ચાલો સંબંધો ને એક મોકો આપીએ ....

 

"અરે કિરણ તને સમાચાર મળ્યા? મનીષનો અકસ્માત થઈ ગયો!"
"શું વાત કરે છે?  ક્યારે ? અત્યારે એ કઈ હોસ્પીટલમાં છે?"
ફોન મૂકીને કિરણ ઉતાવળે સુરેશે આપેલા સરનામે પહોંચવા નીકળ્યો. .મનીષનો ચહેરો એની આંખ સામેથી ખસતો નહોતો મનીષ એનો ખાસ મિત્ર! બંને સાથે મળીને ભાગીદારીમાં એક વ્યવસાય શરૂ કર્યો હતો. કેટલા સોનેરી દિવસો હતા એ..! બંનેના પરિવારો વચ્ચે પણ સુમેળ હતો. બાળકો પણ સાથે રમતાં. વારે તહેવારે, સુખે- દુ:ખે બંને એકબીજાની સાથે રહેતા. જાણે બે સગા ભાઈઓ જ જોઈ લો! 
  સમયની કઠિનાઈ કહો કે વિધિની વક્રતા ધંધો જેમે જેમ આગળ વધતો ગયો તેમ બંને વચ્ચે પૈસાની બાબતમાં અને કામની બાબતમાં મતભેદ થવા લાગ્યા. ધીરે ધીરે મન-મોટાવ વધતો ગયો! અનેક નાના મોટા વિવાદો બાદ બંને ધંધામાં પોતપોતાનો ભાગ લઈને છૂટા પડી ગયા! બોલાચાલી એટલી વધી ગઈ હતી કે બંને એકબીજાનું    મોઢું જોવા પણ  તૈયાર નહોતા! બંને પરિવારો પણ જુદા પડી ગયા હતા. કિરણે એ જ શહેરમાં થોડે દૂર બીજું ઘર લઈ લીધું જેથી મનીષને મળવાનું ન થાય. વ્યવસાય પણ થોડો અલગ દિશામાં ફંટાવી નાખ્યો જેથી હરીફાઈ ન થાય!
  કાર ચલાવતા આજે તેને એ દિવસ પણ યાદ આવ્યો જ્યારે મનીષ તેના જન્મદિવસે ઘરે આવ્યો હતો અને કહ્યું હતું," આપણી વચ્ચે જે બની ગયું તે ભૂલી જઈને નવેસરથી શરૂઆત કરીએ. હવે આપણા વ્યવસાયો અલગ છે એથી કોઈ વિવાદ નહીં થાય આપણી મૈત્રીને કાયમ રાખીએ!"  પરંતુ, પોતે ગુસ્સામાં કહી દીધેલું," મને તારા જેવો મિત્ર નથી જોઈતો!" એ દિવસે મનીષ સડસડાટ એના પગથિયાં ઉતરી ગયેલો ત્યારથી આજ સુધી બંનેનો સંબંધ ફરી જોડાયો નહોતો!

    કિરણ હોસ્પિટલ પહોંચ્યો, મનીષ જીવન-મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો હતો. 'આઇ. સી.યુ'ની બહાર ઉભેલા કિરણની આંખોમાં આંસુ હતા! કિરણ બોલ્યો," મનીષ, માત્ર એકવાર તું આંખો ખોલ! મારે તારી સાથે વાત કરવી છે! માફી માંગવી છે! તને માફ કરી દેવો છે. બધું ભૂલીને તને ગળે લગાડી લેવો છે, ઉઠને મિત્ર!!"  અચાનક એની બાજુમાં ચાલતા 'કાડીઓગ્રામ' મશીને અવાજ કરવાનું બંધ કરી દીધું! મનીષના હૃદયના ધબકારા બંધ થઈ ગયા!!.. ..ડોક્ટરોએ અનેક કોશિશો કરી પણ તેનો શ્ર્વાસ પાછો ના લાવી શક્યા!!કિરણના હૃદયની વાતો એક અફસોસ બનીને એને હૃદયમાં ધરબાઈ ગઈ! સમય જતા એ દર્દ જખમ બની ગયું ને જીવનભર તેની સાથે જ રહ્યું.. એ જાણતો હતો મનીષને ફરી જીવન નહીં મળે અને એ ક્યારેય માફી નહીં માંગી શકે!!

વાચક મિત્રો, આ એક કાલ્પનિક વાર્તા છે ..પણ શું વાસ્તવિક જીવનમાં પણ આવું નથી બનતું! કોઈ જતું રહે અથવા જવાનું હોય ત્યારે એની સાથે કરેલો આપણો ખરાબ વ્યવ્હાર આપણને યાદ નથી આવતો ??
આપણા બધાના જીવન અનેક સંબંધોથી જોડાયેલા છે! સંબંધો બનતા પણ હોય છે અને તૂટતા પણ હોય છે! મોટેભાગે મતભેદ ગેરસમજ, ઈર્ષાભાવ, વાદ વિવાદ વગરે સંબંધો તૂટવાનું કારણ હોય છે. ક્યારેક સંબંધો સાવ તૂટી જાય છે, તો ક્યારેક નામ પૂરતા રહી જાય છે. મોટેભાગે બંને છેડેથી બાંધછોડ કરવાનો કે સમાધાન કરવાનો પ્રયત્ન થતો જ નથી! થાય છે તો પણ અહંકાર અને હું પણું વચમાં આવી જાય છે! સંબંધો ફરી જોડાઈ શકતા નથી! શું આવું આપણા જીવનમાં નથી બનતું!!સંબંધો તૂટવાનો ભાર જીવનભર એ બંને વ્યક્તિઓને અને તેમના પરિવારોને સહન કરવો પડે છે. ભાઈ-ભાઈ ,ભાઈ- બહેન, બે બહેનો, પતિ- પત્ની ,ખાસ મિત્રો કે સખીઓ.. આવા અનેક હર્યા ભર્યા સંબધો તૂટી જાય છે અને રહી જાય છે.. જીવનભરનો ભાર...!!
  શું જીવન ફરી મળવાનું છે? શું પ્રેમ લાગણી વિના જીવવું શક્ય છે? ના નહીં..તો પછી શા માટે આટલો અહંકાર લઈને ફરવું ? આપણા ધર્મ ગુરુઓ કહે છે ને," આપણે કશું સાથે લઈને આવ્યા નથી અને કશું સાથે લઈને જવાના પણ નથી! તો પછી શા માટે આ તારું ને આ મારું નો ભેદ કરવો?"

  તમે ભૂલ કરી એને હું ભૂલી જાઉં! મેં ભૂલ કરી એને તમે ભૂલી જાવ! માફી આપી દેવાથી કે માફી માંગી લેવાથી જો સંબંધો ફરી જોડાઈ જતાં હોય તો શું ખોટું છે?? શા માટે દુશ્મની લઈને પોતે ફરવું? પોતાના બાળકોને વેર આપીને જવું? સમાધાન અને સમજણથી જો જીવન ખુશીથી ફરી મહેકતું થઈ જતું હોય તો શું ખોટું છે!!
     નજીકના સંબંધો તૂટે છે ત્યારે એ તૂટેલા ટુકડાનો ભાર હૃદયમાં હોવા છતાંય બહાર હસતું મોં રાખીને જીવવું કેટલું કપરું હોય છે, એ આપણે ક્યાં નથી જાણતાં! હૃદયમાં એ વ્યક્તિ માટે રહેલો પ્રેમ ધૃણા બની નથી શકતો અને જો બની જાય છે તો એ હૃદયને કેટલું દર્દ આપી જાય છે તેનો અંદાજ પણ નથી કરી શકાતો! શા માટે આ દર્દને જીવનભર જીરવવું?? જીવન એને પણ ફરી નથી મળવાનું અને આપણને પણ ફરી નથી જ મળવાનું! વળી બધાનું જીવન અનેક અનિશ્ચિતતાથી ઘેરાયેલું છે! આજે છે, તો કદાચ કાલે નથી!! તો પછી, આજે જ પ્રેમથી જીવી લેવામાં શું ખોટું છે!!
   વાચક મિત્રો, જો મારી દલીલ સાચી લાગતી હોય તો.. ચાલો આપણે આ  એક સંકલ્પ લઈએ...
તૂટેલા સંબધોને ફરી એક મોકો આપીએ!
પોતાની ભૂલની માફી માંગી લઈએ અને બીજાની ભૂલને માફ કરી દઈએ! જે સંબંધો આજે પણ જોડાયેલા છે એને સમ્માન આપીએ. એમાં કયારેય મતભેદને અવકાશ ન આપીએ! થોડું જતું કરીયે થોડું ચલાવી લઈએ! એકબીજાની સાથે સ્નેહથી જીવી લઈએ! જીવન આજે છે ને કાલે ફરી  ન પણ હોય!!
    કોઈએ સાચું જ કહ્યું છે ..જિંદગી ના મિલેગી દોબારા ...ખરું ને!!
-તની

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...