ઈર્ષ્યાની કંટાળી વાડ

 

એ દિવસે મારી ખાસ સખી સાથે મારી અડધો કલાકથી ફોન પર વાત ચાલતી હતી ત્યાં એ અચાનક બોલી, " મારા દીકરાનો કોલેજથી આવવાનો સમય થઈ ગયો છે, એના માટે નાસ્તો બનાવવો છે, ચાલ મૂકું!! " ત્યારે મને એની ઈર્ષ્યા થઈ આવી, શું નસીબદાર છે ને એ! એનો દીકરો કોલેજમાં આવ્યો તો પણ એની સાથે છે! ને મારા બાળકો જરીક મોટા થયા ત્યાં તો વિદેશ ભણવા ચાલ્યા ગયા! એ રોજ નવી નવી વાનગીઓ બનાવતી હશે, પાસ્તા, પીઝા કે પાણીપુરી! ને મારા ઘરમાં એ જ સાદું સીધું ભોજન શાક, ભાખરી કે મૂઠિયાં! એના ઘરમાં નવી ફીલ્મોના ગીતોનો અવાજ ગૂંજતો હશે! ને મારા ઘરમાં સાવ શાંતિ!

આવા અનેક વિચારો કરીને હું ઉદાસ થઈ જતી. એ સખી માટે મનમાં જન્મેલી જરીક ઈર્ષ્યા હવે વધવા લાગી હતી. ઇર્ષ્યા એ સંબંધોની વાડીમાં ઊગતી કાંટાળી વાડ જેવી છે, અચાનક એટલી ઉગી નીકળે કે ખબર જ ન પડે! મારી સખી સાથે જ્યારે વાતો થતી ત્યારે મને એવું જ લાગતું કે એ જાણી જોઈને તેના દીકરાની વાતો કરીને મને વધારે ને વધારે દુ:ખી કરવા માંગે છે! એ સ્વાભાવિક રીતે એના ઘરનું ' રૂટિન ' વર્ણવતી હોય કે પછી એના દીકરાએ એને જન્મદિવસે આપેલી કોઈ ' સરપ્રાઈઝ ' ની વાત કરતી હોય ત્યારે મને એવું જ લાગે કે મને દુઃખ પહોંચાડવા જ આવું બોલી રહી છે.

ક્યારેક હું બહાર જવાનો પ્રોગ્રામ બનાવું ત્યારે એ કહે, " તું તો નવરી છે! ક્યારે પણ પ્રોગ્રામ ગોઠવી દે! હમણાં મને નહીં ફાવે, મારા દીકરાની પરીક્ષા ચાલે છે!! " ત્યારે હું એના પર વધુ નારાજ થઈ જતી, ' જોઈ મોટી પરીક્ષા વાળી! બે કલાકમાં શું થઈ જવાનું! જાણે પોતે પરીક્ષા આપવા જવાની હોય! '

ધીરે ધીરે મારી ઈર્ષ્યા નફરતમાં બદલાતી ગઈ! હવે હું એની સાથે વાત કરવાનું લગભગ ટાળતી. એ એના દીકરાની વાત કરી મને વધારે દુ:ખી કરશે! એની સાથે વાત જ નથી કરવી! એવું વિચારીને એનો ફોન આવે ત્યારે ' મિસ કોલ ' માં જવા દેતી પછી મેસેજ કરી દેતી હું વ્યસ્ત છું! મેં એને મળવાનું પણ ઓછું કરી દીધું.

એક દિવસ એની તબિયત સારી નહોતી. એને દવાખાને જવું હતું. જીજાજી બહારગામ ગયા હતા એટલે એણે મને ફોન કર્યો. મેં હંમેશ મુજબ ફોન લીધો જ નહીં! બે દિવસ પછી એનો દીકરો મને બજારમાં મળી ગયો.
મેં પૂછ્યું, " તું શાક માર્કેટમાં? "
ત્યારે એ બોલ્યો, " મમ્મી બીમાર છે એટલે હું શાક લેવા આવ્યો છું. "
" લે શું થયું? મને જાણ કેમ ન કરી? "
" મમ્મીએ તમને તે જ દિવસે ફોન કરેલો પણ તમે વ્યસ્ત હતા! "
મને મારા વલણ પર બહુ ગુસ્સો આવ્યો. હું તરત જ મારી સખીને મળવા દોડી ગઈ. એ બોલી, " ક્યાં હતી તું? બે દિવસથી હું પથારીમાં પડી છું, તને કેટલી યાદ કરી! મને તારી ખૂબ જ જરૂર હતી! "
હું કઈ બોલી ના શકી. માત્ર એને વળગીને રડતી રહી! ત્યારે એ બોલી, " અલી, કંઈ નથી થયું મને! થોડા દિવસમાં હું સારી થઈ જઈશ તું આટલી ચિંતા ન કર! "

મારી સખીના જરૂરિયાતના સમયે હું ન ગઈ, એનું મને પારાવાર દુ:ખ થયું. એ સ્વસ્થ થઈ ત્યાં સુધી એની પાસે રહી એ સમય દરમ્યાન મેં મારા વિચારોમાં પરિવર્તન લાવવાની કોશિશ કરી ત્યારે મને સમજાયું એની વાતો તો સહજ હતી. એમાં મને દુ:ખ પહોંચાડવાનો એનો કોઈ ઈરાદો નહોતો. હું જ ઈર્ષાભાવને લીધે એની વાતોનું ખોટું અર્થઘટન કરતી હતી!

એ સ્વસ્થ થઈ પછી મેં હકીકત કહીને એની માફી માંગી ત્યારે એ બોલી," મેં અજાણતા જ તને દુઃખ આપી દીધું એનો મને પણ અફસોસ છે. સાચું કહું, મને તો ઘણીવાર તારી ઈર્ષ્યા થઈ આવે. તને જીજાજી સાથે શાંતિથી સમય માણવા મળે પણ અમે બંને ક્યારેક બહાર જઈએ તો પણ ઘરે સમયસર આવી જવું પડે! હું તો ઘણી વાર સંજયને કહેતી હોઉં, " જો ને તની એની મનગમતી પ્રવૃતિઓ માટે સમય કાઢી શકે છે! મારી પાસે તો સમય જ નથી! "
એની વાતો સાંભળ્યા પછી મને ખ્યાલ આવ્યો કે મેં મારા સુખ વિશે કેમ વિચાર્યું જ નહીં? હું શા માટે મારા દર્દને જ જોતી રહી? સાચું તો છે, એકલા પડ્યા પછી મેં મારો લેખન નો અને વાંચન નો શોખ વધુ વિકસાવ્યો છે! હું મોહિતને પણ વધુ સમય આપી શકું છું અને પોતાના માટે પણ સમય કાઢી શકું છું! કલાકો સુધી એક કોફીનો મગ લઈને બાલ્કનીમાં બેસી શકું છું!! પહેલા ક્યાં એ શકય હતું!!

કોઈએ બહુ સરસ કહ્યું છે, " એકના એક જોક પર તમે અનેક વાર હસી શકતા નથી તો પછી એકના એક દર્દ પર અનેકવાર રડવું શા માટે!! હું પણ મારા એક દર્દનો અસંતોષ મનમાં રાખીને ઇર્ષ્યાની આગમાં સતત બળતી રહી! મારા હાથમાં શું આવ્યું, માત્ર પીડા! પરંતુ, મેં મારી ખુશીઓને માણી હોત તો..!! હું વાસ્તવિકતા સાથે ખુશ રહી શકત! એ દર્દનો ભાર પણ હળવો કરી શકી હોત!
 

એ દિવસથી મેં મારામાં ખુશ રહેવાનું શીખી લીધું છે! હું મારા સુખમાં વ્યસ્ત બની ગઈ છું! વેકેશનના એક મહિનામાં બંને બાળકો સાથે બારે મહિનાના મિલનનું સુખ માણતા મેં શીખી લીધું છે! મેં મારા રોજના ' બોરિંગ રૂટિન ' માં રોજ કંઈક નવું જોડવાનું શીખી લીધું છે! હું મારામાં ખુશ છું, હવે મને કોઈના સુખની ઈર્ષ્યા નથી થતી!

વાચક મિત્રો, મારા વ્યક્તિગત અનુભવ પરથી, તમને એટલું જ કહેવા માંગુ છું, ઈર્ષ્યા નો જન્મ આપણા મનમાં રહેલા અસંતોષથી જ થાય છે! જે આપણી પાસે નથી અને બીજી વ્યક્તિ પાસે છે એ જોઈને આપણો અસંતોષ વધતો જાય છે! આખરે એ વ્યક્તિ તરફની ઇર્ષ્યામાં પરિણમે છે. ઈર્ષા આગ બનીને આપણને અને સામેની નિર્દોષ વ્યક્તિને બાળતી રહે છે. આખરે સંબંધોની રાખ લઈને જીવનભર જીવવું પડે છે!!

પોતાની પાસે જે નથી, એનો અફસોસ કરવા કરતાં પોતાની પાસે જે છે, એનો આનંદ માણીએ તો ..ઈર્ષાને અવકાશ જ ન રહે, ખરું ને!!
-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...