બ્લુ ટાઈ
માતા હોવું એક સુખદ અનુભૂતિ છે. માતૃત્વ જીવનનો સૌથી ઉમદા અવસર છે, સાથે જીવનનો સૌથી મુશ્કેલ સમય પણ કહી શકાય. કારણ, એક માતા તરીકેની જવાબદારી ઘણી કપરી છે. માતા તરીકે આપણે માત્ર એક બાળકનો ઉછેર નથી કરી રહ્યા. પરંતુ, એક પ્રેમાળ ,નૈતિક અને જવાબદાર વ્યક્તિનો ઉછેર કરી રહ્યા છીએ. એથી આપણી જવાબદારી બેવડાઈ જાય છે. એક માતા તરીકે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી વખતે આપણે સાવધાની રાખવી પડે છે. દરેક બાળક પોતાની રીતે ભિન્ન હોય છે એટલે, દરેક માતાનું માતૃત્વ પણ એક બીજાથી ભિન્ન હોઈ શકે.
દરેક માતા પોતાના બાળકનો ઉછેર પોતાની રીતે કરે છે અને ભવિષ્યમાં તેનું બાળક આપેલા સંસ્કારોને ઉજાગર કરે છે. ત્યારે, માતા છાપરે ચડીને પોકારે છે, 'માતૃત્વ મારી રીતે .' દરેક માતાના જીવનમાં આવા પ્રસંગો બને છે. ત્યારે, એક માતા તરીકે આપણે ગર્વ અનુભવીયેે છીએ. મારા જીવનમાં આવા અનેક પ્રસંગો બન્યા છે. આજે મારા બંને બાળકો દિવ્ય અને દિવ્યા પોતાની કારકિર્દીમાં આગળ વધી રહ્યા છે. મને આજે તેમની માતા હોવાનો મને ગર્વ છે. આજે હું તેઓને એક નૈતિક અને જવાબદાર વ્યક્તિ તરીકે જોઈને, માતૃત્વ મારી રીતેનો ગર્વ મેહસૂસ કરી શકું છું. અહીં, મારા દીકરા દિવ્યના બાળપણનો એક પ્રસંગ વણર્વીશ જે દિવસને યાદ કરીને આજે હું છાપરે ચડીને કહી શકું 'માર્તૃત્વ મારી રીતે ..'
એ સમયે મારો દીકરો દિવ્ય ચોથા ધોરણમાં ભણતો. અમારું જૂનું ઘર બદલીને અમે બે બેડરૂમના ફ્લેટમાં રહેવા આવ્યા. એ ફ્લેટમાં રહેનારા લોકો વિદેશમાં સ્થાયી થવા જવાના હતા. એમનો દીકરો દિવ્યની શાળામાં જ હતો. અમે એમનો ફ્લેટ ફર્નિચર સાથે ખરીદેલો. હું ઘરને મારી રીતે સજાવી રહી હતી. ત્યારે, કબાટના 'હંગેર'માં લટકાવેલી
'બ્લુ' રંગની ટાઈ લઈને દિવ્ય બોલ્યો ,"મમ્મી, હું કાલથી આ ટાઈ પેહરીને શાળામાં જઈશ. મારો વટ પડી જશે." દિવ્યની શાળામાં દર વર્ષે 'સ્કોલર એવોર્ડ' આપવામાં આવતો. જે બાળક અભ્યાસમાં સૌથી ઉત્તમ પરિણામ લાવે, તેને આ એવોર્ડ આપવામાં આવતો. એ એવોર્ડ સાથે 'બ્લુ' રંગની ટાઈ મળતી. જે બધા વિદ્યાર્થીઓ માટે વધુ અભ્યાસ કરવાની પ્રેરણા બનતી.આ ટાઈ આ ઘરમાં રહેનાર ઉતાવળે કબાટમાં ભૂલી ગયા હતાં. દિવ્ય ને બીજાની 'ટાઈ' પહેરીને પોતાના મિત્રોમાં વટ પાડવો હતો. નૈતિકતાની દ્રષ્ટિએ આ ખોટું હતું. એના કુમળા મનમાં મારે આ વાત ઠસાવવાની હતી કે આ તારી નથી.
દિવ્ય ત્યારે એક સુંદર ચિત્ર દોરીને તેમાં રંગ પુરી રહ્યો હતો. મેં તેને કહ્યું,"બેટા, કાલે બાજુમાં રહેતા મીતની શાળામાં 'ડ્રોઈંગ કોમ્પીટીશન' છે. શું તારું આ ચિત્ર મીતને આપશે?"
દિવ્ય બોલ્યો,
"ના, આ ચિત્ર મારુ છે. મેં મહેનત કરીને દોર્યું અને રંગ ભર્યા છે. એની 'કોમ્પીટીશન' છે. તો એ દોરે! હું શું કામ મારુ ચિત્ર આપું?"
મેં કહ્યું,"
એકદમ સાચું! તે દોર્યુ છે,તે મહેનત કરી છે તો ઇનામ પણ તને જ મળવું જોઈએ! મીતને નહિ! બરાબરને! એજ પ્રમાણે આ 'ટાઈ' મેળવવા માટે તે મહેનત કરી છે? 'સ્કોલર' બનવા માટે ખુબ અભ્યાસ કરવો પડે. બધા વિષયમાં સારા ગુણ લાવવા પડે. ભણવા સાથે ઈતર પ્રવૃત્તિમાં પણ અવ્વલ રેહવું પડે. શું તે આમાનું કઈ કર્યું છે?"દિવ્યએ માથું ધુણાવી 'ના' કહી.
મેં કહ્યું ,"બેટા , તે જેના માટે મેહનત ના કરી હોય તો એના પર તારો કોઈ હક નથી. તેથી આ 'ટાઈ' તું ના પેહરી શકે. જો આવી 'ટાઈ' જોઈએ, તો તું મેહનત કર અને જીતીને લાવ." દિવ્ય ના કુમળા મનમાં મારી વાત ઉતરી ગઈ.
એ તુરંત અભ્યાસ કરવા બેસી ગયો. બોલ્યો, "આજથી હું બધું બરાબર ભણીશને મારી 'ટાઈ' લાવીને જ રહીશ.
એ દિવસથી દિવ્યએ ખુબ મેહનત શરુ કરી, નિયમિત અભ્યાસ,વાંચન, ઈતર પ્રવૃત્તિમાં પણ પૂરતો સમય આપ્યો. આખરે, એક દિવસ એની શાળાના 'સ્કોલર એવોર્ડ' સમારંભમાં 'બ્લુ' રંગની ટાઈ જીતીને લાવ્યો. એ દિવસથી એ મહેનત અને નૈતિકતાના પાઠ શીખી ગયો. તેનું અનુકરણ કરી દિવ્યાએ પણ અનેક એવોર્ડ જીત્યા.
આજે મારા કબાટનું 'હેંગર' અનેક 'બ્લુ' ટાઇથી શોભાયમાન છે. મારા બંને બાળકો જાણે છે કે, જે વસ્તુ પ્રાપ્ત કરવા મેં મહેનત નથી કરી, એ મારી નથી. બંને બાળકોએ 'સિદ્ધિ જઈ તેને વરે જે પરસેવે નહાય' એ મંત્રને આત્મસાત કરી લીધો છે. આજે બંનેને પોતાનું ધ્યેય પ્રાપ્ત કરવા માટે મહેનત કરતાં જોઉં છું ત્યારે, હું છાપરે ચડી બોલી ઉઠું છું," માર્તૃત્વ મારી રીતે .."
-તની.
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો