મારી મમ્મી ની સાડી.....

 

મારી મમ્મી અને સાડી બંને એકબીજાના પૂરક .  મમ્મી હંમેશ સાડી જ પહેરતી . મેં એને ક્યારેય કોઈ બીજા પરિવેશમાં નથી જોઈ.  ઘરની સાડી, બહારની સાડી , લગ્નપ્રસંગની સાડી, પૂજાની સાડી એમ અલગ પ્રકારની સાડી ....એના કબાટમાં માત્ર સાડી જ હોય. લાલ,પીળી , લીલી, મરુન, જાંબુડી એવી રંગબેરંગી સાડી મારી  મમ્મીને ખૂબ ગમતી. એમાં બાંધણી તો એને ખૂબ પ્રિય હતી. લાલ રંગની એની બાંધણી મને પણ બહુ ગમતી. ઘર-ઘર રમતાં મારી ઢીંગલીના લગ્નમાં હું એજ બાંધણી પહેરીને મારી ઢીંગલીને વિદાય કરતી.. પણ ,જેવો મમ્મીના આવવાનો સમય થાય એટલે જલદી ઘડી કરી પાછી કબાટમાં મૂકી દેતી .  બીજે દિવસે જયારે એ કબાટ ખોલતી ત્યારે અસ્તવ્યસ્ત મુકેલી સાડી જોઈ કેહતી, "તની, પાછી મારી સાડી લીધેલી ? " હું પકડાઈ જતી . પછી એ હસીને કેહતી ," આ મારી ખાસ સાડી  છે એ ના લેતી હવે, બીજી કોઈપણ લેજે .." હું હા કહીને  એની ગોદમાં લપાઈ જતી .

એક દિવસ એના કબાટમાંથી બધીય રંગબેરંગી સાડીઓ ગાયબ થઇ ગઈ . ..ત્યાં સફેદ, ગુલાબી, કથ્થઈ ,આસમાની સાડીઓ આવી ગઈ. મારા પપ્પાએ અમને મમ્મીના ખોળે મૂકી આ દુનિયાથી વિદાય લીધી. હવે એ ખાસ તૈયાર પણ ન થતી. ઘર ચલાવાવની ચિંતા  અને અમારા પાલનપોષણની જવાબદારીમાં  એ વ્યસ્ત થઈ ગઈ. અમને પપ્પાની યાદ ના આવી જાય એટલે, ક્યારેક એકલી હોય ત્યારે રડી લેતી. અમે અચાનક આવી ચડતાં ત્યારે,

સાડીના પાલવથી આંસુ લૂછીને પાછી કામમાં પરોવાઈ જતી. એનો ભીનો પાલવ બધી સચ્ચાઈ બ્યાન કરી દેતો.

હું ક્યારેક શિક્ષકદિન કે 'સારી ડે' પર એની  સાડી પહેરવા માંગતી ત્યારે કહેતી," મારી સાડીઓ સાવ સાદી છે, રંગીન નથી. તું લાલ, લીલી નવી સાડી ખરીદી લે ." પછી મને પરાણે નવી સાડી  આપાવતી.

હું એકવાર મમ્મીના જન્મદિવસે જાંબુડી રંગની બાંધણી  લઈ આવી તો એ બોલી," ના દીકરા, હવે આવી સાડી મારાથી ના પહેરાય ".પછી હું જીદ કરી કેહતી ," તું નહિ પેહરે તો હું પણ નહિ પહેરું નવી રંગીન સાડી "...ને હું રિસાય જતી ... આખરે એણે  પેહરી લીધી .

મારી ભાભીના આવ્યા બાદ અમારું ઘર ફરી ખુશીઓથી ભરાઈ ગયું . હવે મમ્મી ભાભીને રંગીન સાડીઓ પહેરેલી જોઈ પોતાના દુઃખ ભૂલી જતી. ભાભી પણ નવા જમાનાની હતી. પોતાની બધી સાડીઓના  બે  બ્લાઉઝ  સીવડાવતી. એક પોતાનું અને  બીજું મમ્મીનું પોતાની બધી સાડીઓ જીદ કરી મમ્મીને પહેરાવતી. હવે ભાભીની જીદથી એ રંગીન સાડી પહેરતી થઈ.

મને આમ પણ સાડી પહેરવી ઓછી ગમતી ને લગ્નબાદ મારા ઘરના કોઈએ પણ મને સાડી પહેરવા આગ્રહ નહિ કરેલો. એટલેહું આધુનિક પોશાક જ પહેરતી. કયારેક પ્રસંગે જ સાડી પહેરતી.  મમ્મી કહેતી," મારી સાડી પહેરને ,હવે મારી પાસે રંગીન સાડી છે. " પછી પોતાની નવી સાડી મને પહેરાવતી.  ભાભીની અને મમ્મીની સાડી પહેરવામાં મને વધુ આનંદ  મળતો.

મારી લાવેલી જાંબુડી બાંધણી મમ્મીની ખુબ પ્રિય. બધે પ્રસંગમાં જાય તો એ જ પહેરતી, હું કહેતી મમ્મી આ તારો યુનિફોર્મ બની ગયો છે. એક દિવસ એ સાડી ફાટી ગઈ ત્યારે ,ભાભીએ એવી જ બીજી સાડી ખરીદીને  મમ્મીના કબાટમાં મૂકી દીધી.   જયારે મમ્મી વ્રજ યાત્રામાં ગઈ ત્યારે એ સાડી  સાથે લઇને ગઈ. યમુનાજળમાં પવિત્ર કરી  પૂજામાં પણ એ જ સાડી  પેહરી .

જાણેવ્રજયાત્રા માટે જ જીવતી હોય તેમ ત્યાંથી પાછા ફર્યાના થોડા જ મહિનામાં એ કાયમ માટે વૈકુંઠધામ સીધાવી ગઈ. મમ્મીની સ્મૃતિ રૂપે એ સાડી પહેરીને   હંમેશાં હું મારા જન્મ દિવસે, નવા વર્ષે પૂજા કરું ત્યારે મમ્મીનું સાનિધ્ય અને એના આશીર્વાદ અનુભવી શકું છું.

મારા માટે મારી મમ્મીની સાડી એની યાદોનો ખજાનો, એના સ્પર્શની અનુભૂતિ અને એના સાનિધ્યનો અહેસાસ છે.

-તની.

 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...