આંટી મત કહો ના ......

      આ ઉમરનું તો એવું છે ને કે એને વધતી રોકી શકાતી નથી ને છુપાવી પણ શકાતી નથી! કોઈ સાચી ઉમર જાણી જાય એ પણ ગમતું નથી! મને તો પેલી પિયર્સ સાબુની જાહેરાતમાં આવતી સ્ત્રીની જેમ દેખાવું ગમે! કોઈ મારા બાળકોને જોયા વિના મારી સાચી ઉંમરનો અંદાજ ન લગાવી શકે! કોઈ મને દીદી, ભાભી, બહેન કહે તો ગમે પરંતુ, જો કોઈ આંટી કહી જાય તો મને બે દિવસ ખાવાનું ન ભાવે!

   ન જ ભાવે ને વળી, 'સ્કીન કેર' અને 'હેર-કેર' ની દરેક પ્રોડક્ટની હું સૌથી મોટી ગ્રાહક! નવી પ્રોડક્ટ આવે એટલે મને મેસેજ આવી જ જાય, એ પણ 'સ્પેશિયલ ડિસ્કાઉન્ટ' સાથે! થોડા દિવસો સુધી હું બ્યુટી પાર્લર ન જાઉં તો ત્યાંથી ફોન આવી જાય પૂછે,” બહુ દિવસથી દેખાયા નહીં! તબિયત તો સારી છે ને!" 

  યોગા, ઝૂંબા એરોબિક્સ સાથે તો મારા રોજના ઉધામા! વોકિંગ તો મારી રોજની આદત! બોલો, આટ આટલા ધતિંગ કરું છું, 'યંગ' દેખાવા માટે ને પછી પણ જો કોઈ આંટી કહી જાય તો કેવું લાગે!! તમે જ કહો, આ બધી મહેનત પર પાણી ન ફરી જાય!!

   મને તો છે ને આ આંટી શબ્દ વાપનારી પ્રજાતિ જરાય ન ગમે!! આ પ્રજાતિમાં જો નાના બાળકો હોય તો ચાલે પરંતુ, એમાં અમુક તો એવા હોય કે જે પોતાની સાચી ઉંમરને છુપાવવા મને અને મારી ઉમરની સ્ત્રીઓને આંટી કહીને પોતાના વિધ્ન સંતોષી જીવને આનંદ આપતા હોય છે! એવા લોકો મને જરાય ન ગમે! હું તમને આ પ્રજાતિ ના અમુક સભ્યોનો પરિચય કરાવું ..
 સૌથી પહેલા વાત કરીએ, પાન ના ગલ્લે ઊભા રહીને ગામ આખાની પંચાત કરતાં જુવાનિયાઓ વિશે, આ પ્રજાતિના લોકો જેને તાજી મૂછો ફૂટી હોય ને ડાચા પર થોડા ખીલના ટશિયા ફૂટયા હોય! તેમને લાગે કે માત્ર તેઓ જ યુવાન છે, બાકી બધા વૃધ્ધ થઈ ગયા છે એટલે સોસાયટીની મહિલાઓને આંટી કહીને બોલાવે! 

 એવો જ એક લબર મૂછિયો યુવાન મને શાક લઈને આવતી જોઈને બોલ્યો, ” લાવો આંટી હું લઈ લઉં. બહુ વજન હશે ને! આંટી, હું ઘરે મૂકી જાવ!” 

એવા યુવાનોને તો મોઢે ચોપડી દઉં," આંટી કોને કહ્યું? પેલા તારું મોઢું જોઈને આવ! નાની ઉંમરે વાળમાં આવેલી સફેદી જો અને પાન ખાઈને સડી ગયેલા દાંત ને જો, કોઈ તને અંકલ ન કહી જાય એનું ધ્યાન રાખજે ભઇલા! રહી વજનની વાત! એ તો બજારેથી ઊંચકીને લાવી છું તો ઘરે લઈ જઈશ. તારી જરૂર નથી!"
   
હવે વાત કરીએટ્રેન અને બસમાં કોલેજ કે કામે જતાં યુવાન અને યુવતીઓની! આ પ્રજાતિના યુવાનો બે ફિકર બનીને ટ્રેન કે બસમાં ગપ્પા મારતા હોય 'મીડલ એજ વુમન'ને જોઈને ઉભા થઈને જગ્યા આપે," આંટી બેસી જાવ." 

ત્યારે હું કહી દઉં," આંટી કોને કહ્યું? સામે ક્યારના ઉભેલા પેલા વડીલ નથી દેખાતા? સાચે એટલો જ ઉંમર નો આદર હોય તો એમને બેસાડાય ને! હું ઊભી રહી શકીશ!"
  
આ તો આપણને ન ઓળખતા હોય એવા લોકોની વાત! ઘણી વાર આ પ્રજાતિમાં એવા લોકો પણ આવે જેઓ આપણને ઓળખતા હોય અને આપણાથી ઉમરમાં માંડ પાંચ- સાત વર્ષ નાના હોય પરંતુ, હજી તાજા જ માતા- પિતા બન્યા હોય.

 એ લોકો કહે,” આંટી, તમારા બાળકો મોટા થઈ ગયા ને એટલે તમને ઘરે પહોંચવાની ઉતાવળ ન હોય. અમારે તો આખો દિવસ બાળકો પાછળ દોડવાનું એમના સમય સાચવવાના હોય ને, હું નીકળું છું!” 

ત્યારે એમને કહી દેવાનું મન થાય, પણ બોલાય તો નહીં ,” આંટી કોને કહ્યું! એ મારો વાંક છે કે તમે મોટી ઉમરે લગ્ન કર્યા કે પછી અમુક ઉંમરે માતા પિતા બન્યા. બાકી આ ઉમરે હું તારાથી વધુ દોડધામ તો કરી શકું છું! એક બાળકના ઉછેર માટે તમે મેઈડ, આયાની જરૂર પડે છે જયારે બે યુવાન બાળકોને હજી હું એકલે હાથે સંભાળી શકું છું!" એવું તો બોલાય નહીં! 

તોય એટલું તો કહી દઉં," બાળકોની દોડધામ માં તું તારું ધ્યાન નથી રાખતી! જો ને વાળ બહુ દિવસથી ડાય નથી કર્યા લાગતા અને સ્કીન પણ થોડી ડલ લાગે છે, તારું ધ્યાન રાખ!"  આખરે એ પણ સમજી જાય કે આંટી કહેવું ભારે પડી ગયું!"

   અમારી પડોશમાં રહેતા એક બહેનની વાત કરું,  એમના દીકરા ને ઘરે દીકરો આવી ગયો છે છતાંય તેઓ મારા બાળકોનું આંટી સંબોધન સ્વીકારતા ખચકાય છે. મારે તો એમને મિસીસ પટેલ નહીં તો ભાભી કહેવું પડે છે. કોઈકવાર ભૂલથી આંટી બોલાય જાય તો અઠવાડીયા સુધી એમના 'ટ્રેડ મિલ' નો કર્કશ અવાજ સાંભળવો પડે! વળી બે ચાર દિવસ બોલતા ય બંધ થઈ જાય! એમનું ચડેલું મોઢું જોઈને ચાર વાર મોણ નાખીને કહેવું પડે," ભાભી, મોટા ભાઈ કેમ છે? બધું ઠીક તો છે ને! ભાભી, કાલે તમે પેલું 'રેડ ટોપ' પહેરેલું એમાં શું સુંદર લાગતા હતા! તમને જોઈએ કોઈ ન કહે તમે દાદી બની ગયા છો." આખરે એના મોઢે હાસ્ય દેખાય ત્યારે મને શાંતિ થાય!!
 
મારૂં તો એવું માનવું છે કે આ આંટી શબ્દને 'ડિક્શનરી' માંથી વિદાય આપી દેવી જોઈએ. એના જેવો દર્દનાક શબ્દ કોઈ બન્યો જ નથી. એના જેવો ભારે શબ્દ  પણ કોઈ નથી. આવા સંબોધનોથી અનેક સ્ત્રીઓના હૃદયને થતાં દર્દનો અંત લાવવો જરૂરી બની ગયો છે. વિચારું છું કે અંગ્રેજી ભાષાના ઘૂરંધરો સાથે મુલાકાત કરીને સ્ત્રીઓની આ તકલીફને દૂર કરવા વાટાઘાટો કરી જ લઉં. તમારી પાસે એમના નામ, નંબર કે "ઈ -મેઈલ આઈ- ડી' હોય તો મોકલજો ને! આનાથી તમારુંય ભલું થશે જ ને! તમારામાંથી કોઈને આ વાટાઘાટમાં દલીલ કરવા હાજરી આપવી હોય તો મને અંગત મેસેજ કરીને જણાવશો કારણ કે, જો તમે 'કોમેંટ'માં લખશો તો બીજું કોઈ તમને આંટી કહીને પજવશે! 

નાહક નું તમારે એને કહેવું પડશે," અલ્યા,આંટી કોને કહ્યું?"
-
તની

 

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...