ચપ્પુ નો ઘા...
ઉતાવળ અને મનનો ઉદ્વેગ ઘણીવાર આપણા કામ પર અવળી અસર કરે છે, એ આપણે બધાએ અનુભવ્યું જ હશે! એવા સમયે કામ કરતા આપણે કશીક ભૂલ કરી જ બેસીએ છીએ. નકારાત્મક વિચારોની કંટાળી વાડ મનમાં ઉદ્વેગ સર્જે છે! આ વાડને જેટલી જલ્દી કાપી નાખીયે એટલું જ સારું છે, નહીં તો એ મનને સાવ પાંગળું કરી મૂકે છે!! મારા જીવનમાં પણ આવો એક સમય આવ્યો હતો. આજે એ વિષે થોડું વિસ્તારથી જણાવું...
માતા
બન્યા પછી મારી જવાબદારીઓ અનેકગણી વધી ગઈ હતી. બંને બાળકો વચ્ચે માત્ર અઢી વર્ષનું
અંતર! બંને નાના હતા એ સમયે કામ ઘણું જ પહોંચતું. મોહિતનું કામ પણ ત્યારે નવું જ
હતું એથી એ પણ સતત વ્યસ્ત રહેતો. ઘરમાં મને મદદ કરી નહોતો શકતો. હું પણ કામ કરતી
સાથે ઘર અને બાળકો પણ સાચવવાના જવાબદારી બેવડી હતી. એવા દિવસોમાં મન બહુ ઉદ્વિગ્ન
રહેતું. ધીરે ધીરે બાળકો મોટા થઇ રહ્યા હતા, જવાબદારીઓ ઘટવાને બદલે વધતી જતી હતી! ઘરકામ
કરતાં મનમાં ઊંડે આશા રાખતી કે બાળકો અને મોહિત મને ક્યાંક કોઈ કામમાં મદદ કરે કે
મારા કામ વિષે પ્રશંસાના બે શબ્દો કહે પણ એવું ખાસ ન બનતું!
ધીરે ધીરે મને એવું લાગવા માંડ્યું હતું કે હું દિવસ - રાત કામ કરું છું તોય કોઈને મારી પડી જ નથી! બધાને પોતાનામાં જ રહેવું છે. આખો દિવસ હું બધાની દરેક ચીજો અને જરૂરિયાતનું ધ્યાન રાખું છું પણ કોઈ મારું ધ્યાન નથી રાખતું વગેરે... નકારાત્મક વિચારોની વાડ મારા મનમાં બેધ્યાન પણે પકડ જમાવી ચુકી હતી!
એ દિવસે રવિવાર હતો. બપોરે જમીને બધા સુઈ ગયા ત્યારે હું માર્કેટ ગઈ. ફળો, શાકભાજી ને ઘરની ચીજો લેવાની હતી. સખ્ત ગરમી ને વળી માર્કેટમાં મોટી લાઈન! ઘરે આવતા ધાર્યા કરતા થોડું મોડું થયું . હું થાકી ગઈ હતી. આવીને જોયું તો બાળકોએ ડ્રોઈંગ-રૂમને ખેદાનમેદાન કરી મુકેલો. ચિપ્સ અને બિસ્કિટના પેકેટો, જયુસના બોક્સ, રમકડાં અને પુસ્તકો વેરવિખેર પડ્યા હતા. મોહિત ક્રિકેટ મેચ જોવામાં વ્યસ્ત હતો. હું આવી કોઈએ મારી તરફ પણ ના જોયું. બધા પોતાનામાં વ્યસ્ત હતાં. મારા મનનો ઉદ્વેગ હવે ચરમસીમાએ પહોંચ્યો હતો!!
બહારના રૂમમાં બધું
એમ જ રહેવા દઈને હું રસોડામાં ગઈ. સાંજની રસોઈ બાકી હતી. કોફીનો એક કપ મનને શાતા
આપશે. એવું વિચારી કોફીનું દૂધ મૂકીને કામે વળગી. વેજીટેબલ પુલાવ અને કઢી બનાવી
દઉં, વિચારીને મેં
શાક્ભાજી કાઢ્યા. ' ચોપિંગ-બોર્ડ
' અને ચપ્પુ
લઈને ઉતાવળે શાક
સમારવા લાગી. મનમાં નકારાત્મક વિચારોનો વંટોળ ઉઠ્યો હતો. કોઈને મારી કયાં પડી છે!
હું થાકીને આવી કોઈએ પાણીનો ગ્લાસ પણ પૂછ્યો! પાણી શું હાથમાંથી સામાન લેવા પણ કોઈ
ના આવ્યું! શું ઘરના બધા કામ મારે જ કરવાના! મનેય રજાના દિવસ આરામ જોઈએ ને!!
આવા વિચારો કરતા ચાકુની ધારની નજીક ગાજર ને બદલે મારી આંગળી કયારે આવી ગઈ તેનો ખ્યાલ ના રહયો ને મારી આંગળી પર ઘા થયો! લોહીની ધાર આખા ચોપિંગ બોર્ડ પર રેલાઈ ગઈ. એ જ સમયે કોફી માટે મુકેલા દૂધે ઉભરાઈને તપેલી બહાર કૂદકો માર્યો. બંને વસ્તુ સાથે જ બની ત્યારે મારા મોઢામાંથી એક ચીસ નીકળી, " ઓ મા..રે મરી ગઈ...!! "
મારો અવાજ એટલો મોટો
પણ નહોતો કે બહાર ટી.વી ચાલુ હતું તો પણ સાંભળી શકાય! એમ છતાંય ગણતરીની સેકંડોમાં ત્રણેય
રસોડામાં દોડી આવ્યા. મને શું થયું છે એ જોવા ત્રણેય મારી આસપાસ વીંટાળાઈ ગયા.
દિવ્ય ' ફર્સ્ટ
એઇડ બોક્સ ' લેવા
દોડ્યો. મોહિતે મને ' ચેર
' પર બેસાડી જલ્દીથી
હળદર લઈને મારા ઘા પર દાબી. દિવ્યા મારા માથે પ્રેમથી હાથ ફેરવવા લાગી. ત્રણેયે
મળીને મારી આંગળીનું ડ્રેસિંગ કર્યું!
જરાક નાનકડો ઘા હતો પરંતુ ત્રણેને મારી આ રીતે સુશ્રુષા અને કાળજી કરતાં જોઈને મારી આંખોમાંથી અશ્રુ સરી પડ્યા! દિવ્ય પાણી લઇ આવ્યો ને બોલ્યો, " રડ નહીં હમણાં સારું થઇ જશે!" મોહિતે ડ્રેસિંગ કરીને મને ફરીથી કોફી બનાવી આપી. દિવ્યા મારો હાથ પકડીને મને બહાર લઇ ગઈ! પંખો ચાલુ કરીને બેસાડી! ત્રણે બોલ્યા, " હવે રસોડામાં નથી આવવાનું! આખો દિવસ કામ, કામ ને કામ! પોતાનું ધ્યાન જ નથી રાખતી!" ત્રણેયે મળીને રસોડાની સફાઈ કરી અને ડ્રોઈંગ રૂમ પણ સાફ કર્યો. મોહિતે પુલાવ પણ બનાવ્યો. કોઈએ મને રસોડામાં જવા જ ના દીધી. મેચ ચાલુ હતી તોય મોહિતે ટી.વી નું રિમોટ મારા હાથમાં આપીને કહ્યું, " શાંતિથી બેસ અહીં અમે બધું કરી લેશું! "
ટી.વી. જોતા કોફીની ' સીપ ' લેતા મેં વિચાર્યું, " આ બધાને મારી કેટલી પરવા છે, આટલો નાનો ઘા થયો તેમાં તો બધાંને કેટલી ચિંતા થઈ ગઈ! હું કેટલું ખોટું વિચારતી હતી. મારો પરિવાર મને કેટલો પ્રેમ કરે છે!! મારી આંખમાંથી પસ્તાવાના આંસુ વહી રહ્યા!! એ દિવસે ચાકુના એક ઘા એ મારા મનમાં ઉગેલી નકારાત્મક વિચારોની કાંટાળી વાડને જડમૂળથી કાપી નાખી!!
-તની
Mast
જવાબ આપોકાઢી નાખોthank you
કાઢી નાખો