એક દિવસના મહેમાન
એ દિવસ મુંબઈ માટે
ગોઝારો દિવસ હતો! ૧૨ મી માર્ચ ૧૯૯૩ ના દિવસે મુંબઈમાં ૧૨ શ્રેણીબદ્ધ બોમ્બધડાકા
થયા હતા. 'સ્ટોક-
એક્સચેન્જ', 'ઝવેરી
બઝાર', મહત્વની
ઑફીસો, હોટેલો
અને બસો કશું બાકાત નહોતું!! દરેક 'મુંબઈકર'
ફફડી ઉઠ્યો હતો!
હજારો ઘાયલ થયા હતા અને સેંકડો મૃત્યુને શરણ થયેલા!! એ કારમો દિવસ મુંબઈકર ક્યારેય
નહીં ભૂલી શકે!!
એ દિવસે બધા સવારે
પોતપોતના કામ- ધંધે નીકળી ચૂક્યા હતા. બપોરથી આ ધમાકા શરૂ થયાં. અનેક જગ્યાએથી આવા
સમાચારો આવી રહ્યા હતા. બધાને જયાં હોય ત્યાં રહેવાની તાકીદ કરવામાં આવી હતી!
કોઈને પણ ઑફીસના મકાનો કે બસ ટ્રેઈન, માર્કેટ સુરક્ષિત લાગતા નહોતા. બધા ઘરે અથવા તો કોઈ સુરક્ષિત
જગ્યાએ પહોંચવાની ઉતાવળમાં હતા!!
એ
સમયે અમે મુંબઈના સૌથી ભરચક વિસ્તાર ભુલેશ્વરમાં રહેતા. જ્યાંથી ઝવેરી બઝાર,
કાપડ બઝાર, 'ડાયમન્ડ માર્કેટ', અને મોટી ઑફિસોના વિસ્તાર નજીક પડતા.
ચાલીને બધે થી પહોંચી શકાય! મારો ભાઈ ઝવેરી બઝારમાં કામ કરતો એ તરત ઘરે આવી ગયો. થોડીવારમાં અમારા
થોડાક મિત્રો અને સંબંધીઓ જેઓ ચાલીને અમારા ઘરે પહોંચી શકે એમ હતા તેઓ પોતાની
કામની જગ્યાએથી નીકળીને અમારા ઘરે આવી પહોંચ્યા. એમને પણ અમારું ઘર નજીક અને
સુરક્ષિત લાગ્યું હતું.
ત્યારે
હું , મમ્મી અને ભાઈ એમ
ત્રણ જણા ઘરમાં હતા અને આવનાર મહેમાનો સાત! અહીંની પરિસ્થિતિ જોઈને થોડાક ખચકાયા
અને કહ્યું," થોડી
વાર અહીંયા બેસીએ! બધું બરાબર થાય એમ ઘર ભેગા થઈ જશું!!"
અમે કહ્યું,"
થોડીવાર શું! આ
તમારું જ ઘર છે. આવા સમયે પોતાના ઘરે ના જઇયે તો ક્યાં જઈશું!! તમારા મિત્રો પણ જો
કોઈ ફસાયા હોય તો એમને પણ અહીં બોલાવી લો!" અમારા શબ્દોથી તેમનો સંકોચ દૂર
થયો હોય એવું લાગ્યું. બધાએ પોતપોતાના ઘરે ફોન કરી કુશળતાના સમાચાર પણ આપી દીધા
સાથે અમુકે પોતના મિત્રોને પણ બોલાવી લીધા. આમ અમારા ઘરમાં એ દિવસે અમારી સાથે
પંદર જણા થયા!!
ગરમ
ચા સાથે થોડીક વાતો કરવાથી બધાની ચિંતાનો ભાર પણ ઓછો થયો. પરંતુ, અમારા ત્રણેની ચિંતા આસમાને પહોંચી.
ઈશ્વર કૃપાથી અમારું ઘર તો મોટું હતું. ચિંતા એ વાતની હતી કે આટલા બધા મહેમાનોને
સાચવવા કેમ! એ પણ અણધાર્યા!! મેં અને મમ્મીએ રસોડું સંભાળ્યું અને ભાઈએ બધાને
બધાને એકબીજાની ઓળખાણ કરાવીને થોડા હળવા કર્યા.
એ સમયે સરકારે પણ
સમાચારો મારફત બધાને જ્યાં છે ત્યાં રહેવાની સૂચના આપી હતી. એમના પરિવારે પણ તેમને
અમારા ઘરે રોકાઈ જવા કહ્યું હતું. મમ્મીએ બધાને સમજાવીને એ રાત અમારા ઘરે જ રોકી
લીધા.
આવનાર મહેમાનમાં બે
મારા 'કઝિન' ભાઈઓ હતા. જેઓ તરત અમારી મદદે આવી ગયા.
શાકભાજી, ફળો
અને બીજી જરૂરી ચીજો લેવા તરત દોડ્યા. જો કે બજારે જતાં ફફડાટ થોડો ગભરાટ તો થયો
હતો પણ તેઓ જે મળ્યું તે લઈ આવ્યા!! આટલા લોકોને જમાડવા માટે માળીયા પરથી વાસણો ઉતારવાનું
કામ મારા જીજાજી અને તેમના મિત્ર એ લઈ લીધું.
મેં અને મમ્મીએ
જલ્દીથી થેપલા, શાક,
કઢી-ભાત બનાવી
નાખ્યા. અમુક મહેમાનો પહેલી વાર ઘરે આવ્યા હતા. એથી મમ્મીએ તરત શીરો પણ શેકી
નાખ્યો. ભાઈએ બધાને આગ્રહ કરીને જમાડ્યા. મારી મમ્મીના હાથની રસોઈ બધાને ભાવી. એટલે
બધા પ્રેમથી જમ્યા. હવે લગભગ બધાનો સંકોચ દૂર થયો હતો. જમ્યા પછી કલાકો સુધી અલકમલકની વાતો
ચાલી. થોડા કલાકોમાં બધા એકબીજા સાથે એવા હળીમળી ગયા જાણે વર્ષોથી ઓળખતા ન હોય!!
પેલો ડર અને ફફડાટ થોડીક વાર વિસરાઈ ગયો!!
ખરી
વિમાસણ સૂવાના સમયે થઈ! આટલા બધા ગાદલા, ચાદરો અને તકિયાની વ્યવસ્થા કરતી વખતે થોડા ખૂટયા. આવનાર
મહેમાનોએ અડધી ચાદર અને અડધો તકિયો પણ ચલાવી લીધો! એ રાતે અમે ત્રણેય ચટાઈ પર પણ
ઘસઘસાટ સૂઈ ગયા હતાં! બીજે દિવસે વહેલી સવારે દૂધ,બ્રેડ વગેરે વગર કહ્યે ઘરમાં હાજર થઇ
ગયા. મહેમાનો પણ પોતાનું ઘર સમજીને અમારી મદદે લાગી ગયા હતાં! નાહવા- ધોવાના સમયે
મુંબઈની ચાલીઓમાં થતી ધમાલ પણ અમારા ઘરમાં એ દિવસે જોવા મળી હતી. સવારે મુંબઈ ફરી
એ જ જોશથી દોડતું થયું હતું. કોઈને કામ પર રજા નહોતી. બધા અહીંથી કામ પર જવા
નીકળવાના હતાં. એથી ગરમ નાસ્તો અને ચા-પાણીની સાથે વચ્ચે મમ્મીએ બધાના ટીફીન માટે
શાક, રોટલી પણ બનાવી
નાખ્યા.
બધા હસતાં-હસતાં
ઘરેથી નીકળ્યા!! જતી વખતે બોલ્યા," આજે સાંજે પણ અહીં જ આવી જઈશું! બૉમ્બ બ્લાસ્ટ થાય કે ન થાય.
મજા પડી અહીં!!" એ શબ્દોથી અમને ખુબ ખુશી થઈ લાગ્યું કે અમારી મહેમાનગતી એમને
પસંદ પડી હતી.
એક દિવસના મહેમાનોની
વિદાય પછી સૂના પડેલા ઘરને સમેટતા અમને બે દિવસ લાગ્યા. પરંતુ, એમાંના દરેકના પરિવાર સાથે વર્ષોના
સંબંધ બંધાઈ ગયા! એ પછી તેઓ અનેકવાર અમારા ઘરના અને અમે તેમના ઘરના મહેમાન બન્યા!
વારે- તહેવારે એકબીજાના ઘરે અવર- જવર થતી રહે છે. બધાની સાથે બંધાયેલા લાગણીના એ
સંબંધો વર્ષોના વર્ષો સુધી અકબંધ રહ્યા છે!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો