હવે પહેલાં જેવું કઈ નથી
" હવે પહેલાં જેવું કઈ નથી!" એવા શબ્દો આપણે ઘણીવાર બોલીયે છીએ અને સાંભળીએ પણ છીએ કારણ, પરિવર્તન તો સંસારનો નિયમ છે! બદલાવ સામાન્ય છે! ઉદાહરણ તરીકે, પ્રકૃતિમાં સૂર્ય અને ચંદ્ર અચળ છે પરંતુ, બાકીના બધા જ તત્વો બદલાય છે. જેમ કે, પહેલાં જે પહાડ હતાં એ હવે પથ્થરો બની ગયા છે અને પથ્થરો માટી બની ગયા છે. ઝરણાંઓ નદી બની ગયાં છે અને નદીઓ સાગર બની ગઈ.
હવે વાત કરીએ, આપણા જીવનની! તો પહેલા જીવનમાં હતી એવી અગવડતા હવે નથી રહી! આપણું જીવન અનેક સુવિધાઓથી ભરેલું થયું છે. આપણા દાદી, મમ્મીને કામમાં જે અગવડો પડતી એ હવે આપણને નથી રહી. આપણા દાદા કે પિતા રોજિંદા જીવનમાં જે સંઘર્ષો કરતા હતા એ આપણે નથી કરતા ને આપણે કરીએ છીએ એ આપણા બાળકો નથી કરવાના!! કુવા પર જઈને પાણી ખેંચીને લાવવું કે નદીએ જઈને કપડાં ધોવા કે ચૂલો ફૂંકવો આવા કામો આપણે ક્યારેય નથી કર્યા. આપણે ઘરમાં આવતું પાણી, ' વોશિંગ મશીન ' અને ' ગેસ સ્ટવ ' ને આસાનીથી અપનાવી લીધા. કાગળ, પત્રોની જગ્યાએ ' ઈ - મેઈલ, ' ફોન વગેરેને આવકાર્યા! આજે તો ' ટચ સ્ક્રીન ' ની દુનિયાને આપણા સહુએ સ્વીકારી લીધી છે ! જીવન કેટલું સુવિધા ભર્યું લાગે છે નહીં!!
છતાંય અમુક બદલવાને સ્વીકારતાં આપણને થોડો ખચકાટ થાય છે ત્યારે મન બોલી ઉઠે છે, હવે પહેલાં જેવું કંઈ નથી..! હૃદયના કોઈક ખૂણે છૂપાયેલું એ દર્દ નિશ્વાસ બનીને બહાર આવે છે!
આપણા દાદી કહેતા, " અમે તો વડીલો સામે ઘૂમટો તાણીને કામ કરતા!"
આપણી મમ્મી કે બીજા વડીલો કહે, " અમે તો દુપ્પટો કાયમ નાખી રાખતા અને વડીલો સામે તો સાડી જ પહેરતા! તમે તો ' કુર્તી - લેગિન્સ ' અને ' પેન્ટ ટી-શર્ટ ' પહેરીને ફરો છો!! હવે પહેલાં જેવું કંઈ નથી...!"
હવે સાડી કે દુપ્પટો ભાગદોડ ભર્યા જીવનમાં સચવાતો નથી એટલે આપણે આરામદાયક કપડાં પહેરીએ છીએ! પરંતુ વડીલોનો આદર તો આપણે પણ પહેલાં જેવો જ જાળવીએ છીએ! સમયની સાથે બદલાવું પડે છે. જો વસ્ત્રો બદલાવાથી આપણા વર્તનમાં ફરક ના પડતો હોય તો એ બદલાવ સામાન્ય છે. મર્યાદા વસ્ત્રોથી નહીં હૃદયથી, વાણીથી અને વર્તનથી જાળવવાની હોય છે.
એ સમજીએ છીએ છત્તાંય ' મોર્ડન ' વસ્ત્રો પહેરીને ફરતી સ્ત્રીને જોઈને કાના-ફૂસી તો શરૂ થઈ જાય છે કે હવે સ્ત્રીઓ પહેલા જેટલી મર્યાદા રાખતી જ નથી. પહેરવેશમાં આવેલા પરિવર્તન ને સ્વીકારતાં વાર લાગશે.
આપણા સમાજમાં ચાલતા રીતિ-રિવાજો અને પરંપરાની વાત કરીએ તો ઘણા રિવાજો બદલાયા છે. જેમ કે લગ્નમાં કન્યા પક્ષ તરફથી આપતી દહેજ પ્રથા સાવ બંધ થઇ ગઈ. જો કે હજી કરિયાવરની પ્રથા સામાન્ય છે પરંતુ, અમુક પરિવારો એ પણ ના લેવાનો આગ્રહ રાખતા થયા છે. હવે તો વર-પક્ષ વાળા પણ કન્યા-પક્ષના લોકોને ભેટ આપે છે. લગ્નનો ખર્ચ પણ વહેંચી લે છે.
આ બધું આવકારને પાત્ર છે. છતાંય હજી પણ કન્યાના ઘરેથી શું આવ્યું એની કાના-ફૂસી તો શરુ થઇ જાય છે, વાર વ્યવહાર વિના પણ લગ્ન થઈ શકે છે એ વાત ને સ્વીકારતાં હજી વાર લાગશે!!
હવે દીકરો અને દીકરી સમાન બન્યા છે. અમુક ઘરોમાં દીકરી અને વહુ પણ સમાન બની ગયા છે. એક ઘર સંંભાળે અને એક ઘર ચલાવે એવું નથી રહયું બંને ઘર સંભાળે અને બંને ઘર ચલાવે એ સામાન્ય થઇ ગયું છે. હવે પહેલાં જેવું નથી કે પુરુષ રસોડામાં પગના મૂકે અને સ્ત્રીઓ ઘરની બહાર પગ ના મૂકે.
છતાંય હજી પણ કામ કરતી સ્ત્રી જો ઘરમાં કોઈ ક્ષેત્રે નબળી પડે તો કાના-ફૂસી શરુ થઇ જાય છે, સ્ત્રી એ ઘર અને બાહર બંને ક્ષ્ત્રે અવ્વલ હોવું જ જોઇયે એવું જરૂરી નથી, એ સ્વીકારતાં વાર લાગશે.
પહેલાં આપણે પરિવાર અને મિત્રો સાથે વધારે સમય વિતાવતા! એકબીજાના ઘરે જઈને બેસતા, ખબર - અંતર પુછતા! ધીરે ધીરે ફોન પર વાતો કરતા થયા અને હવે ઘણું ખરું ' મેસેજ ' થી જ મળી લઈએ છીએ. મળવાનું ઓછું બને છે. લગભગ વારે - તહેવારે કે પ્રસંગે મળવાનું બને છે પરંતુ એનાથી સંબંધોમાં પ્રેમ, લાગણી કે ઉષ્મા જરાય ઓછા નથી થઈ જતાં! આપણે બંને પક્ષે સંબંધોમાં એવી સમજ કેળવવી જરૂરી છે કે હવે પહેલાં જેવું મળવાનું નથી બનતું તો શું થયું! જયારે મળીયે ત્યારે કે ફોન પર વાતો કરીયે ત્યારે એ લાગણીને ઉષ્મા ઓછા ના થવા જોઈએ!!
ઘણું લખાઈ ગયું ને! આ બધા ઉદાહરણોથી હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે બધું પહેલા જેવું કંઈ નથી રહ્યું ને રહેશે પણ નહીં! બદલાવ સામાન્ય છે એને સ્વીકારવા માટે બધુ પહેલા જેવુ થઈ જાય એવી આશા રાખવી જોઇયે નહીં અને બધુ પહેલા જ્વું નથી એનો અફસોસ પણ કરવો જોઇયે નહીં. એ માટે તો માટે વિચારોમાં પરિવર્તન લાવવું જોઇયે. વિચારો બદલાશે તો બદલાવ પણ ગમવા જ લાગશે, એ પછી કહેવાની જરૂર નહીં પડે કે હવે ક્યાં પહેલાં જેવું કંઈ નથી...ખરું ને!
ગઇકાલની યાદોને મીઠા સ્મરણ રૂપે સાચવી રાખીએ, આવતીકાલના સપના ને સાકર કરવા આજને સ્વીકારી લઈએ તો જ જીવન મીઠું લાગશે બાકી ગાઈકલા સારી હતી ને આજ ખરાબ છે એનો અફસોસ કરીશું તો આજને માણી નહીં શકીએ ...શું કહો છો તમે??
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો