સંશય ને સીમા માં બાંધી લઈએ ...
એક જગ્યાએ બહુ સરસ
વાક્ય વાચંવામાં આવ્યું હતું..
'શોક ની એક સીમા હોય
છે પરંતુ, સંશય
ની કોઈ સીમા નથી હોતી!'
કેટલી સુંદર વાત કહી
છે, આ લખનારે..! જ્યારે
જીવનમાં કોઈ દર્દ ભરી ઘટના કે બનાવ બની જાય ત્યારે આપણે એના શોકમાં ડૂબી જઈએ છીએ.
એ સમયે દર્દ અને ગ્લાનિથી મન ભરાઈ જાય છે! એ દર્દ દિલ ને અનેક નવા જખમ આપી જાય છે!
ઘણા જખમ સમય સાથે રુઝાતા જાય છે, જ્યારે
ઘણા હૃદયના કોઈક ખૂણે રહી જાય છે, છતાંય
એ માત્ર ઘટના પૂરતા જ સીમિત રહે છે!
જ્યારે સંશય ની કોઈ સીમા જ નથી હોતી! કાલે આમ
થશે તો ?? કાલે
હું નહીં રહું તો, મારા
પરિવાર નું શું થશે ? મારા
પ્રિયજનો મને છોડીને ચાલ્યા જશે તો? મારા વ્યાપાર માં નુકસાન થશે તો ? મારી નોકરી છૂટી જશે તો ....વગેરે...'
તો' ની કોઈ સીમા જ નથી હોતી! આ ચિંતા
અમર્યાદ બની ને આપણ મન પર કબજો જમાવી લે છે! આપણી આજના સુખ ચેન ને હરી લે છે!!
કોરોના
કાળ દરમ્યાન આપણે સહુએ આ અનુભવ્યું જ હતું. હવે શું થશે, એ આપણે જાણતા જ નહોતા એથી આમ થશે તો...??
એનો ભય આપણને થથરાવી
મૂકતો હતો!
એ
સમયે આપણે અનુભવ્યું હતું કે મૃત્યુ કરતાં મૃત્યુ નો ભય વધારે ખતરનાક હોય છે! જો
મને આ બિમારી થશે તો.. મારા ઘરના ને પણ આ બીમારી થશે, એ ડર થી આપણે બધી સાવધાની રાખતા થયા
હતા! જરાક સરદી કે ઉધરસ જેવું લાગતું ત્યારે કેટલાય દિવસો પોતાના પરિવારથી દૂર
રહીને વિતાવ્યા હતા! દરેક કામમાં સાવધાની રાખતા. ઘરે લાવવામાં આવતા શાકભાજીથી પણ
ડરતા! ક્યાંક
એમાં વિષાણુ હશે તો એ ડર થી એને સરખી રીતે ધોતા અને કલાકો સુધી બહાર મૂકી રાખતા!
બહારનું ભોજન ખાવું તો શું સૂંઘતા પણ નહોતા! ભર ઉનાળે આપણે આઇસ્ક્રીમ ત્યજી ને
કાઢા પણ પીધા હતા, ખરું
ને??
ખેર, એ સમય ખરેખર કપરો હતો ત્યાર ના 'તો' ની ચિંતાઓ પણ અલગ હતી પરંતુ, એ સમયે આપણે એક વસ્તુ જરૂર શીખ્યા હતા,
એ હતું, થોભી જવું!! લોકડાઉન થતાં બધું બંધ થયું
અને આપણી ભાગતી જિંદગી થોડી વાર થંભી ગઈ! કાલે શું થશે, એ નિશ્ચિત નહોતું ત્યારે આપણે બે ઘડી
થોભી જઈને વર્તમાન ને માણી લીધેલો! પોતાને ભાવતી વાનગીઓ ઘરે હાથે બનાવીને ખાધી,
બાળકો સાથે સમય
વિતાવ્યો, ફિલ્મો
જોઈ, રમતો રમ્યા, બેસીને અલકમલકની વાતો કરી, વડીલોની સાથે બેસીને ભૂતકાળ ને વાગોળ્યો,
માળીયા પર પડી રહેલા
આલ્બમો ઉતારીને જૂની યાદોને તાજી કરી, વર્ષોથી ખૂણે દબાઈ ગયેલા શોખ ને ફરી જીવંત કર્યા હતા!! આવો સમય
કદાચ આપણે આ ભાગદોડ ભરી જીંદગીમાં માણ્યો નહોતો... પરંતુ, ફરીથી ભાગતા થઈ ગયેલા જીવન માં એ વિરામ
પાછો ભૂલાઈ જ ગયો, ખરું
ને??
શું સતત કાલ ની
ચિંતાઓ કરતા રહેવું, યોગ્ય
છે? અમારા એક સંબંધી
મિત્ર સતત કામ કરતા જ હોય! રવિવારે પણ તેઓ બીજા કામો માટે દોડતા હોય! રવિવારે અમે
ક્યારેક બહાર જવાનો કાર્યક્રમ બનાવીને એમને બોલાવીએ તો તેઓ સાફ ના કહી દે,"
મને કામ છે નહીં ફાવે,
વળી કહે, તમારે શું ચિંતા છે, કાલની! કાલે સવારે તમારો દિકરો કમાતો થઈ
જશે, તમે રવિવારે મજા કરો
તો ચાલે પણ મારે તો બે દીકરીઓ છે, કાલે
સવારે એમના લગ્ન કરવાના છે, વળી
અમારા બંને ના ભવિષ્ય માટે પણ જોગવાઈ કરવાની છે!"
જોકે એમની વાત થોડી ઘણી સાચી પણ ખરી! છતાંય શું કાલ માટેની એ ચિંતા ને ક્યારેક બાજુએ મૂકીને આજ ને માણી ના શકાય? શું આજના જમાનામાં દીકરીઓ માતા- પિતા માટે ચિંતાનો વિષય છે ખરી?? ના જરાય નહીં, એ પોતાનું ભવિષ્ય પોતાની રીતે કંડારશે અને જો ભવિષ્યમાં કશુંક અણધાર્યું બની જાય તો પણ એ માતા પિતાની પડખે પણ ઊભી રહેશે! વળી દીકરાના માતા- પિતા હોવાથી ભવિષ્ય માટે સાવ નિશ્ચિંત પણ થઈ જવાની જરૂર નથી! શું કાલે સવારે કશુંક અઘટિત બની જાય તો દીકરો પડખે ઊભો જ હશે, એની ખાતરી છે ખરી?? તો પછી શા માટે સતત કાલ પર નકારાત્મક સંશય કરવો?
કાલ
અનિશ્ચિત છે! કાલે શું થવાનું છે, એ
કોઈ જાણતું જ નથી, એ
ખરું! પરંતુ, કાલે
અમંગલ બનશે તો.. એવો નાહકનો સંશય કરીને આજને કેમ વેડફી નાખવી? શું કાલ માટે હકારાત્મક ન વિચારી શકાય?
કાલ સારી ન હોઈ શકે?
કાલે મારો પરિવાર ખુશ
જ હશે! આજ જેટલી સુંદર છે એટલી કાલ પણ સુંદર હશે! એવું વિચારી ન શકાય? આમેય આપણે કાલ ને જોઈ શકવાના જ નથી
માત્ર અટકળો જ કરવાની છે તો ..હકારાત્મક કેમ ન કરીએ ? કાલે મારો પરિવાર મારી કઈ યાદોને
વાગોળશે એ વિચારીએ! એ માટે આપણે આજને માણવી પડશે કઈંક એવું કરવું પડશે, જે કાલ માટે મીઠી યાદ બની જાય!
એનો
મતલબ એમ પણ નથી કે કાલ માટે ની ફિકર કર્યા વિના આજે અમર્યાદ બનીને જીવવું! વાચક મિત્રો હું માત્ર એટલું
કહેવા માંગુ છું કે કાલ માટેના સંશય ને એક સીમામાં બાંધી લઈએ! થોડું છે અને સાથે
થોડુક ભેગું પણ કરતાં જઈએ! સાથે થોડુંક અટકીને આજને જીવી પણ લઈએ!
જો કાલે સાચે જ કશું
અણધાર્યુ બની જાય તોય એ અફસોસ ન રહે કે મારે આમ કરવું હતું પણ ન કરી શકી! આપણે
એટલી સીમામાં
રહીને કાલ ની ચિંતા કરીએ કે જેનાથી આપણી આજ વેડફાઈ ન જાય!! બરાબર ને, શું કહો છો તમે?
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો