જીવન- મૃત્યુ (ભાગ 1)
"ચંચળ નદી અને ગંભીર સાગર!
નદીનું જળ મીઠું અને સાગરનું ખારું!
બંને એકબીજાથી સાવ અલગ છે છતાય નદી આખરે સાગરમાં જ વિલીન થઇ જાય છે!!
એવી જુગલબંધી જીવન અને મૃત્યુની પણ છે! હલચલ મચાવતું જીવન અને ગંભીર મૃત્યુ!
શ્વાસથી ધબકતું જીવન અને સ્થિર મૃત્યુ!
છતાંય આખરે જીવન મૃત્યુમાં વિલીન થઈ જાય છે!! એ જ સત્ય છે!"
જીવન અને મૃત્યુની આ જુગલબંધી વિશે થોડા દિવસો પહેલાં 'સોશ્યિલ મીડિયા'માં એક વિડિયો જોયો. જેનો સાર હતો કે તમારા મૃત્યુ બાદ થોડાક કલાકોમાં તમારા સગા ઘરે જવા ઉતાવળ કરશે. ઘણા નહીં આવી શકવા પર દિલગીરી વ્યક્ત કરશે! એટલે કે સગા-વ્હાલાં અને મિત્રોનો સાથ મૃત્યુ પછી થોડાક કલાકોનો!
તમારા બાળકો અને પરિવાર- જનો થોડા દિવસો આંસુ સારીને પછી પોતાના જીવનમાં પરોવાઈ જશે. એમનો સાથ થોડા દિવસોનો!
તમારી પત્ની થોડા મહિનાઓ પછી કોઈ બીજા કામમાં મન પરોવીને ખુશ થતી દેખાશે. તમારી પત્નીનો સાથ થોડાક મહિનાઓનો! એ પછી બધા તમને ભૂલી જશે. કયારેક તમારી વરસી પર કે જન્મદિવસે તમને યાદ કરી લેશે એટલું જ!
આ બધા માટે તમે આખું જીવન દોડધામ કરો છો! તમારી ખુશીઓ કુરબાન કરીને એમની ખુશી માટે પ્રયત્નો કરો છો!! આ બધું શા માટે? બીજાની પરવા છોડીને પોતાના માટે જીવો!!
એ વિડિઓ બનાવનારના અને 'ફોરવર્ડ' કરનારના એ વિચારો હતા પરંતુ, મારું માનવું છે કે મૃત્યુ પછી કોણ આપણું છે, કોણ આપણું નહીં, એ ક્યાં આપણે જોવાના છીએ! આપણે તો જીવન એવું જીવવું કે મૃત્યુ સુધરી જાય. આપણા પરિવાર, મિત્રો, સંબંધીઓ સાથે જીવનમાં એવો સંબંધ સ્થાપવો કે જીવનભર તેઓ આપણી સાથે રહે. આપણને પ્રેમ આપે! સુખ-દુઃખમાં આપણી પડખે રહે! મર્યા પછી તેઓ આવે ના આવે એની આપણે શું પરવા! જીવનમાં એકબીજા માટે ઘસાવું, એકબીજાની લાગણીનું માન રાખવું, સંબંધો માટે થોડું જતું કરવું જરૂરી છે! પારકાને પોતાના કરી લેવા. પોતાનાને પ્રેમ કરવો, પરોપકાર અને સેવા કરવી એ જ તો જીવનનો સાર છે! આજે હું તમને એક એવા જીવન વિષે વાત કરીશ જેણે આવા વિચારો નહોતા કર્યા બલ્કે તેઓ જીવનભર બીજા માટે જીવ્યા હતા...
આપણે તેમને હર્ષા નામે ઓળખીશું. હર્ષાનો જન્મ થયો એ પહેલાં તેની માતાને અનેક કસુવાવડ થયેલી. એ જમાનામાં તબીબી વિજ્ઞાન એટલું આગળ નહોતું વધ્યું. હર્ષાના જન્મ એ ઘરને ખુશીઓથી ભરી દીધું પરંતુ, કસુવાવડથી થાકેલી તેની માતા હર્ષ ને બે વર્ષની મૂકીને મૃત્યુ પામી. નાની હર્ષાને ખાતર પિતાએ બીજા લગ્ન કર્યા. અપર માતા પાસે તેનો ઉછેર તો થયો. પરંતુ, તે માતાના પ્રેમ માટે તડપતી જ રહી. સાવકા ભાઈ- બહેનને સગાં ભાઈ-બહેન જેટલો પ્રેમ આપી, માતાને તેમના ઉછેરમાં સાથ આપીને આખરે તેણે અપરમાનો પ્રેમ પ્રાપ્ત કરી જ લીધો! એ જમાનામાં સ્ત્રીઓને બહુ ભણવા નહોતા દેતાં છતાંય તેણે સારી રીતે મેટ્રિક સુધીનું ભણતર પૂરું કર્યું. સાથે એક જવાબદાર મોટી બહેન, એક સારી દીકરી તરીકેની બધી ફરજો નિભાવી!
નાની વયે એક મોટા પરિવારમાં તેના લગ્ન થયા. પરિવારમાં સૌથી નાની હોવાને લીધે દરેકનું માન સાચવીને પોતાની ફરજો નિભાવતી. એના લગ્નના થોડા સમય બાદ તેમના પારિવારિક વ્યવસાયમાં મોટી ખોટ પડી. તેનો પરિવાર આર્થિક રીતે તૂટી પડ્યો. બધો દોષ એના પગલાંને દેવાયો. બધાનો ફિટકાર સહીને પણ પોતાના પરિવારનો તેણે આ મુશ્કેલીમાં સાથ આપ્યો. બાકીના દીકરાઓ પોતાનો ભાગ લઈને અલગ થઈ ગયા. પરંતુ, તે આર્થિક અને શારીરિક રીતે ભાંગી પડેલા સાસુ- સસરાની પડખે ઉભી રહી. તેના પતિએ નોકરી લઈ લીધી. પોતે ઘર સાથે બહારના કામ કરીને પતિનો સહારો બની. પિતાના બધા કરજ ચુકવવામાં તેણે પતિનો સાથ આપ્યો. બીમાર સાસુ- સસરાની મરણ પર્યત સેવા ચાકરી કરી. બે બાળકો તેને સાથે એવા કપરા દિવસો જોવા પડ્યા. જેની તેણે કયારેય કલ્પના પણ નહોતી કરી છતાંય સતત ઝઝૂમતી રહી. આવા કપરા દિવસોમાં પણ ઘર છોડીએ ચાલ્યા ગયેલા સંબંધીઓના દરેક વ્યવહાર નિભાવતી રહી. હંમેશા પતિને કેહતી," એ લોકો ગમે તે વ્યવહાર કરે આપણે માણસાઈ છોડી ના દેવાય. આપણે સારા માઠા પ્રસંગે ઉભા રહેવું પડે!"
જેમ તેમ બે પાંદડે થઈ ત્યારે યુવાનીના અમૂલ્ય વર્ષો વેડફાઈ ગયા હતા. સંતાનો થોડા મોટા થયા છતાંય મઘ્યમવર્ગીય પરિવારનો સંઘર્ષ તો ચાલુ જ રહ્યો. બધા સંબંધો સૂઝબુઝથી સાચવ્યા! કોઈને જરૂર હોય એ સમયે હર્ષા ત્યાં ના પહોંચે એવું નહોતું બનતું. પૈસાથી નહિ પણ જાતથી એ બધે ઘસાતી. પોતાની પાસે પાંચ રૂપિયા હોય તો એકની મદદ તો કરી જ દેતી. રોજ મંદિરે જવું, ગાય-કૂતરાને ખવડાવવું, ગરીબોને રોટલી કે બ્રેડ આપવાનો નિયમ ખરો! છતાંય વિધિની વક્રતા જુઓ, એક અકસ્માતમાં તેના પતિનું નિધન થયું! આધેડ વયનું કપરું વૈધવ્ય જીરવીને તેણે સંતેણે
સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું એ માટે દિવસ રાત કામ કર્યું. કોઈની પાસે હાથ ના લંબાવ્યો. પરોપકાર અને વાર- વ્યવહાર આવા કપરા સમયે પણ ચાલુ રાખ્યા.
દીકરો મોટો થઈને કામે લાગ્યો ત્યારે આર્થિક પ્રવૃત્તિ બંધ કરી પરંતુ,ઘરકામ અને સેવાની પ્રવૃતિઓ સતત ચાલુ રાખી. આ ઉંમરે પણ બીજાને મદદ કરતા રહેવાનો એનો કર્મ ચાલુ જ હતો. કોઈને બાળકો માટે વિવિધ સંસ્થાઓ પાસેથી ફી નો બંદોબસ્ત કરાવી આપવો, તો કોઈને દવા માટે પૈસાનો બંદોબસ્ત કરાવી આપવા લાગતા- વળગતાને વિનંતી કરીને આખરે બંદોબસ્ત કરાવી આપતા. પોતાના માટે કયારેક એક પૈસો પણ નહોતો લીધો પણ બીજા માટે તેમણે અનેક વાર હાથ જોડ્યા હતા. ઘરની કામવાળી બહેનના છોકરાઓ માટે 'ચેરિટેબલ- ટ્રસ્ટ'માંથી પુસ્તકો ઉંચકી લાવતાં હર્ષાબહેનને જોઈને માન ઊપજતું! શેરીના છોકરાઓ દોડીને એમના હાથમાંથી વજન ઉંચકી લેતા. બધા એમને આદર આપતા. પોતાની મુસીબતો જઈને એમને કહેતા. તેઓ કોઈ માર્ગ કાઢી જ આપતાં અને પોતાનાથી બનતી દરેક મદદ કરતા. ઓળખીતા કોઈને ત્યાં સુવાવડી દીકરી કે વહુ હોય તો તેના માટે લાડવા બનાવીને આપી આવતાં. વીંયાયેલી ગાય માટે પણ ઘી વાળી લાપસી બનાવીને લઈ જતાં. તો ક્યારેક કોઈ ભૂખ્યાને ઘરે તેડી લાવતા ને જમાડતાં.
એમણે પોતાનું આખું જીવન બીજા માટે ખર્ચી નાખ્યું. સતત બીજાની ચિંતા! નિસ્વાર્થ સેવા નો ભાવ! સતત સંબંધોની પરવા! કોઈ કશું કહી જાય, સંભળાવી જાય તોયે ભૂલી જઈને જતું કરી દઈને સંબંધોની ડોરને જોડી રાખતા. એવી વ્યક્તિને મૃત્યુની ચિંતા કયારેય નહોતી એ તો જીવન જીવી લેવામાં માનતા હતા!!
(ક્રમશ)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો