લાડવો તો પેટ માં જ રહ્યો ને ....!!

 

એક પંડિતજી હતા. એમને લાડવા ખૂબ પ્રિય! કોઈક ના ઘરે જમવા ગયા! જમવામાં દાળભાત અને લાડવા હતા. યજમાન થાળીમાં લાડવા પીરસી રહ્યા હતા. ત્યારે પંડિતજી બોલ્યા,” મને માત્ર દાળભાત આપો.યજમાન ને નવાઈ લાગી પરંતુ, મહેમાનની ઇચ્છા હતી એ મુજબ દાળભાત પીરસ્યા. દાળભાત ખાઈને પંડિતજી બોલ્યા," હવે લાડવા લાવો!" યજમાને ખુશીથી લાડવા પીરસ્યા. પંડિતજી એક પછી એક લાડવા ખાતા ગયા અને યજમાન હરખાતા ગયા. પંડિતજી ને હવે તૃપ્ત થયાનો ઓડકાર પણ આવી ગયો. બોલ્યા," ચાલો, હવે દાળભાત આપી દો!" પંડિતજી જમીને ઉઠયા, જોરથી ઓડકાર ખાધો! જે આજુબાજુના ત્રણ ઘર સુધી સંભળાયો. દક્ષિણા લઈને તેઓ ઘરે જવા લાગ્યા!
યજમાન બોલ્યા,” મહારાજ તમને ખરાબ ન લાગે તો એ વાત એક વાત પૂછું?”
"હા, ખુશીથી પુછો."
તમે પહેલા દાળભાત ને પછી લાડવા ખાધા ને વળી પાછા દાળભાત ખાધા! આવું કેમ?"
" જુઓ યજમાન, આજકાલ મારી તબિયત સારી નથી રહેતી. જરાક પેટમાં ગરબડ છે! ઝાડા, ઊલટી જેવું રહે છે એટલે ડૉક્ટરે લાડવા ખાવાની ના કહી છે પણ શું કરું, લાડવા મને અતિપ્રિય! એટલે મેં પહેલાં અને છેલ્લે દાળભાત ખાધા વચ્ચે લાડવા ખાવાનું રાખ્યું એટલે ઊલટી થાય તોય દાળભાત બહાર નીકળે ને ઝાડા થાય તો પણ દાળભાત જ બહાર આવે, લાડવા તો પેટમાં જ રહે ને!!"


યજમાન માથું ખંજવાળતા રહી ગયા અને પંડિતજી પેટ હાથ ફેરવતા ઘર ભેગા થયા!! 
    તમેય માથું ખંજવાળતા હશો ને કે આ તની એ સાંભળેલી વાર્તા કેમ લખી?? તો કહી જ દઉં કે આજે મારે આ વાર્તા એટલે લખવી પડી કારણ, આ બ્લોગ માં મારે તમને લાડવા વિષે જ વાત કરવાની છે...
     આપણા બધાની હાલત આ પંડિતજી જેવી જ છે! આપણને બધાને લાડવા ખાવાની ના પાડવામાં આવી હતી તોય આપણને લાડવા એટલા ભાવે કે આપણે ખાધા જ! ખાધા તો ખરા એને પેટમાં ટકાવી પણ રાખ્યા છે!! આમ તમે આમ તો સમજી ગયા હશો તોય ચોખવટ કરી લઉં, તમે બુંદી ના કે ચૂરમા ના લાડુ સમજ્યા હોય તો તમારી સ્વાદેન્દ્રિયોને વિરામ આપીને જ્ઞાનેદ્રિયો તરફ વળી જાવ, હું લગ્નના લાડવાની વાત કરી રહી છું!
  આપણને બધા ને લગ્ન પહેલા અનેકવાર  કહેવામાં આવ્યું હતું કે આ લાડવો ખાવામાં જોખમ છે! તો પણ આપણે ખાધો જ! બરાબર ને! હવે આ પંડિતજી જેવા હાલ છે, હેરાન પરેશાન થઈએ કે પછી ખુશ થઈએ બંને પરિસ્થિતિમાં લાડવો આપણી પાસે જ રહે છે!! લગ્નની જંજાળ માંથી બહાર નીકળવાની કેટલીયે કોશિશ કરીયે પરંતુ, બહાર નીકળી તો નથી જ શકાતું, શું કહો છો ખરું ને?? ( જો તમારા જીવન સાથી પણ આ 'એપ' પર હોય ને તમારો જવાબ વાંચી શકતા હોય તો મને અંગત માં મેસેજ કરીને જવાબ આપી શકો છો!)
   જો બે વાઘને એક પાંજરા માં પૂરી દઈએ તો શું થાય? બંને ઘડીક લડે! લડીને થાકે એટલે બેસીને જરીક નિરાંત લે, પછી એકબીજા સામે ધુરકવાનું શરુ કરે ને વળી પાછા લડવા લાગે! બસ, આવી હાલત છે આપણી!! જોકે ઘણા કિસ્સાઓમાં બે માંથી એક વાઘ બકરી પણ બની જતો હોય છે પરંતુ, એ ક્યારે ફરી વાઘ બની જાય એની ખાતરી નહીં! (તમારા ઘરમાં કોણ વાઘ અને કોણ બકરી છે એ તમે નક્કી કરી લેજો. અમારા ઘરમાં તો આ સ્થાન સતત બદલાતું રહે છે, અસ્થિર રાજ્ય- સરકારની જેમ!)

   કોઈએ સાચું જ કહ્યું છે, “ કોઈ ના લગ્ન કરાવવા એટલે વીજળીના બે અજ્ઞાત તાર ને ભેગા કરવા! જો સાચા તાર મળી ગયા તો અજવાળું અને જો ખોટા મળ્યા તો ...શોર્ટ શર્કિટ નો ધમાકો ..!! તોયે આ  'મેરેજ બ્યુરો' વાળા અને આપણા સગા- સંબંધીઓ, મિત્રો બે તાર ભેગા કરવાનું જોખમ લઈ જ લેતા હોય છે! આમાં અદેખાઈ બહુ મોટું કામ કરી જાય છે કારણ, તેઓ પોતે પરણીને હાલક ડોલક થતી નાવમાં સવાર હોય અને સામેવાળો  ખુશીથી પોતાની સ્થિર નૈયામાં વિહરતો હોય છે, એ તેઓ જોઈ નથી શકતા એટલે એમને પણ લગ્ન નો લાડુ ખવડાવીને વીજળીના તાર જોડાવાનું જોખમ લઈ જ લે છે! (બિચારો મોહિત આજ 'દી સુધી અમારા લગ્ન કરવાનાર મેરેજ બ્યૂરો વાળાને શોધે જ છે! જો એક વાર એ મળી ગયા તો... એ બિચારાનું શું થશે રામ જાણે!)

      કુંવારા માટે આ લાડવો મીઠો( sweet) લાડવો અને પરણેલા માટે મીઠાં (salt) વાળો લાડવો, કહેવાતો આ લાડવો બધાએ ખાવો તો પડે છે!( બહુ ઓછા એવા હોય છે જે સ્વાસ્થ્ય નું ધ્યાન રાખીને પહેલે થી જ મીઠાઈ થી દૂર રહે છે)  મેં પણ ખાધો ને તમે પણ ખાધો જ! કદી એ મીઠો લાગ્યો તો કદી ખારો પણ, સાચું કહું તો, પેટ તો ભરાયું! લાંબી જીવન સફર ને કાપવા કોઈ હમસફર તો મળ્યું જ ને! જેની સાથે કેટલુંય લડો- ઝગડો, નારાજ થાવ કે ખીજાઈ જાવ, એ વ્યક્તિ તમારો સાથ તો નહીં જ છોડે!!
        એ તમારી મજાક કરે ખરો પરંતુકોઈને તમારી મજાક કરવા નહીં દે! એ તમને મુસીબત કહી ચીડવે ખરો પણ તમારી પર કોઈ મુસીબત આવવા ન દે, જો કદાચ આવી જાય તો પોતાના પર લઈ લે! તમે ભીનો ટુવાલ બેડ પર મૂકો ત્યારે એ ખીજાય ખરી પણ તમારી આંખોમાં  ભીનાશ ક્યારેય આવવા ના દે! એ તમારી  સાથે રોજ લડે ખરી પરંતુ, તમારી સાથે  કોઈ લડવા આવે તો રણચંડી પણ બની જાય! એને જ તો કહેવાય, જીવનસાથી!! જેના માટે તમારાથી વિશેષ દુનિયામાં કશું જ ના હોય! એ તમારી ખુશીમાં ખુશ રહે ને તમારા આંસુ લૂછવા સદાય તમારી પાસે હોય!!


   મને તો લાગે છે કે આપણે લગ્ન નો લાડુ ખાઈને પસ્તાયા એ જ સારું કર્યુ. એક તો ન ચાખવાનો અફસોસ ન રહયો ને બીજું કે પેટ ભરાયા નો થોડોઘણો સંતોષ પણ થયો, શું કહો છો તમે ? આપણે સારું જ કર્યું ને?? પેલા મહારાજની જેમ! જોખમ હતું તોય ખાઈ જ લીધો! જીવન સફર માં હસ્યા ત્યારે તોય આનંદની છોળો ઊડી એની જ સાથે!  રડયા ત્યારે આંસુ નીકળ્યા એના જ ખભે! લગ્ન નો લાડવો આપણી પાસે જ રહ્યો ને!!
   આમ જ હસતાં- રમતાં, લડતાં- ઝઘડતાં અટપટા જીવનની સફર કાપતા રહીએ.  સાથે બીજા ને પણ આ લાડવો ખવડાવતા જઈએ! બરાબર ને ...એમાં જેને ના ખાવો હોય તેને ખાસ ખવડાવવાનો ...ખરું ને ?
-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...