કરકસર કરવી જરૂરી છે.. પરંતુ, કાયમ નહીં...!!

 

 કરકસર આપણે બધા હંમેશા કરતા હોઈએ છીએ. ખાસ કરીને આપણે ગૃહિણીઓ! ઘર ખર્ચમાં બને ત્યાં સુધી કરકસર કરી લઈએ છીએ. એક મહિનાનો ઘર ખર્ચ દોઢ મહિના સુધી ચલાવી શકાય એવું કરવાની અનેક કોશિશો કરીએ છીએ. માટે રસોડામાં ખાવાની ચીજોનો વ્યય થાય એટલે અનેક નુસખા અજમાવતા હોઈએ છીએ! જૂના કપડાને ખોલાવી કે ઑલ્ટર કરાવીને વાપરી લઈએ છીએ. વગેરે.. અનેક નુસખા વાપરીને બચત કરી લેતા હોઈએ છીએ. બચાવેલા પૈસા ભેગા કરીને સાચવીને રાખીએ છીએ. જે કોઈ ભીડના સમયે કામ આવે અથવા તો બચતને ભેગી કરી કઈ જરૂરી ચીજી ખરીદી કરી શકીએ

  એ વાત પણ સાચી છે આજની બચત કાલની જરૂરિયાત માટે કામ લાગે છે! એમાં કશું ખોટું પણ નથી. પરંતુ, કયારેક એવું નથી લાગતું કે કરકસરના નામે ઘણી વાર આપણે પોતાના મન ને મારી દઈએ છીએ! પોતાને ગમતી વસ્તુને ફાલતુ ખર્ચ માનીને નથી ખરીદતા! મારે શું જરૂર છે આની ..! રહેવા દે ને ચાલશે! આવતા મહિને વાત! સાચું કહો, આવું કહીને આપણે મનને મનાવતા નથી??  બરાબર છે, સ્ત્રી અને ત્યાગ એકબીજાના પર્યાય છે ખરું! પરંતુ, 'પછી' કે 'આવતો મહિનો' ફરી ક્યારેય આવે છે ખરો?? શું ફરીથી આપણે વસ્તુ લઈએ છીએ ખરા ..!! ના લગભગ નહીં !! ધીરે ધીરે આપણી આદત બની જાય છે!! વસ્તુ કે એનાથી મોંઘી વસ્તુ બાળકો કે પરિવારના બીજા માટે લેતા અચકાતા નથી પરંતુ, પોતાના માટે નથી લેતા! એવી કરકસર નો શું ફાયદો જ્યાં મન ને મારવું પડે! પણ એકવાર નહિ અનેક વાર..!!કરકસર કરવામાં કંઈ ખોટું નથી પણ  ગમતી વસ્તુને ખરીદીને વાપરી લેવામાં પણ કઈ ખોટું તો નથી જ!

ઘણા તો કરકસર ના નામે કંજુસાઈ કરી લેતા હોય છે! જેના  ખિસ્સામાં હજારો રૂપિયા હોય તે વ્યક્તિ બે રૂપિયા માટે ગરીબ શાકવાળા સાથે કચકચ કરે કરકસર નથી! શાકવાળો પણ માણસ છે! આપણે જાણીએ છીએ 'મૉલ ક્લચર' આવવાથી આવા નાનકડા ફેરીવાળા ને કેટલું નુકસાન થયું છે! એમાં બે પાંચ રૂપિયા વધારે લઇ જાય તો પણ શું !! ગરીબના મુખ પર થોડી ખુશી લાવી શકીયે તો..!! પાંચ રૂપિયા બચાવવા કરતાં ખુશી જોવાનો આનંદ કંઈ ઔર છે!!

 કેટલાક લોકો રિક્ષાવાળા અને ટેક્સીવાળા સાથે એક રૂપિયા અને બે રૂપિયા છૂટા માટે માથકૂટ કરે છે! કરકસર નથી! જ્યારથી પ્રાઇવેટ ટેક્ષી, રિક્ષાનું ચલણ વધ્યું છે ત્યારથી એમના પેટ પર પણ મોટી લાત પડી છે. વળી છૂટા ની તકલીફ તો બધે હોય છે! ઘણી વાર આખો દિવસ રખડીને એમને પેટ પૂરતું ભાડું પણ નથી મળતું! એમાં ૪૮ રૂપિયાનું ભાડું થયું હોય તોય ૫૦૦ ના છૂટા બિચારા ક્યાંથી લાવે? તોય જેમતેમ કરીને બિચારો ૪૫૦ રૂપિયા પાછા આપે છે ત્યારે બે રૂપિયા માટે કટકટ શા માટે ..!! કરકસર નથી!
  કોઈ કહેશે ટીપે ટીપે સરોવર ભરાય! નાની નાની બચત કરીને મોટી રકમ ભેગી થાય! લોકો ને એટલું કેહવું છે, બચત કરવી હોય તો ફાલતુ ખર્ચ ઓછા કરો! મોબાઈલના બીલો, હોટેલના બીલો કે મૉલના બીલો પર કાપ મૂકીને બચત કરો! નાનકડા લોકોને શાને હેરાન કરો છો!! ઘણીવાર મૉલ કે મોટી દુકાનોમાં જઈને વસ્તુ જે બહાર ૫૦ રૂપિયામાં મળતી હોય છે તેના ૧૦૦ રૂપિયા આપી આવીએ છીએ પરંતુ, નાની રકમ માટે ચીકણા થઈએ છીએ!
  'મૉલ' માં મહા- બચત અને સેલ ના પાટિયા જોઈને દોડી જઈએ છીએ પણ હકીકતમાં વધારે પૈસા આપી આવીએ છીએ! મારા અનુભવ પરથી કહું, મોટેભાગે મૉલમાં વસ્તુના લેબલ બદલી દેવાય છે. જયાં ૧૦૦ રૂપિયા પર ચોકડી મૂકી ને ૮૦ રૂપિયા એવું લખેલું હોય, લેબલ ઉંચું કરીને જોયું છે કદી?? મૂળભાવ તો ૭૦ રૂપિયા હોય છે! માનવામાં નથી આવતું ને! કયારેક નવા લગાડેલા લેબલને ધીરેકથી ખેંચીને જોજો! મેં ઘણીવાર જોયું છે! (સી.આઈ.ડી. સિરિયલ હું પણ વર્ષોથી જોતી આવી છું, કયારેક ઉપયોગ પણ કરી લઉં છું!) ખાસ કરીને ત્યાં 'એક પર એક ફ્રી' જેવી ઑફરો મૂકાતી હોય છે. જેથી આપણે વધુ ખરીદી કરીએ છીએ. પણ તેમનો ફાયદો છે! આપણે તો બચતના નામે બેવકૂફ બનીએ છીએ! એમની હોશિયારી સામે આપણું કશું નથી ચાલતું જ્યારે આવા નાના દુકાનદારો સામે આપણે કરકસરના નામે કનડગત કરીએ છીએ!!.. નથી લાગતું તમને?? શાંતિથી વિચારજો ..!!

કરકસર એક સારો ગુણ છે, પરંતુ, કયારેક પોતાના માટે જીવી લેવું! કયારેક ગમતું કરી લેવું, એમાંય કઈ ખોટું નથી.! શાકવાળો પાંચ રૂપિયા વધારે લઈ જઈને ખુશ થાય છે તો થવા દેવામાં કઈ ખોટું નથી! ઘરે આવતી કામવાળી બેન ચાર દિવસ રજા પાડી ગઈ તોયે ઉદાર દિલે તેને પૂરો પગાર આપી દેવામાં કઈ ખોટું નથી! દૂધવાળો દૂધમાં પાણી ઉમેરે છે તોયે પૂરે પૂરો હિસાબ આપી દેવામાં કંઈ ખોટું નથી! આજે જમવામાં 'ફ્રાઈડ રાઈસ' બન્યા છે પણ મારે તો કાલની વધેલી ખીચડી ખાવાની છે, એમ કહી મનને મનાવવા કરતાં 'ફ્રાઈડ રાઈસ' ખાઈ લેવામાં કાંઈ ખોટું નથી! કરકસર કરવી સારી છે પણ કયારેક દિલ ખોલીને વાપરી લેવામાં કઈ ખોટું નથી!!
જિંદગી ના મિલેગી દોબારા.....! કયારેક આજમાં જીવી લેવામાં પણ કાંઈ ખોટું નથી!! ..શું કહો છો..??
-તની.

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...