એક રાત સ્વર્ગમાં ...

 

  તમને કોઈ જંતુ જોઈને ડર લાગે ખરો? મનેય લાગે, એ એક જંતુ સાથે એકવાર મારો આમનો સામનો થઈ ગયો હતો ...ચાલો આજે તેની જ વાર કરું.. એ જંતુ છે ...વાં...દો ....છી ..છી ,.. આ શબ્દ ટાઈપ કરતાંય આંગળીઓ ધ્રુજી ગઈ! જાણે એમ લાગ્યું હમણાં 'કી-બોર્ડ' માંથી નીકળીને મારી પર આવશે! અ..ર..રર... વિચારીને કાંઈ થઈ ગયું. હવે હું એના વિષે કેમ લખું ??
આ ગબ્બરસીંગ ભાઈ એ કહ્યું છે ને, "જો ડર ગયા સો મરા ગયા!" રિતિક રોશન ભાઈ પણ એ જ કહે છે, "ડર કે આગે જીત હૈ ..!" હું એમ હાર માનું? ના રે! એમાં શું ડરવાનું!! લખી જ નાખું છું, હવે!
  
વાચક મિત્રો, આ વા ..ન ..દો શબ્દ ટાઈપ તો નહીં જ કરી શકું એટલે માત્ર આ બ્લોગ પૂરતા તમે ' અથવા 'એનેસંબોધનને વા...ન..દો સમજી લેજો! માત્ર આ બ્લોગ પૂરતો જ! નહીં તો મારા પ્રણય કાવ્યો અને લેખોમાં લખાતા '' ની પથારી ફરી જશે!! આ બ્લોગમાં આપણે એને એ-જંતુ એમ કહીશું! ક્યાંક જંતુ ભૂલી જાવ તો અનર્થ ના કરતાં હો.....

  હું સ્વચ્છતાની દ્ઢ આગ્રહી ખરી! મારા ઘરમાં આ જંતુનો ઉપદ્રવ થાય નહીં એટલે ઘરમાં સાફસૂફી અને પેસ્ટ કંટ્રોલ વગેરેની કાળજી હું બરોબર લઉં. એ જંતુ તો શું! એના પરિવારના બીજા કોઈ સદસ્યો પણ મારા ઘરમાં આવવાની હિમ્મત કરી જ ના શકે. મારો તો એ જ નિયમ દુશ્મનથી દસ ગજ ની દૂરી  રાખવી! (હવે ગજ એટલે કેટલા મીટર? પૂછીને મારૂ સામાન્ય જ્ઞાન ચકાસતા નહીં!) આમ છતાંય એકવાર મારો આ જંતુ સાથે સામનો થઈ જ ગયો....

   એ સમયે અમે એક ધાર્મિક સ્થળની મુલાકાતે ગયા હતા. મારો દિવ્ય ત્યારે બે વર્ષનો હતો. એ સમયે 'ઓનલાઈન' હોટેલો બુક કરાવાતી નહોતી. એક જાહેરખબર માંથી નંબર લઈને મેં હોટેલ 'સ્વર્ગ' માં ફોન કરીને રુમ બુક કરાવેલી!!
  
રસ્તમાં કારનું 'ટાયર પંકચર' થતાં થયેલી મોકાણ ને લીધે અમે મોડી રાતે હોટેલ પહોંચ્યા. એ સમયે ત્યાં બધુ સૂમસામ થઈ ગયું હતું. સ્વર્ગ નો પહેરેદાર પણ ખુરશી પર બેઠો નસકોરા બોલાવતો હતો. એને જેમ તેમ જગાડીને અમે સ્વર્ગમાં 'ચેક-ઇન' કર્યું!( અહીં અંગ્રેજી ચેક -ઈન લખવું પડ્યું કારણ ગુજરાતીમાં લખીશ તો અનર્થ થઈ જાય..'અમે સ્વર્ગમાં  .......'ખાલી જગ્યા ન ભરતા! હજી વાર! સ્વર્ગમાં જવાને વાર છે!)

 
હં, તો હું ક્યાં હતી? અમે રુમ નો દરવાજો ખોલતાં જ સમજી ગયા કે આ તો નર્ક છે. રૂમની અસ્વચ્છતા જોતાં મારૂ તો માથું ભમવા લાગ્યું. ગાદી પર જૂની, મેલી ચાદરો જોતાં મારા જેવી સ્વચ્છતાની આગ્રહી ને ચીતરી જ ચડે!
મેં કહ્યુ," મોહિત, આમાં કેમ રહેવાય ! ચાલ ને, બીજે જતાં રહીએ!"
"
તને જ રહેવું હતું ને સ્વર્ગમાં! લે હવે! આટલી રાતે બીજું કઈ ના થઈ શકે! કાલે સવારે જોઈશું!"
મોહિતના આ વાકૄ-બાણ સામે લડવાની મારી તૈયારી નહોતી એટલે હું ચૂપચાપ સૂવાની તૈયારી કરવા લાગી. મોહિત સામેના બેડ પર સૂતો અને દિવ્ય ને હું બીજા બેડ પર! રાત્રીનો એકાદ કલાક માંડ  વિત્યો હશે ત્યાં મારા અંગ પર થયેલા એક વિચિત્ર સ્પર્શથી હું સફાળી જાગી ગઈ. બારીમાંથી આવતા અજવાળા માં મેં જે જોયું, તેનાથી મારું અંગેઅંગ ધ્રૂજી ઉઠયું! એ જંતુ, ઘસઘસાટ સૂતેલા મારા દિવ્ય ની નજીક જવાનું સાહસ કરી રહ્યું હતું. મેં ચીસ પાડવાની કોશિશ કરી પણ ભય ના કારણે મારો અવાજ જ નીકળતો નહોતો!

  ભયથી ધ્રૂજતા મારા અંગ માં અચાનક ભૂલભૂલેયા ( ભાગ 1) વાળી મોંજોલિકા ના આત્મા એ પ્રવેશ કર્યો! હું ક્રૂર બની ગઈ, રાજાને મારવા પેલી મોંજોલિકા એ જેમ હથિયાર થી પ્રહારો કરેલા એમ જ હું તકિયાથી એ જંતુ ને રીતસરની ઝૂડવા લાગી. મારા આ પ્રહારથી એ જરૂર મરી ગયો હશે એ વિચારતી હતી ત્યાં તો એ જંતુ મને ડીંગો બતાવતો હોય એમ ગાદલા પર ઊભો રહીને મારી તરફ તાકી રહ્યો! એને જોઈને મોંજોલિકા નો આત્મા નારાજ થઈને ચાલ્યો ગયો!! હવે હું ખેરખર ગભરાઈ કારણ, એ મારી તરફ આવી રહ્યો હતું. હું પલંગ પરથી કૂદવા ગઈ, ભયના કારણે સંતુલન જાળવી ના શકી અને.. ભ..મ... થઈ ગઈ!
   
હવે મારા મુખમાંથી "ઓય..મા.. રે!" ચીસ પડી! મોહિત સફાળો જાગ્યો ને મારી તરફ આવ્યો. એ બિચારો કાંઈ સમજે એટલી વારમાં એ જંતુ મને છોડી એની ઉપર ચડી ગયો. અચાનક જાગેલા મોહિત ને તો જાણ પણ નહોતી કે જંતુ એન મસ્તિષ્ક પર ચડીને મારી સામે જોઈ રહ્યો હતો!! "શું થયું?" પૂછતો મોહિત મારી પાસે આવ્યો, હું એનાથી દૂર ભાગી. એ જંતુ એના માથા પરથી એના નાક પર આવ્યો. મોહિતે એને દૂર હડસેલી દીધો. એ પલંગ નીચે ઘૂસી ગયો.
  
મોહિતે લાઇટ કરી અને જરીક શ્વાસ લેવા બેઠો! હવે મારો દબાયેલો અવાજ ખૂલ્યો. મેં ચીસ પાડી," બેસી શું ગયો! કાઢ એને! પાછો મારી પર આવશે તો!"

મોહિત હસીને બોલ્યો," તો શું થયું! કઈ નહીં કરે સૂઈ જા! મને પણ સૂવા દે!"
હવે મેં છેલ્લો દાવ ફેકયો," મારી પર આવે તો કઈ નહીં પણ આપણા દિવ્ય પર ફરી આવશે તો??" હવે મોહિતનો પુત્ર-પ્રેમ જાગ્રત થયો! એ ઝાડુ લઈને પલંગ નીચે ઘૂસ્યો! લગભગ અડધા કલાકની સંતાકૂકડી બાદ આખરે એ જંતુ ને  મોહિતે મોતને ઘાટ ઉતારી જ દીધો!!

  એ મરેલા જંતુની મૂછ પકડીને મોહિત મારી નજીક આવ્યો! વળી મારી ચીસ દબાઈ ગઈ! મેં બહાર તરફ દોટ મૂકી ને મોહિત મારી પાછળ મને ડરાવતો આવ્યો.
અમે અડધી રાતે પકડા પકડી રમ્યા!!  
  
આખરે મેં નવું હથિયાર અજમાવ્યું, " જો હવે હેરાન કરશે તો, દિવ્યને જગાડી દઈશ! એ રડશે તો.. આખી રાત તને સૂવા નહીં દે!!"
બિચારો મોહિત! એ જંતુની અંતિમ યાત્રા અને પકડાપકડી રમવાનું છોડીને એ નો નિકાલ કરીને પથારી ભેગો થયો પરંતુ, એ સ્વર્ગ માં હું તો આખી રાત જાગતી જ રહી!!
-
તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...