ભાષનું કોકટેલ
આપણે જ્યુસ પીવા જઈએ ત્યારે
આખું મેનુ ચાર વાર વાંચી લીધું હોય તોય કયો જ્યુસ પીવો એની ખબર ન પડે ત્યારે આપણે
કોકટેલ મંગાવી લઈએ. એક તો ન ભાવતા ફળો ભાવતા ફળોના સ્વાદ સાથે ભેગા થઈ જાય એટલે
કામ ચાલી જાય! પાછું થોડું 'સ્ટાઈલીશ' પણ લાગે!
એવી જ રીતે આપણે ગુજરાતીઓ
ભાષાનું કોકેટેલ બનાવવામાં પણ માહિર! આપણે કોઈપણ ભાષા બોલીએ એમાં ગુજરાતી તો આવી જાય.
એમાં ખાસ કરીને હિન્દી ભાષા, જે ગુજરાતીને ઘણી મળતી આવે. એ નથી આવડતી એવું કોઈને ખબર ન
પડે અને થોડું 'સ્ટાઈલીશ' પણ લાગે એટલે આપણે એનું
કોકેટેલ તો બનાવી જ દઈએ.
આપણે એવું માની જ લઈએ કે
જેને ગુજરાતી નથી આવડતું એ પણ આપણી કોકટેલ ભાષા તો સમજી જ જશે! આપણી બનાવેલી નવી
ભાષામાં આપણા નિયમો, જે શબ્દ હિન્દીમાં ન
આવડે તે ગુજરાતીમાં બોલી દેવાનો! વ્યાકરણ, લિંગ વગેરેની ચિંતા નહીં કરવાની! આડેધડ બોલતા રહેવાનું! આ
બોલિવુડની ફિલ્મોની આપણા પર ઘણી અસર એટલે એમાં સાંભળેલા સંવાદોના જે શબ્દો યાદ રહી
ગયા હોય તે ગોઠવી દેવાના એટલે કામ પૂરું!! ચાલો, આજે તમને મારી સાથે બનેલા એવા કોકેટેલના કિસ્સાઓ
વિષે કહું ...
અમે નાના હતા ત્યારની વાત
છે, અમારે કશે બહાર જવાનું હોય
ત્યારે તૈયાર થતાં થતાં મારી મમ્મીની નજર દરવાજે લાગેલી હોય! એક ખાસ વ્યક્તિની રાહ
જોવાતી હોય .. શું સમજ્યા મારા પપ્પાની? ના રે! મજાલ છે એમની! કશે બહાર જવાનું હોય ને એ મોડા આવે! એ
ખાસ વ્યક્તિ એટલે નિર્મલા માસી, અમારા ઘરે કામ કરનાર બહેન! એમના ઘરમાં આવતા જ મમ્મી કહે, “ કાય નિર્મલા કેમ
મોડી આયી? કાલે કહા હતા ને કે અમને
બાહર જવાના હૈ! હુમકું મોડા હોતા હૈ તબ તુમ ઐસા કાયકો કરતાં હે!’ નિર્મળા માસી ચૂપચાપ કામે
લાગી જાય ને મમ્મી ઉતાવળે તૈયાર થવા લાગી જાય.
તૈયાર થતાં થતાં મમ્મી માસી
સાથે વાતો કરતી હતી,” મારા નણંદ કા દીકરા
વિદેશ ચલા ગયા. મારા નણંદ બહુ રોતા હૈ! ઉસકા ઘર પે ઉસકો મળને કો જાને કા હૈ!"
મમ્મીની આ કોકટેલ ભાષા સાંભળીને અમે છાનું છાનું હસી લઈએ. (દાંત કાઢીને હસવાની
અમારી કે પપ્પાની કોઈની તાકાત નહોતી!)
નિર્મળા માસી કોલ્હાપુરના
એટલે એમને મરાઠી સિવાય બીજું કઈ ના આવડે. થોડું ઘણું હિન્દી તો અહીં આવીને જેમ તેમ
સમજતા થયા હતા. ગુજરાતી તો એમને જરીક પણ ન સમજાય! મારી મમ્મી પાક્કી ગુજરાતણ!
મરાઠીનો 'મ' પણ ન આવડે. હિન્દી થોડુંઘણું
આવડે પણ બોલવાની ખાસ ફાવટ નહીં! પાછા એમાં ક્યાંકથી સાંભળેલા મરાઠી શબ્દો ઉમેરવાની
કોશીશ કરે એટલે ભાષાઓનું કોકટેલ પીરસાય અને સમય ઘરમાં ધીમા હાસ્યની છોળો ઉડતી રહે!
માસી કામ કરીને ગયા પછી
થોડીવારે અમે ચારેય તૈયાર થઈને બહાર જવા નીકળતા હતા ત્યાં જ પડોસી આંટી બીજા બે-
ત્રણ જણાને લઈને અમારા ઘરે ખરખરો કરવા આવી પહોંચ્યા. બોલ્યા," કોનો છોકરો ગુજરી
ગયો? બહુ ખોટું થયું! શું ઉંમર
હતી ? હમણાં નિર્મળા એ કહ્યું
ત્યારે ખબર પડી!" અમે તો ડઘાઈ જ ગયા! પછી સમજ પડી કે આ બધો મમ્મીની કોકટેલ
ભાષાએ સર્જેલો અનર્થ હતો. 'નંણદ કા લડકા વિદેશ
ચલા ગયા. નણંદ બહુત રોતા હૈ!' આમાં 'વિદેશ' શબ્દનો મતલબ નિર્મળામાસી સમજ્યા નહીં એટલે એનો છેદ ઉડાડી
નાખ્યો અને ચલા ગયા હૈ' એટલે દુનિયાથી
ચાલ્યો ગયો! આમ સમજીને નિર્મળા માસી એ અનર્થ કરી નાખ્યો હતો! અમે બધાને સત્ય
સમજાવીને ચા પીવડાવી ત્યાં સુધી તો આખી સોસાયટીમાં હો-હા થઈ ગઈ હતી!!
બીજો એક કિસ્સો કહું..
એક વાર અમારા ગામથી મારા 'કઝીન' મુંબઈ આવ્યા હતા. એ સમયે એક
ફિલ્મ આવેલી, 'ઇશ્ક'! એનો એક ડાયલોગ બહુ પ્રખ્યાત
થયેલો, 'ગલતી સે મિસટેક હો
ગયા!' મારા 'કઝીન' ને લઈને અમે ઇશ્ક ફિલ્મ
જોવા ગયેલા. ફિલ્મ પૂરી થઈ પછી 'ઇરોસ' થિયેટર પાસેથી ઘરે જવા માટે બસમાં ચડ્યા. ગિરદી ને લીધે અમે
બે જણા આગળથી બસમાં ચડયા અને બીજા ત્રણ પાછળથી! ફિલ્મની વાતોમાં અને હસવામાં
અમારું ઊતરવાનું 'સ્ટોપ' ક્યાં આવી ગયું ખબર ના પડી.
અમે વાતો કરતાં ઉતરી પડ્યા. સામે ટી .સી. ભાઈ ઉભેલા! વાતોમાં અમે ટિકિટ કઢાવી જ
નહોતી એનું જ્ઞાન અમને ત્યારે જ થયું!! ટી.સી એ દરેક પાસે ત્રણસો રૂપિયાનો દંડ
માંગ્યો. બધાના મોતિયા મરી
ગયા!
મારો એક ભાઈ થોડો દોઢ-ડાયો!
સ્ટાઈલ મારતાં બોલ્યો," કાયકું ત્રણસો
રૂપિયા! ઈતના રૂપિયા હમારા પાસે કયાંથી આયેગા?" એ સાંભળીને ટી .સી ભાઈ ભડક્યા," એક તો ગલતી કરતાં હૈ
ફીર ગુસ્સા કરતા હૈ ઔર પૈસા ભી નહીં હૈ?"
હવે તો માફી માંગીને વાત
પતાવવી જરૂરી હતી એટલે મારી દીદીએ હસ્તક્ષેપ કર્યો એ પણ હજી જોયેલી ફિલ્મના નશામાં
જ હતી બોલી,’ સાબ, ગલતી કે મિસટેક હો ગયા! વી ઐસા હુવા થા ની
કે આપણ લોગ વાતો મે લાગ્યા તા! હમરા દો ભાઈ આગળ સે ચડા થા તો હમકો લગા વો ટિકિટ
લીધા હૈ, ઉસકો લગા હું ટિકિટ લીધા હૈ, ઈસમે ગરબડ થઈ ગયા! કિસીને
ટિકટ નથી લિયા. હમકો હમણાં જ માલૂમ પડા! દનસીબે ટી. .સી ભાઈ ગુજરાતી સમજતા હતા. આ
કોકટેલ ભાષા સાંભળીને એ
ખડખડાટ હસી પડ્યા ને બોલ્યા," આપ લોગો ને સ્કૂલ મે હિન્દી નહીં શીખા? ઐસે હિન્દી બોલતે હૈ ક્યાં ?" મેં કહ્યું," સોરી સર! યે સબ કલ
હી બહારગાવ સે આયે હૈ. વો આપ કે ડર કી વજહ સે ઐસા બોલ ગયે!"
એ દિવસે ટી.સી. ભાઈને અમારી આંખોમાં સચ્ચાઈ દેખાઈ હતી કે પેલી કોકટેલ ભાષાએ પીરસેલા હાસ્યનો અસર હતો, કોણ જાણે!પરંતુ, તેમણે અમને 'વોરનીંગ' આપીને છોડી દીધા!! આમ એ દિવસે કોકટેલે અમારા પંદરસો રૂપિયા બચાવી આપેલા!!
વાચક મિત્રો, જો તમે પણ
આ બધુ વાંચીને ટિકિટ ન લેવાનું વિચારતા હોય તો ચેતી જજો!' કુછ ટી.સી ભાઈ ને કોકટેલ
નહીં પણ ભાવતા હોય!' (લ્યો, હું પણ કેવું લખવા લાગી!!)
આવું બધું તો ચાલ્યા જ કરે!
ભારત જેવો વિશાળ દેશ! જેમાં અનેક ભાષાઓ બોલાય અને એકલી રાષ્ટ્ર ભાષા હિન્દી! એને
તો કોકટેલ માં ભેગા થવું જ પડે!
બડે બડે દેશો મેં છોટી છોટી
બાતે હોતી રહેતી હે,જો ગમતા હૈ વો કરને કા! બાકી બધું ભૂલ જાને
કા!! ક્યા બોલતા તુમ??
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો