કંકોતરી આવી ચાલો લગ્નમાં જઈએ!!

 

"રમણીકભાઈનું નામ નથી આ લિસ્ટમાં! એમને તો કંકોતરી મોકલવી જ જોઈએ.  સવિતાબેન મહેમાનોનું લિસ્ટ તપાસતાં બોલ્યા.
" આપણને ચાલ છોડ્યે ઘણા વર્ષો વીતી ગયા! હવે ક્યાં કોઈ સંબંધ પણ રમણીક સાથે! એટલે યાદ જ ન આવ્યું!" કેયુરભાઈ બોલ્યા.
"એ કોણ છે? હું તો એમને ઓળખતી પણ નથી! મારા લગ્નમાં એમનું શું કામ છે? રહેવા દે ને! મમ્મી આમ પણ લિસ્ટ લાબું જ થતું જાય છે!" નિરાલી બોલી.
"બેટા આપણે અહીં ફ્લેટમાં શિફ્ટ થયા એ પહેલા આપણે તળ મુંબઈની ચાલમાં રહેતા આપણા પાડોસી હતા, રમણીક ભાઈ અને રીટાભાભી! તું બહું નાની હતી! ત્યારે તારા પપ્પાનો વ્યવસાય નહોતો. એ માર્કેટમાં નોકરી કરતા ને હું પણ નાનામોટા કામ કરતી! કેટલીયે વાર તને એમના ઘરે મૂકીને હું કામ પર જતી! એમને કોઈ સંતાન નહોતું! તેઓ તને દીકરીની જેમ સાચવતા, ખૂબ વહાલ કરતા! આપણે બે પાંદડે થયા અને અહીં આવી ગયા પછી એટલા સંબધો નથી રહ્યા એ ખરું! છતાંય તારા લગ્નમાં તો એમને બોલાવવા જોઈએ!"
" સાચી વાત છે મમ્મી, મને એમના આશીર્વાદ મળવા જોઈએ!" નિરાલી એ કંકોતરીમાં પોતાના હાથે વડીલ રમણીકભાઇ નું નામ લખી દીધું!

"લાવ, આ કંકોતરી હું મારા ઑફીસના કર્મચારી સાથે ચાલમાં મોકલવી દઈશ! તું ભાભીને ફોન કરી દેજે!" કેયુરભાઈ ભાઈ બોલ્યા......
     રમણીકભાઇના હાથમાં કંકોતરી આવતાં જ એમની આંખો ખુશીથી ભરાઈ આવી," રીટા, તે જોઈ આ કંકોતરી! આપણી નિરાલી લગ્ન કરવા જેટલી મોટી પણ થઇ ગઈ! યાદ છે તને, કેવી નાનકડી અહીં રમવા આવતી! જોયું કેયુર આટલો મોટો માણસ થઇ ગયો તોય મને ભૂલ્યો નથી! મને તો લાગતું હતું હવે એને આપણી સાથે સંબંધ પણ નહીં રાખવો હોય! આજે આ કંકોતરી જોઈને થયું હું સાવ ખોટું સમજતો હતો!"
"તમારી વાત સાચી છે. આજે જ સવિતાભાભીનો ફોન આવેલો કહ્યું કે નિરાલી તમારી જ દીકરી છે આશીર્વાદ આપવા જરૂરથી આવજો!" રીટા બહેનની આંખો પણ ભરાઈ આવી! રમણીકભાઇ હોંશે હોંશે લગ્નમાં જવાની તૈયારી કરવા લાગ્યા!

 " કહું છું સાંભળી છો, જોશના બહેન મોટા અવાજે બોલ્યા, આ વહુના પિયરિયાં તો ખરા છે! એના ભાઈના લગ્નની કંકોતરીમાં આપણા દીકરા સુકેશ નામ પણ ના લખ્યું?"
પાર્થી અંદરના રૂમમાં થી દોડતી આવીને બોલી," મમ્મીજી, મારા નામ સાથે સુકેશનું નામ આવી જ ગયું છે! પાર્થી સુકેશકુમાર શાહ! દીદી અને જીજાજીનું પણ એ જ રીતે લખ્યું છે!"
" એ ગમે તે હોય! સુકેશ શાંતિલાલ શાહ તો લખવું જોઈએ! વેવાઈ એ આ બહુ ખોટું કર્યું! વળી આજે નીકિતાનો પણ ફોન આવેલો એના સાસરે કંકોતરી કુરિયરથી મોકલાવી દીધી! આવું તે કઈ ચાલે!! વેવાઈ વે'લાનું માન તો રાખવું જ જોઈએ ને! દીકરીની નંણદના સાસરે એમણે જવું જ જોઈએ!"
" મમ્મીજી, તમે તો જાણો છો પપ્પાને આજકાલ ઘૂંટણનો દુ:ખાવો રહે છે! મમ્મી બધે એકલી ન પહોંચી શકે! આજે દીદીના સાસુને ફોન કરીને નિમંત્રણ આપી જ દેશે!" પાર્થી બોલી.


" જુઓ વહુ બેટા! વેવાઈના સંબંધો મોટા એ સમજવા પડે! એકવાર મને પૂછવું તો જોઈએ ને! આ ખોટું થયું છે! તમે બંને ખુશીથી  લગ્નમાં જજો પણ હું ને તમારા પપ્પા નહીં આવીએ!" જોશના બહેનના શબ્દો સાંભળીને ભાઈના લગ્ન માટે હોંશે હોંશે તૈયારી કરતી પાર્થીના હાથ અટકી ગયા!
   

મિત્રો, આવા કિસ્સા તમે સાંભળ્યા હશે અને અનુભવ્યા પણ હશે જ! ખરું ને!! લગ્ન પ્રસંગનું નિમંત્રણ ક્યારેક સંબંધો જોડાવાનું તો ક્યારેક સંબંધોની કડવાશનું કારણ બની જાય છે! આમ જોઈએ તો લગ્ન પ્રસંગ આનંદ અને ખુશીના રંગો ફેલાવે છે. સંસારની પગદંડી પર ચાલવાની શરૂઆત કરનાર નવયુગલને આશીર્વાદ આપવા આવતા મહેમાનો એ જ પ્રસંગની શોભા છે!!
  સાજન મહાજનની સાક્ષીએ મંગળગીતો ગવાતા હોય, બ્રાહ્મણો વૈદિક મંત્રોચ્ચાર કરતા હોય અને નવ દંપતિ મંગળ ફેરા ફરે ત્યારે જ તો પ્રસંગ દીપી ઊઠે છે! માતા પિતાની આંખોમાં હર્ષાશ્રુ ઉભરાય છે ત્યારે સગાંવહાલાઓ અને મિત્રોની હાજરીથી ખુશીમાં ચાર ચાંદ લાગી જાય છે! દીકરાની જાનમાં નાચતા મહેમાનો હોય કે દીકરીની વિદાય વખતે ખભો આપતા મહેમાનો હોય બંનેની હાજરી માતા પિતા માટે અનિવાર્ય બની રહે છે! વડીલોની દ્વારા દંપતીને માથે ફરતો આશીર્વાદ હાથ હોય કે પછી મિત્રો દ્વારા નવદંપતીને શુભેચ્છા આપવા મેળવાતો હાથ હોય, બંને જરૂરી તો છે જ!
     જ્યારે કોઈ ન કો કારણોસર સગા સંબંધીઓ કે મિત્રો લગ્ન સમયે નારાજ થઈ જાય ત્યારે યજમાનની ખુશીના ચાંદ પર ગ્રહણ લાગી જતું હોય છે!! પછી શરૂ થાય રિસામણાં અને મનામણાં નો દોર! જેના ઘરે પ્રસંગ હોય તે માણવાનું છોડીને મહેમાનો ને મનાવવામાં લાગી જાય છે! એકબીજાની લાગણીઓ દુભાય છે અને મનદુઃખ થાય છે! જેથી સંબંધોમાં કડવાશ આવી જાય છે! બંને પક્ષે આનંદ ઉત્સાહ માણવાનો પ્રસંગ દર્દની તીણી સોઈ મારનાર બની જાય છે! લગ્ન તો ઊકલી જાય છે પણ સંબંધોમાં પડેલી તિરાડ ભરી શકાતી નથી!

   શા માટે આવું! વિચારો તો ખરા, જેના ઘરે પ્રસંગ છે એના માથે અનેક કામ અને તણાવ હોય છે! સમયના અભાવે કે પછી બીજા કારણોસર નિમંત્રણ થી માંડી ને સ્વાગત- સત્કાર સુધીના અનેક કામોમાં યજમાન થી નાની મોટી ભૂલો થઈ જાય એ સ્વાભાવિક છે! છતાંય આપણે એક સજ્જન મહેમાન બનીને બધું દરગુજર કરી ખુશીથી પ્રસંગ માં સામેલ થઈને એની શોભા વધારવી જોઈએ, નથી લાગતું તમને.. નાની મોટી વાતોને ભૂલી જવાથી સંબંધોમાં મીઠાશ રહેતી હોય તો શું ખોટું છે??

વાચકમિત્રો, આપણે એક સારા મહેમાન બનીએ! લગ્ન પ્રસંગોમાં ખુશીથી સહભાગી થઈને સંબંધોને મજબૂત બનાવીએ! નવદંપતી ને હૃદયથી આશિષ આપીએ જેથી એમનું લગ્ન જીવન ખુશીઓથી ભરેલું રહે! શું કહો છો??
-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...