હશે મારી દશા કેવી ....

 

હશે મારી દશા કેવી તને સમજાય છે સાકી..
હવે પીધા પછી પણ મારું દિલ ગભરાય છે સાકી!

કવિ મરીઝની આ ગઝલ તમે બધાએ સાંભળી જ હશે. જેમાં કવિ 'પીધા' પછીની પોતાની દશા વર્ણવે છે. હું આ બ્લોગમાં મારી 'ખાધા' પછીની દશા વર્ણવા જઈ રહી છું..

.
   વાત એમ હતી કે એ દિવસે મેં અમુક મિત્રોને મારા ઘરે 'ડીનર' માટે બોલાવ્યા હતા. અહીંયા કોઈને જમવા બોલાવવા માટે બે શરતનું પાલન અચુક કરવું પડે. એક તો 'ડાઇનિંગ ટેબલ' પર મૂકેલી વાનગીઓને પોતાનું સ્થાન ટકાવી રાખવા માટે સંઘર્ષ કરતી હોવી જોઈએ. બીજું, બધી વાનગીઓ 'માસ્ટર શેફ કૉમ્પિટિશન' માં ઉતરવા તૈયાર હોય એવી સુંદર દેખાતી હોવી જોઈએ. ટૂંકમાં, તમે કેટલી  વાનગીઓ બનાવી શકો છો, તેને કેટલી સુંદર રીતે ગોઠવી શકો છે એનું પ્રદર્શન કરવું જ પડે!!
   હું તો પ્રદર્શન કરવામાં માનું જ નહીં. વળી મારો હાથ રસોઈમાં સહેજ કાચો! એટલે હું કોઈને મારા ઘરે જમવાનું નિમંત્રણ આપું જ નહીં! બધા પોતાના ઘરે સુખેથી જમતા હોય નાહકના મારા હાથનું ભોજન ખવડાવીને એમને દુઃખી કરવા! વળી મારેય બનાવીને દુઃખી થવું પરંતુ, એક લેખિકા હોવાને લીધે હું એવું દ્રઢપણે માનું છું કે સુખ પછી દુઃખ આવે જ! એથી એક દિવસ મેં બધાને દુઃખી કરવાનું અને પોતે દુઃખી થવાનું નક્કી કરી જ લીધું. મહેમાનોને જમવા માટે નિમંત્રણ આપી જ દીધું!


  મેં અઠવાડિયા પહેલાં 'રેસિપી'ના વિડિઓ જોવાની શરૂઆત કરી દીધી. જેમ એ દિવસ નજીક આવ્યો તેમ મને સમજાયું કે વાનગીના વિડિઓ જોવા અને રસોઈ કરવી, બંને વચ્ચે જમીન- આકાશનું અંતર છે. તોયે જેમ તેમ કરીને પૂરી, એકાદ બે શાક, દાળ, ભાત, પાપડ, સલાડ રાયતું તો બનાવી નખાય પરંતુ, 'સ્ટાર્ટર', 'વેલકમ ડ્રિન્ક' અને 'ડેઝર્ટ' આ બધું બનાવી શકવાનું સામર્થ્ય મારામાં નહોતું. મેં 'સ્ટાર્ટર' માં પાણી પુરી રાખી. પાણી પુરી હોય એટલે 'વેલકમ ડ્રિન્ક' ની ઝંઝટ નહીં, એમ તો જુગાડ કરી જ લઉં!
   આખરે એ દિવસ આવી ગયો. હું બપોરથી રસોડાના મોરચે સવાર થઇ ગઈ. એક પછી એક વાનગી બનાવતી ગઈ. વાનગીનું કામ 'ક્રાફ્ટ' જેવું તો નહીં ને! બનાવી એટલે પતી ગયું! એનો સ્વાદ પણ સારો હોવો જોઈએ એ માટે તેને ચાખવી પડે. હાથમાં કે ચમચીમાં જરીક વાનગી લઈને ચાખવાનું મારું કામ નહીં.  મારે તો વાટકીમાં લઈને ખાવી પડે તો જ સ્વાદ ખબર પડે! એક એક વાનગી ચાખતા મને એમ લાગ્યું કે હુંયે રસોઈમાં સંજીવ ભાઈને ટક્કર આપી શકું એમ છું! 

 એ સમયે મને મારા પર જરાક વધુ પડતું જ અભિમાન થઈ ગયું. તમે જાણો છો, અભિમાનના નશામાં ભલભલા જ્ઞાનીઓ એ પોતાનો વિનાશ નોતર્યો હતો, હું એમાંથી ક્યાં બચી શકવાની! એ નશામાં મારાથી ઘોર પાપ થઈ ગયું!! ચાખવાને બદલે મારાથી રીતસરનું ખવાઈ જ ગયું! વળી પાણી પુરીને ટેબલ પર ગોઠવતાં હું મારા પર કાબુ જ ના રાખી શકી (હું શું! દુનિયાની કોઈ પણ સ્ત્રી પાણી પુરી જોઈને ખુદ પર કાબૂ રાખી જ ના શકે!) થોડીક ચાખતાં કેટલી ખવાઈ ગઈ ખબર ના પડી!
    મને મારી તૃપ્તિનો અહેસાસ ત્યારે થયો જયારે મારા ઓડકારની ગૂંજ છેક બેડરૂમ સુધી મોહિતને સંભળાઈ. એ બોલ્યો," સવારથી કામમાં લાગી છે, ભૂખ્યા પેટે 'એસિડિટી' થઈ ગઈ ને! હજી બધાને આવવાને વાર છે થોડુંક ખાઈ લે!"  હવે હું એને કેમ સમજાવું, આ પેટમાં રહેલા એસિડની કમાલ નથી પરંતુ, પેટમાં રહેલી પાણી પુરીની ધમાલ છે!


   સમય થતાં મહેમાનો આવ્યા. મારી બેચેની વધવા લાગી હતી. ભરેલા પેટે મારામાંથી સ્ફૂર્તિ હરી લીધી હતી. બધાને ખુશીથી પાણી પુરીનો સ્વાદ માણતા જોઈને પેલા તૃપ્તિના ઓડકાર ધીરે ધીરે બહાર આવી રહ્યા હતા. જેને હું ખોટા હાસ્યમાં છુપાવી દેતી હતી! જમવાનો સમય થતા સુધી બધું ઠીક ઠાક ચાલ્યું. બધાએ પોતાની પ્લેટ લઈને જમવાનું શરુ કર્યું ત્યાં અમારા એક મહેમાન બોલ્યા," તમે પણ તમારી પ્લેટ લઈ લો. બધા સાથે જમીશું."
  હું ફસાણી! હવે ખાવું કેમ! મેં એક સંસ્કારી યજમાન હોવાનો ડોળ કરતાં કહ્યુ," ના ના! હું પછી જમીશ. તમે બધા જમી લો! હું પીરસું છું!" મહેમાન પણ જરાય ઓછા ઉતરે એવા નહોતા પરાણે આગ્રહ કરીને મને 'પ્લેટ' લેવડાવી જ દીધી. સોની જેમ તોળી તોળી ને જરીક સોનું ત્રાજવામાં મૂકતો હોય તેમ મેં 100 ગ્રામ વાનગીઓ પ્લેટમાં મૂકી. એટલામાં મને બેચેની થવા લાગી હતી. 'પ્લેટ' લઈને બધાની સાથે બેસી તો ખરી પરંતુ, પેટ પર બળજબરી થોડી કરી શકાય! કોળિયો મોં માં જવા સાફ ઈન્કાર કરી રહ્યો હતો. જેમ તેમ મોં ખોલ્યું ત્યાં તો પેલા તૃપ્તિના ઓડકારે એટલો જોરથી બહાર કૂદકો માર્યો કે બધા ખાતા અટકી ગયા ને મારી તરફ જોવા લાગ્યા. હું શરમથી નીચું જોઈ ગઈ! 

મોહિતે બધાને કહ્યું," સવારથી કામમાં લાગી છે ને કાંઈ ખાધું પણ નથી એટલે એને થોડી 'એસિડિટી' થઈ ગઈ છે!!
  'એસિડિટી' શબ્દ સાંભળીને પેલી 'ઈનો' ની જાહેરાતમાં આવે છે ને એમ કોઈ એ લીંબુ પાણી પીવાનો તો કોઈ એ સોડા પીવાનો એવા અનેક સુઝાવો આપ્યા. હું તો ઉંચું જોઈ પણ ના શકી! ચૂપચાપ બેસી જ રહી. મોહિત 'કેરિંગ હસ્બન્ડ' હોવાનો રોલ અદા કરતો હોય તેમ તરત 'ઈનો' બનાવી લાવ્યો. 'ઈનો' પેટમાં જતાં જ ઓડકારોએ પોતાનું સામ્રાજ્ય એવું જમાવ્યું કે મારા પાડોશીઓના ઘરમાં પણ એની ગૂંજ સંભળાઈ! મારા પાડોશી બ્હેન (પેલા એ .સી પી પ્રદ્યુમ્ન) દોડતાં આવી પહોંચ્યા. મહેમાનોને જોઈ ખાસિયાણા પડી ગયા ને ઊંધુ ઘાલીને પાછા ભાગ્યા.


  મેં 'એસિડિટી' નું બહાનું ચલાવે રાખ્યું ને તૃપ્તિના ઓડકાર ખાધે રાખ્યા. જમતી વખતે કોઈ મિત્રે પોતાના એસિડિટી થવાના કિસ્સાઓ કહ્યા. કોઈએ ઘરગથ્થુ ઉપાય કહ્યા! તો કોઈએ આયુર્વેદનું જ્ઞાન આપ્યું. આમ વાતો કરતા બધાએ જમી લીધું! બધાએ સહાનૂભૂતિ બતાવતાં મને રસોડું પાછું ગોઠવવામાં મદદ પણ કરી! આખરે 'ડિનર' પ્રકરણ સુખેથી ઊકલી ગયું. ( સુખ કે દુઃખ એ તો મહેમાન જાણે!!)
  આ બધું પાછું તમે મારા મહેમાનોને જઈને કહેતા નહીં, એમને ખબર પડશે તો મને વગર સાબુએ ધોઈ નાખશે. આ તો તમને મારી દશા કહીને સમજાવું છું, તમે ક્યારેક અભિમાનના નશામાં મારા જેવી આવી ભૂલ ન કરી બેસોને એટલે!!
-તની
 

 .

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...