અમારો છત્રીસ નો આંકડો
'કુંડળી મેળવવી હોય તો સાસુ- વહુની મેળવવી જોઈએ. પતિ તો આમેય બધું ચલાવી જ લે!' આ ઉપદેશ મને 'સોશિયલ મીડિયા' પર મારા લગ્ન પછી મળ્યો. જો હું પણ મારી કુંડળી સાસુમા જોડે મેળવી લેત તો આ બધી માથાકૂટ થાત જ નહીં! ખેર, જે થવાનું હતું તે થઈ ગયું! હું લગ્ન કરીને ઘરમાં આવી એ જ દિવસથી મને સમજાઈ ગયું હતું કે મારો અને મારા સાસુજી નો છત્રીસ નો આંકડો છે!
પહેલાં હું તમને મારો પરિચય આપી દઉં..હું એકવીસમી સદીની એક ત્રસ્ત વહુ છું! બાકી નામ માં શું દાટયું છે! તમારે જે નામ આપવું હોય તે આપી દેજો!
હું સાવ 'સ્લો ટ્રેન' ને સાસુમા 'રાજધાની એક્સપ્રેસ'! આ ઉંમરે પણ એટલી ઝડપથી કામ કરે કે હું તો ચક્કર ખાઈ જાવ! ગેસ પર બે તવી મૂકીને એકલે હાથે એટલી ફટાફટ રોટલી ઉતારે કે પેલી રોટલીને શ્વાસ ખાવાનો પણ સમય ના મળે! મારું કામ એવું કે એક રોટલી આરામથી ફૂલીને (જો કે મોટે ભાગે મારા વેલણનો ઘા એવો મજબૂત કે રોટલી ફૂલવા માટે માથું ઊંચું કરી જ ના શકે) નીચે આવે ત્યારે બીજી રોટલી તવી પર જવા તૈયાર પણ ન થઈ હોય!
મને ટી. વી સિરિયલ જોવાનો બહુ શોખ ને સાસુમાને જરાય નહીં. ટી. વી ચાલતું હોય ત્યારે ઘરમાં કેટલુંય કામ પડ્યું હોય, મારા પેટનું પાણી પણ ન હાલે! મારી સિરિયલનો એપિસોડ પુરો થાય ત્યાં તો સાસુમા ચાર જણની રસોઈ બનાવીને બહાર આવી જાય! તેઓ બહાર આવે કે હું તરત રસોડામાં ભાગું. પાછળની બધી સફાઈ કરીને જમવાનું ટેબલ પર ગોઠવી દઉં! આમ અમે બંને ઘરના 'ટોમ એન્ડ જેરી' એ બહાર તો હું અંદર! અમે એકબીજાથી ભાગતા ફરીએ!
ટૂંકમાં કહું તો, હું અને સાસુમા એકબીજાથી સાવ જુદા! મને હસી મજાક મસ્તી કરવા જોઈએ જ્યારે સાસુમાને ઠરેલ વાતો કરવી ગમે. મને સૂરજ માથે ચડે ત્યાં સુધી સૂવું ગમે ને સાસુજીને મળસ્કે ઉઠીને કામ કરવા હોય! આમ અમે પૂરબ અને પશ્ર્ચિમ જેવા!
જોકે અમારો છત્રીસનો આંકડો હોવા છતાંય અમારા ઘરમાંથી યુદ્ધના પડઘમ બહાર ક્યારેય ના સંભળાય! 'કૉલ્ડ-વૉર' ચાલતી રહે, જે માત્ર મારા પતિદેવ અને સસરાજી જ સમજી શકે! એ બંને પેલી સિરિયલ જેવા..તેરી ભી ચૂપ મેરી ભી ચૂપ!
થોડા દિવસોમાં હું 'કૉલ્ડ-વૉર'થી ત્રાસી ગઈ! રોજ 'ટોમ' થી ડરીને ભાગનારો 'જેરી' બનીને જીવવાની મજા થોડી આવે! કયારેક મને પણ તો જંગલના સિંહની જેમ ફરવું હોય ને! રોજ 'ટ્વેન્ટી ટ્વેન્ટી'
ની મેચ રમતા હોય તેમ ઘરનું કામ કરવાનું, ક્યારેક તો ટેસ્ટ મેચ રમવાનું મન થાય ને!
એક રાત્રે રાતે સૂતી વખતે મેં ઈશ્વરને પ્રાર્થના કરી,' હે પ્રભુ એક દિવસ હું આમ ની સાસુ બની જાવ તો. ..એમને મારા રંગે રંગી જ નાખું!'
બીજે દિવસે સવારે હું ઉઠીને બ્રશ કરવા ગઈ ત્યારે જોયું તો....! મારા વાળ રિન સાબુની જાહેરાતમાં આવતા શર્ટ જેવા સફેદ થઈ ગયા હતા અને મારો ચહેરો ચોળાઈ ગયેલા શર્ટ જેવો કરચલીઓ વાળો થઈ ગયો હતો...!! હું ચીસ પાડવા જતી હતી ત્યાં મને એક અવાજ સંભળાયો," તારી પ્રાર્થના મેં કબૂલ કરી છે! આજનો દિવસ તું સાસુમા છે અને તારા સાસુમા તારી વહુ બની ગયા છે. ચોવીસ કલાક બાદ તમે બંને પોતાના મૂળ રૂપમાં આવી જશો!"
મેં અનુભવી ખેલાડીની જેમ કહ્યું," અરે, ચોવીસ કલાક શું! હું તો બાર કલાકમાં મારું કામ કરી દઈશ!"
એ દિવસે હું મારા સ્વભાવથી વિરુદ્ધ રીતે જલ્દીથી તૈયાર થઈને બહાર આવી! (એ દિવસ તો ઉતાવળ કરવાની જ હતી બાર કલાકમાં 'ટાર્ગેટ' પૂરો કરવાનો હતો.) મારી વહુ બનેલા સાસુમા હજી સુતા હતા.
આમ તો સાસુમા રોજ સવારે તેમના સુરીલા કંઠે ભજન ગાતા, એનાથી જ મારી ઉંધ ઉડતી! એ દિવસે મેં પણ મારા બેસૂરા અવાજે લલકાર્યું
, "મૈયા યશોદા યે તેરા કનૈયા.. પનઘટ પે મોરી....!" (એ તો ભલું થાય આપણી હિન્દી ફિલ્મોનું જેમાં થોડાક ભજન રૂપી ગીતો આવે એટલે મને આવડે! બાકી, ભજન મને ક્યાંથી આવડવાના!)
મારા સૂર સંગમથી મારી વહુ તો ઉઠી નહીં પણ આજુબાજુમાં ક્યાંકથી ગધેડા ભોંકવાનો અવાજ આવવા લાગ્યો. મેં પરિસ્થિતિ પર નિયંત્રણ મેળવવા ગાવાનું બંધ કર્યું!
આખરે મારી વહુ બનેલા સાસુમા આવ્યા! યુવાન વયે એટલા સુંદર લાગતા હતા કે થોડી વાર હું તેમને જોતી જ રહી ગઈ! એણે ચા બનાવી. મારા સ્વભાવ મુજબ હું નિરાંતે છાપું લઈને ચા પીવા બેઠી. મેં કહ્યું,"
બેસ
બે ઘડી! નિરાંતે ચા પી લે!"
એ બોલી," ના..રે મને કામ છે. આમ નિરાંતે થોડી બેસાય!" મેં આંખો કાઢી એટલે એ ચુપચાપ બેસી ગઈ. (એ તો ઘી સીધી આંગળીએ ન નીકળે તો...) ચા પીતા મેં મારો હુકમનો એક્કો કાઢયો! આજુબાજુના ઘરની 'લેટેસ્ટ' છૂપી 'ગોસીપ' નો ખજાનો ખોલ્યો, એને એમાં બહુ રસ પડ્યો! ( લે એમાં કોને રસ ના હોય! બધા ખાલી કહેતા હોય આપણે શું? પણ 'ગોસીપ' સાંભળે તો બધા જ!) હું દરેક વાતમાં મોણ નાખીને એને કહેતી ગઈ, વાતો સાંભળતા કામ કરતાં એ આખરે 'સ્લો ટ્રેન' બની જ ગઈ!
બપોરે પણ મેં એને મારી જોડે ટી.વી સિરિયલનો 'રિપીટ એપિસોડ' જોવા બેસાડી જ દીધી. મેં એને સમજાવ્યું
," ટી.વી સિરિયલો જોવાથી આજ કાલની ફેશન ખબર પડે! બધાના દાગીના કપડાં જોવાના પછી એવા જ ખરીદવાના એટલે 'કિટિ- પાર્ટી'માં આપણો વટ પડી જાય! તોયે એ મારી વાતોમાં ન આવી. મેં છેલ્લું પત્તું ફેંકતા કહ્યું, ટી.વી સિરિયલ જોવાથી પતિદેવને કેમ કાબૂમાં રખાય એ પણ શીખવા મળે!"
મારું આ પત્તું મને રમત જીતાડી ગયું. એની દુ:ખતી નસ પકડાઈ જ ગઈ! એ સાંજે બધા કામ પડતાં મૂકીને મારી સાથે સીરીયલ જોવા બેસી ગઈ!
સીરિયલ પૂરી થઈ ત્યાં તો અમારા પતિદેવોનો ઘરે આવવાનો સમય થઇ ગયો હતો. અમે બંનેએ મળીને એવી ઉતાવળે રસોઈ કરી કે 'ઇન્સ્ટાગ્રામ પર આવતી 'રેસિપી'ની 'રીલ્સ' પણ શરમાઈ જાય! હું યે ઉતાવળે કામ કરતાં શીખી જ ગઈ!
ચોવીસ કલાક પૂરા પણ નહોતા થયા ત્યાં તો પૂરબ ઓર પશ્ચિમ એક થઈ ગયેલા! અમારા પતિદેવો તો માથું ખંજવાળતા રહી ગયેલા કે આ 'ટોમ એન્ડ જેરી' માં દોસ્તી થઈ કઈ રીતે!!
એ સાંજે મેં એને મોડા ઊઠવાના અનેક ફાયદા વિશે સમજાવ્યું. યેનકેન પ્રકારે મે તેને સવારે મોડી ઉઠવા રાજી કરી લીધી! આમ માત્ર બાર કલાકમાં મારો 'ટાર્ગેટ' પૂરો કરીને હું આરામથી સૂવા ગઈ!
બીજે દિવસે મળસ્કે ભજન ના સૂરથી મારી આંખ ખૂલી! અમે અમારા મૂળરૂપમાં પાછા આવી ગયા હતા! મને તો બધું જ યાદ હતું પણ સાસુજી ગજની ફિલ્મના આમિરખાનની જેમ બધું ભૂલી ગયેલા! મેં જીયા ખાન બનીને એમને બધું યાદ કરાવવાની કેટલી કોશિશ કરી પણ એમને કશું યાદ ન આવ્યું!! એ તો ફરી ઉતાવળે કામ પર લાગી જ ગયા!
આજ સુધી અમારો છત્રીસનો આંકડો તો છે જ વળી!!
-તની
(અસ્વીકરણ: આ વાર્તા કાલ્પનિક છે માત્ર મનોરંજન માટે જ લખી છે. બાકી તની ના સાસુમા તો મમ્મી જેવા જ છે! અમારી કુંડળીના તો છત્રીસે છત્રીસ ગુણ મળે છે!)
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો