પિતાતુલ્ય પડછાયો -મારો ભાઈ

 

ભાઈ એટલે બહેનની પડખે રહેતો પિતાતુલ્ય પડછાયો!' આ સુવાક્યને મારો ભાઈ સંપૂર્ણ રીતે ચરિતાર્થ કરે છે. મારો ભાઈ મારાથી પાંચ વર્ષ મોટો એટલે લગભગ પિતા જેવો જ! મારા જીવનમાં તેણે ભાઈની સાથે પિતાની ભૂમિકા વધુ સારી રીતે ભજવી છે.

ચાલો, એ વાતો કરવા તમને લઈ જાઉં થોડા વર્ષો પહેલાના સમયમાં, વર્ષોની સંખ્યા લખી મારી સાચી ઉંમર જણાવવાની નથી!😄 ચાલો જઇયે મારા બાળપણના વર્ષોમાંં. બાળપણથી હું એની આંગળી પકડીને ચાલતા શીખેલી. એ કયારેક ઘોડો બની મને ઘરમાં ફેરવતો, તો ક્યારેક મને સાકરની ગુણ બનાવી ખંધોલે બેસાડી રમાડતો. જાણે પપ્પા બની જતો! અમારા વચ્ચે બીજા ભાઈ બહેનમાં થાય એવી તું- તું, મેં- મેં કયારેય ન થતી. એ મોટો હોવાથી તરત નમતું જોખી દેતો. મને જોઈતી ચીજ તરત આપી દેતો. ઘણીવાર તો પોતાના ભાગમાં આવેલી વસ્તુ પણ મને આપી દેતો. ખાસ કરીને શાળામાં કોઈના જન્મદિવસ મળેલી ચોકલેટ મારા માટે લઈ આવતો. મને ખવડાવીને જ ખાતો.

મારી પ્રિય મીઠાઈ રસગુલ્લા, પોતાની વાટકીમાંથી ચૂપચાપ મારી વાટકીમાં સરકાવી દેતો. આમ મને મારી પ્રિય ચીજો હંમેશા મળી જતી. એક તો હું ઘરમાં નાની હોવાથી લાડકી અને ભાઈ તરફથી પણ લાડ મળતાં. મને હાથ પકડીને શાળાએ મૂકીને પછી એ પોતાની શાળાએ જતો. હું વહેલી છૂટી જતી. બપોરે ઘરે આવીને બુટ ઉતારતી વેળા મમ્મીને પૂછતો,"તની આવી ગઈ એને જમી લીધું?" હું આમેય ઉંઘણસી, બપોરે જમીને સૂતી હોવ ત્યારે મારા માથે વ્હાલથી હાથ ફેરવીને પછી જમવા બેસતો. જો કે ઘણીવાર એના વ્હાલથી મારી ઊંઘ ઉડી જતી તો હું ગુસ્સામાં એને એક ધબ્બો મારી દેતી. તોય હસીને ભાગી જતો.

 

 

પપ્પાના અચાનક થયેલા મૃત્યુ બાદ એ મારો ભાઈ નહીં પણ પિતા જ બની ગયેલો. મારી બધી કાળજી એક પિતા તરીકે લેતો. મારા શિક્ષણથી લઈને મારા લગ્નની બધી જવાબદારી તેણે પિતા બનીને નિભાવી છે. આજે આ લેખમાં વાત  કરવી છે, એક એવી વારદાતની જયારે ભાઈએ એક પિતા તરીકે મારી કાળજી લીધી હોય. એવા એક નહીં પરંતુ અનેક પ્રસંગો છે જયારે આવું બન્યું હોય.

એમાંનો એક પ્રસંગ અહીં વર્ણવું.

વાત છે મારા કોલેજના સમયની, મને મુંબઈની પ્રતિષ્ઠિત કોલેજમાં 'મેરીટ' પર એડમિશન મળતું હતું પરંતુ, એ કોલેજ મારા ઘરથી દૂર હતી, લોકલ ટ્રેનમાં ત્યાં સુધી જવું પડે તેમ હતું. ભીડના સમયે લોકલ ટ્રેનમાં મુસાફરી કરનાર બધા જાણતા હશે કે એ કેટલું કપરું કામ છે! હું તો ભીડ જોઈને ડરી ગયેલી. મેં નક્કી કર્યું કે ઘરની નજીકની કોલેજમાં પ્રવેશ લઈ લેવો. જ્યાં ચાલીને પહોંચી શકાય. ત્યારે, ભાઈ ખિજાયો," આટલી ખ્યાતનામ કોલેજમાં જવાનું કંઈ છોડાય? એ પણ માત્ર ટ્રેનને લીધે! એની કોઈ જરૂર નથી. ફર્સ્ટકલાસના ડબ્બામાં ગિરદી ઓછી હોય તું એમાં જજે." એણે મને 'ફર્સ્ટકલાસ'નો પાસ કરાવી આપ્યો. એ સમયે અમે 'ફર્સ્ટકલાસ'ના ડબ્બામાં સફર કરી શકીએ એટલા શ્રીમંત નહોતાં. છતાંય મારી સગવડ માટે ભાઈએ આ વ્યવસ્થા કરી આપી. મમ્મીએ કહ્યું,"બધા સેકન્ડ ક્લાસમાં સફર કરે છે, તની પણ કરશે! આટલા લાડની કોઈ જરૂર નથી." ભાઈ બોલ્યો, "ના મમ્મી, મારી બહેનને આરામથી સફર કરવા મળે એ માટે હું કઈ પણ કરીશ." આ શબ્દો એક ભાઈ બોલ્યો છતાંય તેમાં મેં એક પિતાની લાગણી અનુભવી. જેમ એક પિતા પોતાના બાળકની સુવિધાઓ અને સુરક્ષા માટે પોતાનાથી બનતું બધું જ કરે છે, બસ એજ રીતે એ સમયે મારો ભાઈ પિતા બનીને મારી કાળજી કરતો દેખાયો.

 

 

આજે પણ હું જયારે પિયરે જાઉં છું ત્યારે ઓફીસમાંથી આવતાં મારા માટે ચોકલેટ અને આઈસક્રીમ લઈને આવે છે. હું એની પાસે આ ઉંમરે પણ નાની બાળકી બની જાવ છું. જયારે મુંબઈમાં લોકલ ટ્રેનની સફર કરું ત્યારે, ફર્સ્ટકલાસની એ સફર સાથે જોડાયેલી ભાઈની લાગણી યાદ આવે છે.

આજના પર્વ પર ઈશ્વરને એટલી પ્રાર્થના કરીશ કે, દુનિયાની દરેક બહેનને આવો લાડ કરનારો ભાઈ મળે અને મારા વ્હાલા ભાઈને દુનિયાની દરેક ખુશી મળે!!

તની.

ટિપ્પણીઓ

  1. એ ઉભડક જીવે ભાઈના આવવાની રાહ જોતી જ હોય..આવી દરેક મીઠડી બહેન ને આંખના તારા જેવા એ બહેનના ભાઈ બંનેની જોડી એ ઈશ્વરનું અનુપમ વરદાન છે..એ સાંસારિક સંબંધોમાંની સર્વ શ્રેષ્ઠ શોભા રૂપ છે.
    ઈશ્વર હમેશા આપ ભાઈ બહેનની જોડીને સલામત રાખે..ને અરસ પરસના પ્રેમ થકી આપનું જીવન હર્યું ભર્યું ને આનંદપૂર્ણ બની રહે એવી આજના રક્ષા બંધનના પવિત્ર દિવસે શુભ કામના
    ખૂબ જ સુંદર ને ભાવપૂર્ણ પ્રસ્તુતિ..તની જી..
    શુભ રાત્રિ..

    જવાબ આપોકાઢી નાખો
    જવાબો
    1. સાચું કહ્યું આપે. ભાઈ બહનની જોડી તો ઈશ્વરે આપેલું અનુપમ વરદાન છે. શુંભકામનાઓ માટે ખૂબ આભાર

      કાઢી નાખો

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...