મને ભૂલી જવાય ??

 

 ટેક્નોલોજીના યુગમાં ક્યારેક એવું નથી લાગતું કે આપણી યાદશક્તિ ઓછી થતી જાય છે! હવે મોટાભાગની કામની વાતો યાદ રાખવા માટે આપણે  ' ગૂગલ ' અને ' નોટ પેડ ' નો સાથ લેવો પડે છે. ઘણા કામો માટે મોબાઈલમાં ' રિમાઇન્ડર સેટ ' કરવા પડે છે.! આજ કાલ પણ ભૂલી જવું સામાન્ય થતું જાય છે, ખરું ને? ચાલો, આજે તમને ભૂલવા વિષે જ વાત કરું! સામાન્ય રીતે પર્સ, બેગ, ફોન જેવી વસ્તુ તો બધા જ ભૂલી જતા હોય છે પરંતુ, કોઈ તમને ભૂલી ગયું હોય, એવું ક્યારેય બન્યું છે, તમારી સાથે? નહીં ને!! શું કહું, મારી સાથે એવું બન્યું છે..ચાલો આજે એ વિષે વાત કરું....

મારા પતિ મહાશય મોહિત બહુ ભૂલકણા! રોજ ઓફિસે જતી વખતે હું યાદ ન કરાવું તો ક્યારેક ટિફિન તો ક્યારેક ફોન કે પર્સ, લેપટોપ કાંઈ નું કાંઈ ભૂલીને જાય. ઘણી વાર અડધે રસ્તેથી લેવા પાછો ફરે! ઘણી વાર એ વસ્તુ વિના ચલાવી લેવું પડે. એકવાર એમને ટોકતા મેં કહયું, " ક્યારેક મને ભૂલી ન જતો! " એણે કહ્યું, " કાશ! એવું કરી શકતો હોત!! "

મેં કહ્યું, " હું તને એટલું બધુ સુખ ક્યારેય નહિં લેવા દઉં! " અમે હસી પડયાં.  છતાય એક વાર એવું બન્યુંકે એ મને ભૂલી ગયો...

 એ દિવસે મારી એક સખીનો જન્મદિવસ હતો. એના પતિદેવે ' સરપ્રાઈઝ ' પાર્ટી રાખી હતી. અમારે બધાએ સાંજે સાત વાગે નક્કી કરેલી રેસ્ટોરામાં પહોંચી જવાનું હતું. તેઓ મારી સખીને લઈને સવા સાતે વાગે આવવાના હતા. અમારે ત્યારે તેને ' સરપ્રાઈઝ ' આપવાની હતી. હું સવારથી મોહિતને ફોન કરી યાદ અપાવતી હતી કે એ સાંજે ઘરે જલ્દી આવવાનું છે જેથી સમયસર પાર્ટીમાં પહોંચી શકાય. તોયે એ ભૂલી ગયો અને ઘરે મોડો આવ્યો. હું તો તૈયાર જ હતી. મારો ગુસ્સો સાતમા આસમાને હતો.

 હું બોલી, " તું કાયમ લેટ આવે! મારે સરપ્રાઇઝ પહેલાં પહોંચવું છે. હવે કેવી રીતે પહોંચીશું. તારું કાયમનું આવું જ હોય. બહાર જવાનું હોય ત્યારે તું લેટ જ હોય. " એ સખત થાકેલો હતો. ઓફીસના કામનું થોડું ' ટેન્શન ' પણ હતું અને એમાં મારી નોનસ્ટોપ કટકટ! એથી એ પોતાના કપડાં લઈને નીચેના રુમમાં તૈયાર થવા ચાલ્યો ગયો. એને તૈયાર થતાં બહુ વાર લાગે એ હું જાણતી હતી. અમને મોડું ન થાય એટલે મેં એક યુક્તિ કરી. મેં નીચેના રૂમની બહાર ઉભા રહીને મોટેથી કહ્યું, " જો તું પાંચ મિનિટમાં તૈયાર થઈને બહાર ના આવ્યો તો હું ટેક્ષીમાં ચાલી જઈશ. તું પછી આવજે. " આવી ખોટી ધમકી આપીને હું થોડી વાર બાલ્કનીમાં જઈને બેઠી. ઠંડો પવન વાતો હતો. મારી સાડીનો પાલવ ત્યાં મૂકેલા ગુલાબના છોડમાં ફસાઈ ગયો. હું ઉતાવળે કાઢવા ગઈ તો મારી સાડી સહેજ ફાટી ગઈ. આ રીતે પાર્ટીમાં કેમ જવું! હું જાણતી હતી મોહિતને તૈયાર થતાં વાર લાગશે અને જો હું કહીશ કે હું સાડી બદલવા જાઉં છું તો એ વધારે આરામથી તૈયાર થશે એટલે હું ઉતાવળે સાડી બદલવા ઉપરના બેડરૂમમાં ચાલી ગઈ. મને ખાતરી હતી કે હું આવીશ ત્યાં સુધી મોહિત તૈયાર નહીં થાય પરંતુ એ દિવસે મોહિત તૈયાર થઈને તરત જ બહાર આવ્યો. એ સમયે એના મોબાઈલમાં ઑફિસમાંથી ફોન આવ્યો. એ ફોન પર વાતો કરવામાં એટલો વ્યસ્ત હતો કે ઉતાવળે ઘરનો દરવાજો બંધ કરી બહાર નીકળી ગયો. હું ઘરમાં જ રહી ગઈ. એને લાગ્યું કે હું સાચે જ ટેકસીમાં બેસીને પાર્ટીમાં ચાલી ગઈ હોઈશ. એ ઉતાવળે રેસ્ટોરામાં જવા નીકળ્યો.

 

 

હું સાડી બદલીને નીચે આવી ત્યારે જોયું તો મોહિત ઘરમાં નહોતો અને દરવાજો પણ બહારથી બંધ હતો. મેં મોહિતને ફોન લગાડ્યો પણ તેનો ફોન ' સ્વીચ ઑફ ' હતો. રોજની આદત મુજબ એ ફોનને ચાર્જ કરવાનું ભૂલી ગયો હતો. હવે મારે પાર્ટીમાં જવું કેમ!! હું બહુ અકળાઈ. મેં મારા પડોસમાં રહેતા ભાભીને ફોન કર્યો તેમની પાસે મારા ઘરની એક ચાવી હોય. મેં તેમને આવીને મારો દરવાજો ખોલવા કહ્યું. ઘર ખોલતા જ તેઓ હસી પડ્યા અને બોલ્યા, " મોહિતભાઈ પણ ખરા છે! તમને ઘરમાં ભૂલીને ચાલ્યા ગયા! " ભાભીની વાતને હસવામાં ઉડાવીને હું ઉતાવળે ઘરની બહાર નીકળી.

 આ બાજુ મોહિત પાર્ટીમાં પહોંચ્યો. ત્યાં અંધારું હતું કારણ ' સરપ્રાઈઝ ' અપાઈ જાય પછી લાઈટ ખોલવાની હતી. હું ત્યાં જ હોઈશ એમ માનીને ત્યાં જ બેઠો. મારી સખીને એમના પતિ આવી ગયા પછી લાઈટો ખુલી ત્યારે મને બધે શોધી વળ્યો હું ના દેખાઈ! વળી બધા પૂછવા લાગ્યા ' તની ' ક્યાં? "

 મોહિત બોલ્યો," એ અહીં નથી આવી?? તો કદાચ ઘરે રહી ગઈ હશે! " એ છોભીલો પડી ગયો. હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે એ મને ઘરમાં ભૂલીને આવ્યો છે. એને પસ્તાવો થયો કે એણે ઘરમાં એકવાર ખાતરી કરી લેવી જોઈતી હતી. સાથે મારી ચિંતા પણ થઈ. એ તરત જ મને લેવા ઘરે આવવા નીકળતો જ હતો. એટલામાં હું ત્યાં પહોંચી અમે રેસ્ટોરાના ગેટ પર મળ્યાં. પહેલા એકબીજા પર અનેક પ્રશ્નોની જડી વરસાવી દીધી. બધી ચોખવટ થયા બાદ બંન્ને ખડખડાટ હસી પડ્યાં.

મેં કહ્યું, " આખરે તું મને ભૂલી જ ગયો! "

એ ફિલ્મી અદામાં બોલ્યો, " ગલતી સે મિસટેક હો ગયા! " અમે બંને હસતાં હસતાં પાર્ટીમાં પહોંચ્યા. બધા મિત્રો અમારું ' ભૂલી જવા પુરાણ ' સાંભળીને ખૂબ હસ્યાં.

એ દિવસે મને ભૂલી જવું મોહિતને એટલું ભારી પડ્યું કે ત્યારથી અમારે કશે પણ બહાર જવાનું હોય ત્યારે મોહિત મારો હાથ પકડીને મને સાથે લઈને જાય. લોકો અમને ' લવ બર્ડ્સ ' કહે છે પણ એની પાછળની સચ્ચાઈ માત્ર તમે જાણો છો!!

-તની

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...