મારે ક્યાં લેવો છે?

 

Those who says money can't buy happiness they don't know how to shop!'

એટલે કે 'પૈસો ખુશી ખરીદી શકતો નથી એવું માનનાર ને ખરીદી કરતા આવડતું જ નથી!"

આ વાક્ય મેં કશેક વાંચ્યું હતું. કદાચ લખનારે મારા માટે જ લખ્યું હશે! લે..ન સમજાયું! ચાલો હું સમજાવું... હું ને 'શોપિંગ' એકબીજાની ખાસ સખીઓ! મારો મૂડ સારો હોય તો હું ખુશી પ્રદર્શિત કરવા 'શોપિંગ' કરું ને ખરાબ હોય તો 'મૂડ' સારો કરવા!!
       નજીકની દુકાનથી માંડીને દૂર આવેલા 'મોલ' સુધી ક્યાં, કઈ દુકાનમાં કેટલું 'સેલ' લાગ્યું છે એ વિશેની સંપૂર્ણ જાણકારી મારી પાસે હોય જ!! નવા કપડાંની ખુશ્બુ મને એક અજબની ખુશી આપે! 'શોપિંગ બેગ' હાથમાં લઈને ચાલવાનો આનંદ ..ના પરમ આનંદ! કઈ રીતે વર્ણવું ...તમે પોતે જ 'શોપિંગ' કરીને અનુભવજો! અનેક દુકાનોમાં પરિભ્રમણ કરીને, અનેક હેંગેરો હાથમાં લઈને તેની પરના કપડાં ચકાસવા, બરાબર પરખીને વ્યાજબી ભાવે ખરીદી કરવી, ખીસા ને અનુરૂપ, ફેશન ને અનુરૂપ અંગને શોભતા વસ્ત્રો ખરીદવા! આ બધું એક યુધ્ધ જીતવા બરાબર છે! જયારે 'શોપિંગ બેગ' હાથમાં લઈને ચાલું ત્યારે એવું લાગે કોઈ સમ્રાટ જંગ જીતી ને હાથમાં ખુલી તલવાર લઈને જતો ન હોય! ઘરે આવીને એ વસ્ત્રો કબાટમાં ગોઠવતાં એવી લાગણી થાય જેવી એક જીતેલો રાજા હારેલા રાજાના મુગટને પોતાના મહેલમાં સજાવીને રાખતો ન હોય!!

      મારી આ આદતને કારણે મારા કબાટની હાલત અત્યંત દયાજનક થઈ ગઈ હતી. એ દિવસે 'મોલ'માં જવા સમયે તૈયાર થતાં, પહેલા ખાનાના વસ્ત્રો મારા ચરણોમાં ઢળી પડ્યા જાણે એમ કહેતા હોય, " એકવાર તો અમનેય અંગે લગાડ!" હું એમને પ્રેમથી ઉંચકીને મૂકતાં બોલી," તમારી ફેશન જૂની થઈ ગઈ છે! થોડા દિવસો બાદ ફરી આવશે ત્યારે તમારો વારો!" એમને ગોઠવતાં બીજા ખાનામાંના વસ્ત્રોએ સહેજ ઊંચાનીચા થઈને કૂદકો મારતાં કહ્યું," અમે તો ફેશનમાં જ છીએ. અમને પહેર ને!" એને ઉંચકીને કબાટમાં મૂકતાં કહ્યુ ," સાચું છે, પણ તમને ઘણીવાર  પહેર્યા, હવે નવાનો વારો પણ આવવો જોઈએ ને!"  એને ગોઠવતા ફરી ત્રીજા ખાનાના વસ્ત્રો આળસ મરડીને બેઠા થયા, વર્ષોથી ઉકેલાયા નહોતા એટલે એમને ય તાણ ચડયું હતું. એક તો મોડું થતુ હતું ને વસ્ત્રોએ નીચે પડીને બળવો પોકાર્યો. એમને જેમતેમ ગોઠવ્યા ત્યાં તો કબાટે હડતાલ કરી! કેમેય કરીને બંધ જ ના થયો!! આખરે થોડાક વસ્ત્રોને બહાર મૂકી કબાટ બંધ કરીને હું મોલમાં જવા નીકળી! જતાં જતાં કબાટ અને વસ્ત્રોને મેં વચન આપ્યું," આજે માત્ર 'વિન્ડો શોપિંગ' કરીશ. તમને સંપૂર્ણ ન્યાય મળશે!!' મક્કમ મન સાથે ફક્ત જરૂરિયાત પૂરતા પૈસા 'પર્સ'માં લઈને હું બહાર નીકળી!! આજે ખરીદી નહિ કરું એ નક્કી જ હતું.
    હસી મજાક કરતા અમે મોલમાં ગયા. આજે ખરીદી નહોતી કરવી એટલે સખીઓને એકાદ ફિલ્મ જોઈ નાખવા સમજાવી લીધી. (વધુ સમય દુકાનો જોવાથી મારું વચન તૂટી ના જાય એનો ભય હતો) એ દિવસે મારા મકકમ ઈરાદાને તોડવામાં એ ફિલ્મની આખી યુનિટ સામેલ હોય એવું લાગ્યું. ફિલ્મ સાવ બકવાસ હતી! વાર્તા રબરની જેમ ખેંચાઈ રહી હતી! પાત્રો પરાણે અભિનય કરતા હોય એવું લાગ્યુ અને ગીતો... મગજની નસોને ખેંચી રહ્યા હતા!! ઈન્ટરવલ સુધી ચા અને 'ક્રોસીન'ની  તાત્કાલિક જરૂરિયાત ઉભી થતાં અમે બધાએ ફિલ્મ છોડી ચા ને ન્યાય આપ્યો. વધુ સમય પસાર કરવા મેં ચા સાથે ભજીયા ઑડર કર્યા. પરંતુ, મારા ઈરાદાને તોડવાના પરિબળોમાં એ હોટેલ વાળા પણ સામેલ હતા. સાવ ઠંડા ભજિયાને ફરીથી તળીને અમારી સામે મૂકી દેવાયા હતા.  હોટેલ વાળા પર નારાજ થઈને અમે બહાર નીકળી જવાનું નક્કી કર્યું. પરંતુ, એ દિવસે કુદરતને પણ એ મંજૂર નહોતું. બહાર જોરદાર વરસાદ જામ્યો હતો. આખરે વરસાદ અટકે ત્યાં સુધી મોલમાં જ ફરવાનું સર્વસંમતિથી નક્કી કર્યું.

    માત્ર જોવામાં શું જાય છે, મારે ક્યાં લેવા છે! એ વિચારીને હું સખીઓ સાથે મોલમાં ફરવા લાગી. 'બુલંદ ઈરાદાઓ હોય તો કોઈ કર્તવ્યપથ પરથી હટાવી શકતું નથી!' એવું સુવાકય સવારે જ વાંચ્યું હતું. એટલે મેં મક્કમતાથી 'વિન્ડો શોપિંગ'ની શરૂઆત કરી. ફક્ત 'ડ્રેસ' જોવાના પણ ભાવ ન જોવા, ભાવ જોવા તો ડ્રેસ ના જોવા એવા આંખ-મીંચાણા કરતી હું આગળ વધી! એવામાં મારી નજર એક સુંદર ડ્રેસ પર પડી.
 વાહ! આવો જ એક 'ડ્રેસ' મારી પ્રિય અભિનેત્રી એશ્વર્યા એ 'એ દિલ હૈ મુશ્કિલ' ફિલ્મમાં પહેરેલો! એમાં તે એક લેખિકાનું પાત્ર ભજવતી હતી. વાહ! આવો ડ્રેસ હું પહેરીને ફોટા પડવું તો ..હવે તો મેં પણ મોમસ્પ્રેસો પર લખવાનું શરૂ કર્યુ છે. 'મારી વાર્તામાં મારી છબી' માં આ ડ્રેસ સાથોનો ફોટો શું સરસ લાગશે!! મારું મન કલ્પનાના ઘોડે સવાર થઈ ગયું! 'આવા 'ડ્રેસ' બહુ મોંઘા હોય! મારે ક્યાં લેવો છે! માત્ર 'પ્રાઈઝ ટેગ' જોવું જોઈએ! ખ્યાલ તો આવે ને!' એવું વિચારીને ભાવ જોયો. આ શું! મને મારી આંખો પર વિશ્વાસ ન આવ્યો!! એ ડ્રેસ ધાર્યા કરતા પણ ઓછી કિંમતમાં હતો! આવું બની જ ના શકે! મારું અનુભવી ગ્રાહક મન કહી રહ્યું હતું," આટલો ઓછો ભાવ ના હોય! 'કદાચ કપડું ખરાબ હશે! જોવામાં શું જાય છે, મારે ક્યાં લેવો છે!'
માત્ર ખાતરી કરવા હું દુકાનમાં દાખલ થઈ. 'સેલ્સમેન'ને ભાવ પૂછ્યો. ભાવ સાચો હતો વળી કપડું પણ ખૂબ સારું લાગ્યું. એ ભાઈ બોલ્યા," અરે! મેડમ અમે દુકાન વેચીએ છીએ એટલે પાણીના ભાવે કાઢી નાખીએ છીએ! આવો ડ્રેસ તમને આ ભાવમાં બીજે મળે તો પાછો આપી જજો બસ!" પારવધા સેલ્સમેને મારી દુખતી રગ જાણી જ લીધી. બોલ્યો," તમને તો ખુબ સુંદર લાગશે! આ રંગ તમારા પાર નિખરી ઉઠશે! એક વાર 'ટ્રાઈ' કરી જુઓ, ના ગમે તો નહીં લેતા!"

મનેય થયું," લાવ ને પહેરીને એક ફોટો પાડી લઉં, મારે ક્યાં લેવો છે!"  હું 'ટ્રાયલ રૂમ'માં પહોંચી. એ દિવસે આ મારો ફોન પણ એ પરિબળોમાં સામેલ હતો. કપડાં બદલીને ફોટો લેવાના સમયે એ 'ડિસ્ચાર્જ' થઇ ગયો! એ ડ્રેસ પહેરવાથી સુંદર લાગ્યો! મારું ય મન લલચાયું," આ ભાવમાં આવો ડ્રેસ ના છોડાય! લેવો જ જોઈએ! મારું પેલું વચન ભુલાઈ ગયું!
   બિલ કાઉન્ટર પર જતાં યાદ આવ્યું," પૈસા જ કયાં લાવી છું, આટલા બધા!" ત્યાં તો પર્સ ખોલતાં જ ક્રેડિટ કાર્ડે કહ્યું," લે હું ક્યારે કામ લાગીશ!" પેલો 'સેલ્સમેન' મારી તકલીફ સમજી ગયો હોય એમ બોલ્યો," અમે 'ક્રેડિટ કાર્ડ પેમેન્ટ' પર વધુ દસ ટકા ડિસ્કાઉન્ટ આપીશું!" 'હવે તો આ ભાવમાં ના જ છોડાય!' મારા મક્ક્મ ઈરાદા પર પાણી ફરી વળ્યું...આખરે મેં 'પેમેન્ટ' કરી જ દીધું!!
   શાહરૂખજીએ કહ્યું છે ને,"કિસી ચીજ કો સિદત સે ચાહો તો સારી કાયનાત તુમે ઉસે મિલાનેકી કોશિશ મેં લગ જાતી હૈ!"
એ દિવસે પણ આવું જ થયું.. બધા પરિબળો એ મને આખરે એ ડ્રેસ અપાવી જ દીધો! બાકી મારે ક્યાં લેવો તો!!
એ દિવસે ઘરે પાછા ફરતાં બીજો ઈરાદો કરી જ લીધો," આ મહિને નવો કબાટ લઈ જ લેવો છે!!"
-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

લાગ્યું તો તીર! નહીં તો ...