ચેન નથી લાગતી...!!

 

ચેન નથી આ દીલને, કરાર નથી આ  આંખોને!
છે મારા બુરા હાલ, તુંયે આંસુ રોકી નથી શકતો!!
   આવું બધું તો તમે સાંભળ્યુ જ હશે! પ્રેમીઓ એકબીજાને આવું કહેતા જ હોય. નહીં તો, ફેરા પહેલા જ ફારગતી થઈ જાય! આજકાલ પેલું અંગ્રેજીમાં કહે ને ,'બેર્ક અપ' એવું થાય, આવું મીઠું મીઠું ના બોલે તો!
શું તમે ક્યારેય આવું સંભાળ્યું છે... .
ચેન નથી લાગતીચેન નથી પડતો,
છે મારા બુરા હાલ છે, તુંયે હસવાનું રોકી નથી શકતો!!
   લોચા વળી ગયા ને! કાંઈ સમજાયું પણ નહીં ને! લો, હું સમજાવું, અહીં પહેલી લીટીમાં ચેન એટલે અંગેજીમાં જેને આપણે 'ઝિપ' કહીયે તે વાંચવું. હવે ફરી વાંચો.. સમજ્યા ને!!
  ક્યારેક આવી પરિસ્થિતિ થઈ જાય કે ચેન લાગે નહીં ત્યારે ચેન પડે જ નહીં! લોકો તમારી ટીખળ કરવાનું છોડે નહીં, ત્યારે કેવા હાલ થાય!! મિત્રો, મારી સાથે આવું બનેલું ..એટલે હું જાણું છું.. એ વ્યથા!! ચાલો, આજે એની જ વાત કરું ...
  નામ મારૂ સંતોષ, પણ મારા જીવને સંતોષ કદી ન થાય! ખાસ કરીને ખાવા-પીવામાં! સવારથી સાંજ સુધી ખાધે રાખું તોય મારૂં પેટ ભરાય જ નહીં! ક્યારેક પેટ ભરાય જાય તો મન ન ભરાય! ટૂંકમાં કહું તો, મને લોકો ખાઉધરો કહે! મને તો લોકોના સંબોધનોથી કોઈ ફર્ક ના પડે! આપણે તો બંદા ખાઈ પીને આનંદ કરવામાં જ સમજીએ!

    મારી આ આદતને લીધે મારું વજન દિવસે ના વધે એટલું રાતે વધે! રાતે ના વધે એટલું દિવસે વધતું! મારી કમરનો ઘેરાવો વધતો ગયો! એક સમય એવો આવ્યો કે બજારમાં મળતી સૌથી મોટી સાઈઝના 'પેન્ટ' એ મારી કમરનો સાથ છોડી દીધો!! 'દુકાળમાં અધિક માસ' હોય એમ, એ જ સમયમાં મારે મારી થનાર પત્નીને જોવા જવાનું થયું! મેં હાલોહાલ મારી શેરીમાં રહેતા દરજી કાકા પાસે મારી સાઇઝનું એક મજાનું પેન્ટ સીવડાવી લીધું. ઉતાવળમાં દરજી કાકાએ કોઈ જૂની પેન્ટ ની એક તકલાદી ચેન મારા પેન્ટમાં લગાડી દીધી! એને લીધે આ બધી ગરબડ થઈ.. 
         સાંજે એના ઘરે જવાનું હતું, મેં સવારથી બધી તૈયારીઓ શરૂ કરી દીધી! આજકાલ શું કે'વાય 'સાલોન' હં! એમાં પહોંચી ગયો. ત્યાં તો જબરી મોટી લાઈન હતી! પણ શું કરું! સજાવ્યા વિના તો આજ કાલ માર્કેટમાં કેરી ઓ પણ નથી વહેંચાતી, તો હું વળી 'કયા ખેતરનો મૂળો'! મારે લાંબી લાઈનમાં ઊભા રહેવું જ પડ્યું! આમ થોડું મોડું થઈ ગયું. નવા પેન્ટ ની ચેન એ બંધ કરતી વખતે જરીક કર્કશ અવાજ કર્યો પરંતુ, ઉતાવળમાં હું એને નજરઅંદાજ કરીને મારી ભાવિ પત્ની ને મળવા દોડી ગયો!
   હું ગાડીમાં બેઠો ત્યાં સુધી તો ચેન એ કોઈ હરકત નહોતી કરી પરંતુ, જેવો મેં એના ઘરમાં પગ મૂક્યો ત્યાં મારી પેન્ટ ની ચેન એ સળવળાટ શરૂ કરી દીધો. જરીક શ્વાસ લઈને શાંતિથી એના ઘરના સોફે બેઠો ત્યાં તો ચેન સરર..  કરતી નીચે ઉતરી જ ગઈ! જો કે એનો અવાજ કોઈએ ના સાંભળ્યો પણ હું બધું સમજી ગયો!
   પરિસ્થિતિ કેટલી ખરાબ છે તેનો અણસાર લેવા હું નીચે નજર કરતો હતો ત્યાં તો '' મારી થનાર પત્ની.. સોળે શણગાર સજીને મારી સામે આવીને ઊભી રહી. હવે આંખો ઊંચી કરીને એને જોઉં કે આંખો નીચી કરીને પેન્ટ ની હાલત!! મેં નીચે જ જોયું કારણ મારું પેલું લાલ રંગનું આંતરિક પરિધાન બહાર આવીને 'નો એન્ટ્રી' નું સિગ્નલ બતાવતું તો નથી ને, એની ચિંતા મને વધારે હતી!!


   એ દિવસે પહેલી વાર મને મારી વધેલી ફાંદ પર નારાજગી થઈ! એના લીધે હું નીચેની પરિસ્થિતિ ને જોવા અસક્ષમ હતો. બાથરૂમમાં જઈને પરિસ્થિતિ સમજી શકાય એમ હતું, પણ ઊઠવું કેમ?? ઊભા થવાથી કદાચ બધાને પેલું 'નો એન્ટ્રી' નું સિગ્નલ દેખાઈ જાય તો ...!! એટલે ત્યાં જ બેસી રહીને પગને નૃત્યની મુદ્રામાં ગોઠવી દીધા! જેથી મારી ખુલ્લી ચેન પર કોઈની દ્રષ્ટિ ન પડે! ત્યાં તો એક મૃદુ અવાજ મારા કાને અથડાયો," પાણી .." મેં પાણી લેવા હાથ લંબાવ્યો અને '' ની તરફ જોયું! અમારી આંખો ચાર થઈ, એણે શરમાઈને નજરો ઝુકાવી દીધી! એ ઝુકેલી નજરોએ મારી કફોડી પરિસ્થતિ જોઈ જ લીધી! એ  ખડખડાટ હસી પડી અને રૂમમાં દોડી ગઈ!!  
   એના હાસ્ય એ ત્યાં બેઠેલા સહુના મનમાં અનેક સવાલો ઊભા કરી દીધા. લગભગ ત્યાં બેઠેલા સહુને ખબર પડી ગઈ કે દાળમાં કંઈક કાળું છે. (પણ લાલ છે, એની કોઈને ખબર નહોતી!) હું તો ન ઊભો થઈ શક્યો ન બેસી શક્યો. નૃત્યની મુદ્રામાં મૂકેલા મારા પગનો સળવળાટ જોઈને '' ના પિતાજીએ કહ્યું,” બાથરૂમ ડાબી બાજુએ છે, તમારી સમસ્યાનું નિવારણ કરી આવો!"
હું ઊંધું ઘાલીને બાથરૂમ તરફ ભાગ્યો. પેલા લાલ આંત્ર-વસ્ત્ર એ બહાર ડોકિયું કરી જ દીધું હતું! હું બાથરૂમ તરફ જતો હતો ત્યાં '' ના ભાઈનો નાનકડો દીકરો બોલ્યો," અંકલ, તમારી ચેન ખૂલી છે ...સેમ! સેમ!!" 
  બધાએ પરાણે રોકી રાખેલું હાસ્ય જોરથી ઉછળીને બહાર આવી ગયું. બધા ખડખડાટ હસી પડયા! હું મારી ઇજ્જત ને સમેટવા બાથરૂમમાં દોડી ગયો! અંદર બહુ મથામણ કરી તો એ ચેન સાવ તૂટી જ ગઈ! આખરે 'ઈન' કરેલું શર્ટ બહાર કાઢીને હું બાથરૂમની બહાર આવ્યો!!
  એ દિવસે તો બાથરૂમમાંથી બહાર આવીને હું સીધો ઘર ભેગો થઈ ગયો હતો..!! પરંતુ, આજ સુધી મારા સાસરિયા, એ દિવસને યાદ કરીને મારી મજાક ઉડાવતા જ રહે છે!!

હવે, તમે જ કહોને હું એમને કેમ કરીને રોકું??

-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...