓસરી ગયો!!
કામ અધુરું મૂકી ફરી સોફા પર બેસી જ ગઈ. ત્યારે જ નક્કી કર્યું, ' બધી મુશ્કેલીથી લડી શકાય પરંતુ, આનાથી તો નહિ જ!! લેખિકાના આત્માના
આવાજને ચૂપ કરીને હું 'મેઇડ'
શોધવાના કામે લાગી.
લાગતા-વળગતાને ફોન કરી દીધા પણ એમ ક્યાંય મેળ પડે ખરો!
બે
-ત્રણ દિવસ તો મારા ઘરની હાલત યુદ્ધ પૂરું થયા બાદના સમરાંગણ જેવી થઇ ગઈ.
મારું મગજ 'પ્રેશર-કૂકર'ની જેમ ઉકળતું રહેવા લાગ્યું. ઘરના લોકો
પર વગર કારણે સીટી વાગી જતી! 'ઘરના
બધાએ ઘરકામ શીખવું જોઈએ' એવા
ભાષણો વગર
માઈકે મળવા લાગ્યા! ટૂંકમા, ઘરની
શાંતિ અને સુખચેન સાવ હણાઈ ગયા!! મારા પાડોસી બહેન 'એ.સી પી પ્રદ્યુમન્ન' જેવા! મારા ઘરમાંથી આવતા સિટીના
મોટા એ અવાજોથી બધુંય
સમજી ગયા. બીજે દિવસે બોલ્યા," તમારે 'મેઇડ'
જોઈએ છે ને! મારા ઘરે
આવે છે તેને કહું?' મને
આજે પહેલીવાર એમનું મારા ઘર પર નજર રાખવું ગમ્યું!! મેં તરત જ હા કહી! (લક્ષ્મી
ચાંદલો કરવા આવે ત્યારે મોઢું ધોવા થોડું જવાય! )
એ બોલ્યા,"
આમ તો સારી છે પણ એક 'પ્રોબ્લેમ' છે. એને માત્ર અમારા પ્રાંતની મલયાલી
ભાષા જ આવડે છે." મેં વિચાર્યું,' ન મામા કરતાં કાણો મામો સારો'! ને કહયું," ચાલશે મને! એક વાર કામ સમજી લે પછી કોઈ
વાંધો નથી." બીજે દિવસે એ.સી પી... ના.. ના! મારા પાડોશી બહેન (હવે એવું થોડી
કહેવાય!) 'મેઈડ'
ને મારા ઘરે લઇ
આવ્યા. બધી વાતો નક્કી થઈ. તેઓ અમારી વચ્ચે અનુવાદક બન્યા. બધું નક્કી કરાવી
આપ્યું. એ હતી મારી નવી 'મેઈડ'
શાંતિ! એના આવવાથી
મનેય શાંતિ થઈ! વળી મારો સીટીનો અવાજ બંધ થયો એટલે ઘરના બધાને પણ શાંતિ થઈ!!
શાંતિનું સમયપત્રક થોડું વ્યસ્ત હતું. મારા ઘર માટે એણે બપોરે બે વાગ્યાનો સમય
ફાળવ્યો હતો. જે મારો વામ-કુક્ષીનો સમય! બાળકો શાળાએ થી આવીને જમીને આરામ કરે! હું
પણ થોડી વાર સુઈ જતી. 'ગરજે
ગધેડાને પણ...'! હું
મારી બપોરની ઊંઘનું બલિદાન કરવા તૈયાર થઈ ગઈ!
શાંતિના નામ પ્રમાણે
ગુણ લાગ્યા! ચૂપચાપ કામ કરતી એટલે હું જરીક વાર આડી પડી શકતી. ન એ મારી ભાષા સમજે,
ન હું એની ભાષા! એટલે
ઘરમાં શાંતિ હોય ને! આમ તો 'મેઇડ'
સમાચાર 'ચેનલ' જેવી હોય, આસ-પડોસના બધાના ઘરના સમાચાર મળે પરંતુ,
શાંતિ પાસેથી કોઈ આશા
નહોતી! મેં મારા મન ને મનાવ્યું,' એના
માટે તો આજકાલ 'સોશ્યિલ
મીડિયા' છે
ને! બધાના સમાચાર મળી જ રહે છે!' શરૂઆતના
થોડા દિવસો ખુબ આંનદમાં પસાર થયા. મારા ઘરની શાંતિ આ શાંતિના આગમનથી યથાવત્ થઈ ગઈ.
થોડા
દિવસ બાદ શાંત જળમાં કાંકરી પડી. રોજ એના કામ કરવાના સમયે એના મોબાઈલ પર ફોન આવતો.
જેમાં એ લગભગ ગુસ્સે થઈને મોટા અવાજે વાત કરતી. સામેની વ્યક્તિને ખીજાતી હોય એવું
લાગ્યું. ભાષા તો સમજાતી નહીં પણ વાતો પરથી ગુસ્સો સ્પષ્ટ હતો. મને અને બાળકોને
બપોરના આરામ માં ખલેલ પડતો. પણ શું થાય! 'દૂઝણી ગાયની બે લાતો ખાવીયે પડે!' થોડી વાર ગુસ્સો કરીને એ ફોન મૂકી દેતી
એટલે ચાલતું. પરંતુ, આ
તો રોજનું થયું.
એક દિવસ એના કામના
સમયે એક લૂંગી- ધારી પુરુષ મારા ઘરે આવ્યો. એણે શાંતિને બોલાવવા કહ્યું. જેવો
શાંતિએ એને જોયો કે ગુસ્સામાં કશું બોલવા લાગી. પેલો ચૂપચાપ સાંભળી રહ્યો મને
ખ્યાલ આવી ગયો કે આ તેનો પતિ હોવો જોઈએ. (સ્વાનુભવ..જો જો! મોહિત ને ન કહેતા!!)
આજે ફોનને બદલે સામે ઝડપાયો છે. થોડીવારમાં તો આજુબાજુના બધાં દરવાજો ખોલી બહાર
ડોકાયા કારણ શાંતિનો અવાજ ઉગ્ર બનતો જતો હતો. થોડીવાર ગરબડ ચાલી! પછી એ ચાલ્યો
ગયો. એના ગયા બાદ શાંતિ પોતાની ભાષામાં ઘણું બધું બોલી. હું સમજી તો નહિ પણ એના
હાવભાવ પરથી એટલું ખબર પડી ગઈ કે આ તો ઘરની મહાભારતનો એક 'એપિસોડ' મારા ઘરે ભજવાઈ ગયો!!
એ
દિવસે તો મેં આંખ આડા કાન કર્યા. આવું વારંવાર બનતું. કાં તો પેલા ભાઈ આવતા નહીં
તો એમનો ફોન! મારા ઘરની શાંતિ જોખમાઈ જતી. એના ગયા પછી શાંતિનો ગુસ્સો મારા વાસણો
પર નીકળતો. વાસણો પડવાનો અવાજ મને દર્દ આપી જતો! મારી અંદર રહેલો લેખિકાનો આત્મા
કહેતો, "દર્દ
સહન કરવાની આદત પાડવી જ પડે!" હું દર્દ સહી લેતી!
ધીરે ધીરે મારા
કૂકરના તૂટેલા 'હેન્ડલો'
તપેલીમાં પડેલા ગોબા
અને મોંઘી 'ક્રોકરી'
ના ટુકડા જોઈને મેં
મારી અંદર રહેલા લેખિકાના અવાજ ને શાંત કરી દીધો! શાંતિ (જે હવે અશાંતિનું કારણ
બની હતી) એને આ બધું બતાવીને સમજાવ્યું," આવું નહિ ચાલે! તારો ગુસ્સો આમ કામ પર ન
ઉતાર!" એ કંઈ ખાસ સમજી હોય એવું ના લાગ્યું બલ્કે એણે તૂટેલા વાસણોને કચરાના
ડબ્બામાં મૂકીને ચાલતી પકડી! મારું હૈયું હવે હાથ ન રહ્યું. શાંતિ એ મારા સુખ ચેન
હરી લીધેલા ત્યાં સુધી તો ઠીક હતું પરંતુ, આ કુકર! મારા આણા માં આવેલું! એને આમ ફેંકી દેવાય!! મેં મનોમન
કંઈક નક્કી કરી લીધું.
બીજે દિવસે શાંતિ આવી
ત્યારે એના પગારના પૈસા એના હાથમાં મૂકી દીધા સાથે કામ પર આવવાની ના કહી દીધી!! એ
તો 'સોરી' કહેવાને બદલે ભડકી! મોટા સાદે કઈ બોલવા
લાગી!! શાંતિનો ઘોંઘાટ સાંભળીને મારા પાડોસી બહેન (સી.આઈ.ડી) તરત મારી મદદે આવ્યા.
એના શબ્દોનો અનુવાદ કરીને કહયું," એને કામ
પરથી આમ છોડશો તો એ પોતાના 'યુનિયન'માં ફરિયાદ કરશે. એક મહિનાની 'નોટિસ' સિવાય એ કામ નહીં છોડે!" લે આ તો
ભારે કરી! મેં જેમ તેમ થોડા વધારે પૈસા આપીને એને કાઢી અને ફરિયાદ ન કરવા સમજાવી.
એના ગયા પછી ફરી મારા
ઘરની શાંતિ તો જોખમમાં આવી જ ગઈ હતી પણ એ વિષે બીજી કોઈ વાર વાત!! આજે તો તમને
એટલું સમજાવું છું, શાંતિ
નામની 'મેઇડ'
કામ પર રાખતા પહેલા
બે વાર ચકાસી લેજો.. પછી કહેતા નહીં કે મેં તમને ચેતવ્યા નહીં ....!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો