નેવું ના દાયકાનો ટેલિફોન

 


 'ટ્રીન .ટ્રીન' અવાજ કોઈના ઘરમાં સંભળાતો અને બધાના કાન ઊંચા થઇ જતા. પેલો કાળા રંગનો ટેલિફોન યાદ છે?? ..હા, નેવુંના દાયકાના બધાને એની ઘંટડી યાદ હશે. સમયમાં આસપડોસમાં એકાદ બે ઘરોમાં આવા ફોન હતાં. જેના ઘરમાં ફોન હોય તેમને સાધન સંપન્ન માનવામાં આવતા

તે વ્યક્તિ ફોન ઉપાડીને હાક મારે ,"તમારો ફોન છે, રીનાબેન."

 " આવી!" કહેતો રીનાબેનનો અવાજ ના સાંભળાય ત્યાં તો બીજા બે ત્રણ ઉત્સાહી પડોસી રીનાબેનને બોલાવાય દોડી જતાં. ફોન પર વાત કરવી સૌભાગ્ય ગણાતું. સામેથી પરિચિત વ્યક્તિનો અવાજ આવે ત્યારે, એમને મળી લીધા કરતાં વધુ ખુશી થતી. ફોન પૂરો થયા બાદ થોડી ઘણી વાત કરી, ફોન માલિકનો આભાર માનીને જયારે ઘર તરફ જતા ત્યારે તો વટ પડી જતો. અનેક આંખો આપણી સામે માનથી જોતી. તો અમુકની આંખોમા 'કોનો ફોન હતો'? એવો પ્રશ્નાર્થ પણ રહેતો. ફોન માલિકના પરિવાર સાથે સારા સબંધો રાખવા પડતાં. ઘરે બનાવેલી સારી વાનગી એમને ત્યાં જઈને ઢાંકી આવતાં. રસ્તે મળે તો એમનું અભિવાદન પહેલાં કરવું પડતું. એમના સોંપેલા કામ જેવા કે દૂધ ,શાકભાજી લાવી આપવા, વગેરે કરી આપવા પડતાં. રખે ને, બીજીવાર આપણો ફોન આવે ત્યારે ના બોલાવે તો!!

 

ઘરની મહિલાનું તો શેરીમાં રાજ ચાલતું! બધાના ઘરના સમાચાર એમની પાસેથી મળી જતાં. તેમને શેરીનું સમાચાર પત્ર કેહવાતું. ઘરની વાતો જાહેર થઇ જાય નહિ બીકે એમને નાસ્તા ત્થા ચા ની લાંચ આપવામાં આવતી.

 

  ફોન પર વાત કરવાની એટલી મજા આવતી કે ના પૂછો!! ઘણીવાર બહુ લાંબા સમય સુધી ઘંટડી ના વાગે તો 'રીસીવર' ઉઠાવીને ચેક કરી લેતાં ક્યાંક ફોન બગડી તો નથી ગયો ને !.. ફોનનું ડાયલ ઘુમાવીને નંબર જોડતાં. સામેથી ફોન ઉપાડાય ત્યાં સુધીમાં શું વાત કરીશું... નક્કી કરી લેતાં. સામેની વ્યક્તિના અવાજથી તેમની કુશળતાની ખાતરી થઇ જતી. એકબીજાને જોયા વિના મનની વાતો થોડાક શબ્દોમાં થઇ જતી. એવો હતો ફોન નો પ્રભાવ!! જયારે, આજે 'વિડિઓ કોલ' માં પણ મનના ભાવોને છુપાવવાની કળા આપણે આત્મસાત કરી લીધી છે!!એકબીજાની સામે હોવા છતાંય હૃદયથી દૂર હોવાની પ્રતીતિ કયારેક થઇ જાય છે!! અરે, હું તો વર્તમાનમાં આવી ગઈ, આપણે હતા ૯૦ ના ફોન પર ....

 

  સમયમાં સંપર્કના માધ્યમોમાં પત્ર એટલા પ્રચલિત હતાં. પરંતુ, ફોન પર વાત કરવાની મજા અલગ હતી. જેઓ શબ્દોમા લખીને પત્રોમાં હૃદય ઠાલવી નહોતા શકતાં તેઓ ફોનથી હૃદયની વાતો કરી શકતાં. STD અને ISD ફોનની મજા તો અલગ હતી. નાનકડી કેબિનમાં દૂર રહેતા સ્વજનો સાથે બિલનું 'મીટર' જોતાં ગણેલી વાતો કરી લેવાનો આનંદ અલગ હતો. ફોનની નાનકડી કેબીને કેટલાય ખુશીના આંસુ તો કેટલાય વિરહના અને કેટલાય દુ:ખોના આંસુ જોયા હશે!! બહાર લાઈનમાં ઉભેલી વ્યક્તિ કેબિનનો દરવાજો ઠોકે એટલે આંસુને છુપાવી વાત જલદી પૂરી કરી, એક્દમ સ્વસ્થ બનીને બહાર આવતાં. સ્વજનનની સાથે ફોન પર થયેલી વાતોને મમળાવતા રહેતાં. એના વિરહનું દુઃખ ઘણું ઓછું થઇ જતું! હવે પાછો કયારે ફોન આવશે એની રાહમાં બાકીના દિવસો આનંદથી પસાર થઇ જતાં.

 

  સમયના 'પ્રેમીઓ' STD અને PCO ના મલિક માટે તગડો ગ્રાહક ગણાતાં. તેમને કલાકો સુધી વાતો કરવાની છૂટ અપાતી. સાથે કેબિનમાં ચા પણ પહોંચાડવામાં આવતી. આપણામાંથી જેની સગાઇ ગાળામાં થઇ હશે તેને યાદ હશે કેટલાય કલાકો ફોનને લઈને ઉભા રહેતાં,પણ કયારેય થાક નહોતો લાગતો. ગુસપુસ કરીને કરેલી મીઠી વાતો હજીયે પ્રેમનું સંભારણું બનીને આપણા હૃદયમાં અંકિત છે.

 

 આજે ઘરના દરેક વ્યક્તિ પાસે પોતાનો ફોન છે. દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા વ્યક્તિ સાથે તુરંત સંપર્ક કરી શકાય છે. તોયે સામાજિક માધ્યમથી થતી 'ચેટ' પત્રોની જગ્યા કયાં લઈ શકી છે?? મેસેજ મારફત થતી વાતોમાં પહેલાં જેવી ઘનિષ્ઠતા કયાં રહી છે!! શુભેચ્છાના 'કોપી પેસ્ટ' કરેલા સંદેશામાં અને ટિપ્પણીઓમાં કશુંક ખૂટતું હોય એવું નથી લાગતું તમને...!!

 

-તની.

 


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...