હોળી રમો ... બેફિકર બનીને ....!!

 

રંગે બરસે ભીગે ચુનરીયા... રંગ બરસે..! ગીતની ધૂને નાચતા કે પછી 'બલમ પિચકારી જો તુને મુજે મારી..' પર થીરકતા હોળીનો તહેવાર તમે ક્યારે ન ક્યારેક તો ઉજવ્યો જ હશે! હોળીના રંગોમાં ભીંજાઈને અનેક ખુશીઓ મળી જાય છે નહીં!! આપણે રમવામાં એવા ગુલતાન થઈ જઈએ છે કે થોડો સમય બધી ચિંતાઓ ભૂલાઈ જાય છે, ખરું ને !! એટલે જ તો આ તહેવારો છે, જે આપણા જીવનની થોડીક પળોને બેફિકર બનાવી દે છે! એમાંય હોળી! રંગોનો તહેવાર..એની મજા તો અનોખી જ છે!!
   હોળી રમતાં પહેલાં અને પછી ત્વચા અને વાળની સાર સંભાળ લેવી જોઈએ એ વિષે મેં પહેલાં ક્યારેય વિચાર્યું જ નહોતું. હોળી આવે એટલે રમી લેવાની અને પૂરી થાય ત્યારે માથાબોળ નાહી લેવાનું! પાછા  હતા તેવા થઈ જવાનું! મારૂ તો એમ જ માનવું હતું કે હોળી આવે ત્યારે મનભરીને રમી લેવાની! મારી આ બેફિકરાઈ એકવાર મને ભારે પડી ગઈ હતી. ચાલો, આજે એ વિષે વાત કરું..
   આમ તો અમે બાળપણથી હોળી રમતા! ભૂલેશ્વરની અમારી શેરીમાં ઠાકોરજીની હવેલી હતી. જ્યાં હોળીના મહિના પહેલાં જ હોળીના રસિયા અને રંગોની જમાવટ રહેતી. હોળીનો માહોલ છેલ્લા દિવસોમાં ખરેખરો જામતો!  રસિયાના તાલે હવેલીમાં ઊડતો ગુલાલ બધાને ભક્તિના રંગે રંગી દેતો. ત્યારબાદ મંદિરના મુખ્યાજી અમને બધાને બોલાવીને પ્રસાદીનો ગુલાલ અને કેસૂડો આપતા. એનાથી અમે મનભરીને હોળી રમતા. એવા રંગાઈ જતાં કે અમારી મમ્મી પણ અમને ઓળખી પણ ન શકતી. ઘરે લઈ જઈને સાબુથી ઘસીને નવડાવતી. પ્રભુ માટે માટે વપરાતા રંગો એટલે શુધ્ધ હતા કે નાહતા જ નીકળી જતા. બસ ત્યારથી મારું મન પણ એ જ સમજતું કે રંગો નિર્દોષ હોય જે તરત નીકળી જાય!!

મારી આ માન્યતા મારી બેફિકરાઈનું કારણ હતી પરંતુ, એ દિવસે .......
   એ મારા લગ્ન પછીની પહેલી હોળી હતી. એ સમયે અમે અમારા ગામમાં હોળી ઉજેવેલી. જ્યાં મોહિતનું બાળપણ વીત્યું હતું. એના મિત્રો તથા અમારો પરિવાર ત્યાં જ વસતો. હોળીના આગલા દિવસે પૂજામાં મિત્રોએ તાકીદ કરી હતી" ભાભી, કાલે તમને એવા રંગીશું કે તમે દિવસો સુધી અમને યાદ કરશો!" એમની વાતનો મર્મ હું સમજી નહોતી. મેં હસીને હા, કહી દીધી હતી.
  બીજે દિવસે સવારે મમ્મીજીએ મને તાકીદ કરી," આ બધા પાકકા રંગોથી હોળી રમશે. તું બરાબર તૈયારી કરીને જજે!" તોયે હું તો કાંઈ જ ન સમજી. રંગો પાકકા પણ હોય એવી તો મને કોઈ સમજ નહોતી.
   એ દિવસે સવારે મારા દિયર, નણંદ અને મોહિત બધા વારાફરતી મમ્મીજી પાસે તેલ નખાવવા બેઠા. એમાંથી થોડું તેલ અને ક્રીમ મોઢા પર અને હાથ પગ પણ લગાડ્યું. નણંદે તો તેલવાળા વાળમાં અંબોડો બાંધી માથા પર દુપટ્ટો ઓઢી લીધો. બધા યુદ્ધમાં જવા પહેલા બખ્તર ચડાવતા હોય એમ તૈયાર થઈ રહ્યા હતા! હું બધાને જોઈને હસી પડી. મોહિતે તો એકવાર કહ્યું પણ ખરું," તેલ લગાડી દેજે બધે!" મેં એની વાત હસવામાં ઉડાડી દીધી. મેં કહ્યું," અમે પણ વર્ષોથી હોળી રમીએ છીએ. કોઈ દિવસ તેલ નથી લગાડયું. કાંઈ ન થાય! રંગનો તો સ્વભાવ છે પાણીમાં ભળી જવાનો!" મારા આ પરમ જ્ઞાન પર બધા ખડખડાટ હસી પડ્યા.
   હું બેફિકર બનીને હોળી રમવા નીકળી પડી. પહેલી હોળી ને પ્રિયતમનો સાથ, પ્રેમનો રંગ એવો ચડ્યો કે પૂછો નહી વાત!
અમે કલાકો સુધી હોળી રમ્યા. જે રમવા નહોતા આવ્યા તેમને પકડીને બહાર લાવ્યા. બધા સાથે રમ્યા. અમે નવયુગલ હતા એટલે અમને બધા એ મનભરીને રંગ્યા. મોહિતના મિત્રો સાથે ગીત સંગીતની મહેફીલ પણ જામી બધા ખૂબ  નાચ્યાં પણ ખરા! રંગો તો એવા લાગતા હતા કે અમે એકબીજાને જોઈને હસી પડતા. ઠંડાઈ અને ગરમાગરમ ભજીયા એ તો ખુશીમાં ચાર ચાંદ લગાવી દીધા હતા!

હોળી રમ્યા બાદ અમે સાબુ લઈને દરિયા કિનારે પહોંચ્યા. બધાના રંગો પાણીમાં જતાં જ નીકળવા લાગ્યા પણ મારો રંગ તો જવાનું નામ જ નહોતો લેતો. એમાં વળી દરિયાના પાણીમાં સાબુ લાગતા વાળ એકબીજા સાથે એવા ચોંટી ગયા કે જાણે માથે કોથમીરનો ઝૂડો મૂકી દીધો ન હોય! એ પણ રંગીન કોથમીર! બધા મારૂ આવું વિચિત્ર સ્વરૂપ જોઈને હસવા લાગ્યા! નાહી લીધા  પછી બધા આમીરખાન અને જુહી ચાવલા જેવા લાગતા હતા અને હું, રામસે ની ફિલ્મની હિરોઇન જેવી, સમજી ગયા ને!
  એક સખીએ આપેલા દુપ્પટાને માથે ઓઢી હું જલ્દીથી ઘર તરફ ભાગી. મોહિતના મિત્રોનું હાસ્ય હજીયે બંધ થયું નહોતું. ઘરે આવીને બાથરૂમમાં કલાકો વિતાવ્યા તોયે હું મને ઓળખી શકું એવી સ્થિતિમાં નહોતી આવી! વાળમાં તો એવો રંગ નાખેલો કે જેમ પાણી નાખું તેમ રંગોના રેલા ઉતરતા જ જતાં હતા વળી વાળ પણ એવા ચોંટેલા હતા કે શેમ્પૂની અડધી બોટલ ખાલી કરી ત્યારે માંડ છૂટા પડ્યા! હું નાહીને તો બહાર આવી પરંતુ, રૂમમાંથી બહાર નીકળવાની હિંમત ન કરી શકી! વિચારતી રહી, કાશ, મેં પહેલાં જ બધાનું માની લીધું હોત! મોહિત, દિયર, નંણદ બધા મારી મજાક ઉડાવી રહ્યા હતા. " હા, હા..હા.. શું કહેતી હતી તું? રંગોનો સ્વભાવ છે પાણીમાં ભળી જવાનો.. હા..હા..!!"
   બધાના હાસ્યથી મારી આંખમાં આંસુ આવી ગયા ત્યારે મમ્મીજી મારી મદદે આવ્યા. ઓલિવ ઓઇલથી ત્વચા પર મસાજ કરી આપ્યું. વાળમાં નાળિયેરના તેલથી માલિશ કરીને દહીં-મેથી નું પેક લગાડયું. નહાવા જવાની પહેલાં આખી ત્વચા પર હલકે હાથે કેરોસીન લગાડી આપ્યું. ફરીવાર નાહી ત્યારે મારી સિકલ થોડી જોવા જેવી થઈ તોયે થોડો રંગ તો રહી જ ગયેલો. જે થોડા દિવસો બાદ ગયો. વાળ તો મમ્મીજીની માવજતથી ફરીથી લહેરાવા લાગ્યા. થોડા દિવસો બાદ પાર્લર જઈને 'ફેસિયલ' કરાવ્યું જેથી રુક્ષ બનેલી  ત્વચા ફરી મુલાયમ થઈ!!

એ હોળી આજેય સ્મૃતિપટ પર ગઈકાલની ઘટના હોય તેમ હજીય તાજી છે! જો આ બધું ના બન્યું હોત તો કદાચ એ હોળી પણ આજ સુધીની બધી હોળીની માફક વિસરાઈ ગઈ હોત!! એ સમયે થોડીક તકલીફ થઈ હતી પણ આજે એ યાદ કરીને હજીયે મુખ પર સ્મિત અને આંખોમાં ખુશી ઉભરાઈ આવે છે!!
  વાચકમિત્રો, તમે દર વર્ષે હોળી ઉજવતા જ હશો. તમારી રીતે ત્વચા વાળની કાળજી લેતાં જ હશો હવે હું પણ લેવા લાગી છું ..પણ.. સાચું કહું ક્યારેક બેફિકર બનીને પણ રંગોનો આનંદ માણી જુઓ! ક્યારેક વગર તૈયારીએ અચાનક મિત્રો સાથે રમી જુઓ. કયારેક પેહરે કપડે અચાનક વરસતા વરસાદમાં નાહી જુઓ! રંગ હોય કે પાણી બંને પોતાનામાં ભીંજવીને દિલ પર નિશાન ન છોડી જાય તો કહેજો!! એ આનંદ ના ફોટા ને યાદોના કેમરામાં ફિટ થઈ જવા દો ..વર્ષો બાદ પણ મન ની 'ગેલેરી' ખોલશો તો આ બધા ચિત્રો આંખ સામે આવી ઊભા રહી જશે!!
   મિત્રો, તહેવારની જે મજા વગર તૈયારીએ એ કૂદી પડવામાં જ રહેલી છે એ દિવસો સુધી તૈયારી કરવામાં નથી જ! રંગો મળે ત્યારે એમાં ગુલતાન થઈ જાવ! આ મોબાઇલ પર રંગોના ફોટા મોકલી દેતી દુનિયામાં જો અચાનક કોઈ તમારા ઘરના દરવાજે આવી તમારા ચહેરા રંગ લગાડે છે, તો તમારા જેવું ખુશનસીબ કોઈ નથી! એનો આનંદ માણી લો! વાળ, ત્વચા બધુંય સમય જતાં ફરી એવું જ થઈ જશે સાથે મળેલી ખુશી દિલમાં કાયમ માટે રહી જશે!! બરાબરને ....
આપ સહુને હોળીની શુભકામનાઓ..
-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...