ધીરજ - માતા માટે જરૂરી છે.
ધીરજ એક એવો ગુણ છે, જે જન્મની સાથે મળતો નથી, એવો પણ ગુણ નથી કે જે જાદુથી આવી જાય. ધીરજ એક એવો ગુણ છે જે પોતે કેળવવો પડે છે. મેં આ ગુણ માતા બન્યા બાદ કઈ રીતે કેળવ્યો એ વિશે અહીં વાત કરવી છે.
હું અને ધીરજ! એકબીજાના વિરોધી!! મારા અસ્તિત્વમાં ઉતાવળ એ રીતે વણાઈ ગઈ હતી કે મારા મિત્રો મને ' રાજધાની એક્સપ્રેસ ' કહેતા. ('રાજધાની એક્સપ્રેસ' તે સમયે મુંબઈથી દિલ્હી જનારી ' ફાસ્ટેસ્ટ ટ્રેન ' હતી.) મારું બધું કામ એ રીતનું જ હોય. મને ક્યાંય પણ બે ઘડી જપીને બેસતા ના આવડે. ઉતાવળ ના હોય તોય હું ઉતાવળે ચાલતી. બધા કામ જલદીથી પૂરાં કરીને બીજા કામ શરું કરી દેવા એ મારી આદત હતી. બંને ગેસના ચૂલા તેજ તાપે રસોઈ કરતી ત્યારે, મમ્મી કહેતી, " ધીરા તાપે કર! બળી જશે! કાચું રહી જશે! " પણ સાંભળે એ બીજા!! આપણે બંદા ઉતાવળે રસોઈ કરી રસોડાની બહાર!!
લગ્નબાદ હું અને મોહિત ફરવા જતા તોય હું ઉતાવળે આગળ ચાલતી. એ હસીને કહેતો, " આરામથી વાત કરતા ચાલ ને! ક્યાં કોઈ ભાગી જવાનું છે! " પણ આપણી ચાલ ધીમી થાય તો ને! એ પાછળ ને હું આગળ! આખરે એ જ ઉતાવળે મારી સાથે ચાલતો થઇ ગયો. સવારે ઉઠીને કલાકમાં બધું કામ આટોપી લેવાનું જ! જો મોહિતને તૈયાર થવામાં મોડું થાય તો મારી કમાન છટકે, " કેટલીવાર! કેટલો ધીમો છે તું! આટલી વારમાં હું પાંચ વાર કામ કરી લઉં, વગેરે ...વગેરે .." મારું બોલવાનું ચાલુ થઇ જાય. મોહિત તથા ઘરના બધા મારા આ ઉતાવળા સ્વભાવથી કંટાળતા પણ ધીરે ધીરે ટેવાઈ ગયા હતા!!
આજે હું સાવ ભિન્ન છું. બધું કામ નિરાંતે કરું છું. મને રાજધાની કહેતાં લોકો આજે મને ' સ્લો ટ્રેન ' કહે છે. મારા બંને બાળકો સાથેના અનુભવોએ મને ધીરજ ધરતા શીખવી છે. બાળકો એનું બધું કામ નિરાંતે કરતાં! મારામાં ધીરજનું નામ નહીં એટલે હું છેડાઈ પડતી. બધો ગુસ્સો બાળકો પર નીકળી જતો. પછીથી મને ખુબ પસ્તાવો થતો નિર્દોષ બાળકો પર ગુસ્સો કર્યાનો! ધીરે ધીરે હું તેમની સાથે આરામથી કામ કરતાં શીખી જ ગઈ. મારો દીકરો દિવ્ય પહેલથી જ મનમોજી. ધીમો તો એટલો કે એ દોડતો હોય ત્યારે, કાચબો પણ રેસ જીતી જાય. એને લઈને બજારે જાઉં તો અમે કલાકે બજારે પહોંચતા. હું ઉતાવળી એટલે એને તેડી લેતી. જેથી જલ્દી પહોંચાય. એ થોડો તંદુરસ્ત અને હું ત્યારે થોડી વધુ પડતી નાજુક હતી એટલે થાકી જતી. આખરે મેં એની સાથે ધીમે ચાલવાનું શરૂ કર્યું. એની કાલીઘેલી વાતો સાંભળતા ધીરે ધીરે ચાલતાં એક અલગ ખુશી મળતી. એના વિશ્વમાં જવું હોય તો એની ગતિએ ચાલવું પડે. ધીરે ચાલવાથી મને પણ થાક ઓછો લાગતો. સાથે એના પ્રશ્નોના જવાબ આપતા એની જિજ્ઞાસા સંતોષયાનો આનંદ પણ મળવા લાગ્યો. એના કુમળા મનમાં ઉઠતા પ્રશ્નોના જવાબ આપતાં હું એને ઘણું શીખવી શકી. હજીએ જયારે અહીં આવે ત્યારે અમે મા દીકરો ચાલવા જઈએ, ઘણી વાતો કરીએ. જો કે હવે એ ઉતાવળે ચાલે છે ને હું ધીમું. હું પ્રશ્નો પૂછું છું અને જવાબ એ આપે છે.
દિવ્યાના જન્મ બાદ તો રહી સહી ઉતાવળ પણ વિસરાઈ ગઈ. દિવ્યા લગભગ એક વર્ષની થઇ ત્યાં સુધી ચાલતા નહોતી શીખી. જયારે દિવ્ય તો માત્ર નવ મહિનામાં ચાલતા શીખી ગયો હતો. દિવ્યાની ઉંમરના બીજા બાળકો પણ સમયસર ચાલતા શીખેલા. દિવ્યા ભાખોડીયા ભરતી પણ ઉભી થઈને ના ચાલતી. એના પગનું હું બરાબર માલીશ કરતી. ડોક્ટરોને પણ બતાવ્યું! બધાએ કહ્યું કે ' નોર્મલ ' છે. ઘણા બાળકો મોડું ચાલતાં શીખે, ગભરાવાની જરૂર નથી. પણ મારી ધીરજ નહોતી રહેતી. બધાને એના ઉપાયો પૂછવા લાગી. આથી દોર શરુ થયો બાધા અને માનતાનો! બીજાએ જે કહ્યા તે ઉપવાસ, વ્રત અને માનતાઓ રાખવા લાગી. ભણેલી ગણેલી હોવા છત્તાંય અંધશ્રદ્ધાના કુવામાં પડી ગઈ. ઉપરા ઉપરી ઉપવાસને લીધે સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ. અનેક મંદિરોની મુલાકાતો, પૂજા પાઠમાં વધુ સમય આપવાથી બંને બાળકોના ઉછેર અને મારા કામ પર પણ માઠી અસર થતી હતી. બસ! એક જ ધૂન હતી, દિવ્યા જલદીથી ચાલતી થાય પરંતુ એવું ના બન્યું. મહિનાઓ વીતતા હતા. કંટાળીને બધા ઉપાયો બંધ કર્યા. આખરે બધું સમય પર છોડી દીધું.
એક દિવસ હું રસોડામાં કામ કરતી હતી. રોજની જેમ દિવ્યા રમકડાં લઈને બેઠી હતી. એના હાથમાંથી બોલ છટકીને રસોડામાં આવી ગયો. હું લોટ બાંધતી હતી એટલે બોલ લેવા ના જઈ શકી. ત્યાં મારા આશ્ચર્ય વચ્ચે એ ઉભી થઈને ચાલતી રસોડામાં આવી. બોલ લઈ લીધો. મારી આંખોમાંથી ખુશીના આંસુ વહી રહ્યા. લોટવાળા હાથે મેં એને તેડી લીધી. ચૂમીઓથી નવડાવી દીધી...
એ દિવસે મને સમજાયું કે બાળક બધું પોતાના સમય મુજબ કરે છે. બીજા બાળકો સાથે એની સરખામણી કરીને ધીરજ ખોવી જોઈએ નહીં. બાળ ઉછેર સમય માંગે છે. ધીરજ રાખીને બાળકો સાથે વ્યવહાર કરવો પડે છે. માટીમાં નાખેલા દરેક બીજ એક સામટા ઉગી નથી નીકળતાં, દરેક પોતાના સમયે જ બહાર આવે છે! ખરું ને!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો