ચાલો, સમાનતા ના રંગે રંગાઈ જઇયે
થોડા દિવસો પહેલાં મેં એક સુવાક્ય લખ્યું હતું,
'અભિમાન
એટલુ ઓછું રાખવું કે કોઈ વિનંતી કરતાં અચકાય નહીં!
સ્વાભિમાન
એટલુ વધારે રાખવું કે કોઈ હુકમ કરવાની હિમ્મત કરે નહીં!
-તની
આ
સુવાક્યમાં મારી એક સફરના અનુભવનો નિચોડ હતો. એક યુવાને મારો સમાનતા તરફનો
દ્રષ્ટિકોણ બદલી નાખ્યો હતો! આજે એ વિશે વાત કરવી છે...
એક
સમયે અમે U.S.A ના સાનફાન્સિસકો શહેરના પ્રવાસે ગયા હતા. એ એક એવું શહેર
છે જ્યાં જવાનું સ્વપ્ન દરેક 'ટેક ઇંડસ્ટ્રી' માં કામ કરનાર
વ્યક્તિના મનમાં હોય જ!
અમે
એરપોર્ટથી 'ઉબર' લીધી! ટેક્ષી આવતાં જ
હું તો મારૂ પર્સ લઈને અંદર બેસી ગઈ. ટેક્ષી ચલાવનાર વ્યક્તિ
અમારો સમાન મૂકવા બહાર ન આવ્યો. મને થોડી નવાઈ લાગી. મારો દીકરો સામાન ડીકીમાં
મૂકીને
મારી સાથે આવીને બેઠો ને બોલ્યો," અહીંયાં
કોઈ
આપણો સામાન ઉંચકે નહીં આપણે જ આપણું કામ કરવાનું હોય!"
ઉબર
ચલાવનાર એક ભારતીય યુવાન હતો. લગભગ મારા દીકરાની ઉંમરનો હશે! કદાચ થોડો મોટો હશે!
અમે ટેક્ષીમાં બેઠા ત્યારે," હેલો યંગ લેડી! હાઉ આર યુ!" કહીને મને આવકાર આપ્યો.
એ
ખૂબ મિલનસાર હતો. અમારી સાથે હિન્દીમાં વાત કરવા લાગ્યો. વાતો કરતાં એણે જણાવ્યું
કે આ તેની પોતાની જ 'કાર' છે. એ 'પ્રાઈવેટ કંપની'માં નોકરી કરે છે! 'ડ્રાઇવ' કરવું એનો શોખ છે એથી
ફુરસતના સમયે પોતાની કારને 'ઉબર એપ' માં ચલાવે છે! એના પિતાનો ભારતમાં
પોતાનો મોટો વ્યવસાય હતો પરંતુ, એને 'એંજિનીયરિંગ'માં રસ હતો એથી તે 'માસ્ટરસ'નો અભ્યાસ કરવા અહી આવ્યો
હતો પછી અહીં જ વસી ગયો!
મેં
એને પુછ્યું," તું હોશિયાર છે! આપણા દેશમાં પોતાનો વ્યવસાય કરીને 'બોસ' બની શક્યો હોત! તો પછી
શા માટે અહીં નાનકડી નોકરી કરે છે અને ટેક્ષી ચલાવે છે ?"
એ
સવાલના જવાબમાં અને પછી થયેલી અમારી વાતોથી મને આજના યુવાનોનો એક નવો દ્રષ્ટિકોણ
જાણવા મળ્યો.
એ
બોલ્યો," મને આજ વસ્તુ નથી ગમતી કે આપણે દરેક કામને નાનું કે મોટું
માની લઈએ છીએ અને એ કામ કરનાર વ્યક્તિને પણ કામના માપદંડથી માપીએ છીએ! ટેક્ષી કે
બસ ચલાવવી કે કોઈના ઘરની સાફ- સફાઈ કરવી. એવા કામને આપણે નાના કામ સમજીએ છીએ એથી ડ્રાઈવર, નોકર 'વોચમેન' વગેરેને નાના માણસો
માની લઈએ છીએ! એ તદ્દન ખોટું છે! દરેક માણસ સમાન છે!
મને અહીં એક ટેક્ષી ડ્રાઇવર તરીકે અને એક 'એન્જિનીયર' તરીકે એક સરખું જ
સમ્માન મળે છે! મારા બોસને હું એના નામથી બોલાવું છું, સર નહીં! મારા ઘરની
સફાઈ કરનાર પણ મને મારા નામથી જ બોલાવે છે! આ ટેક્ષીમાં બેસનારા પણ મને મારા નામથી
બોલાવે છે, હું
પણ કોઈને સર કે મેડમ નથી કહેતો. મેં અહી 'કોફી શોપ'માં કોફી બનાવવાથી
માંડીને એક કંપનીના કર્મચારી તરીકે અનેક કામો કર્યા છે! બધે જ હું મારૂ સ્વાભિમાન
જાળવી શક્યો છું એથી મને અહીં રહેવું ગમે છે!"
ટેક્ષીમાંથી
ઉતરીને અમે એનો આભાર માન્યો. અમે જ અમારો સમાન લીધો ને હોટેલ તરફ ગયા.
એ
યુવાનના વિચારોએ મને ખૂબ પ્રભાવિત કરી. આજનો યુવાન આવું વિચારે છે એ મને ખૂબ ગમ્યું. એની
વાતો સાચી હતી એ મેં મારા એક મહિનાના પ્રવાસમાં અનુભવી. ત્યાં દરેકને કામ કરનારને 'થેન્ક-યુ' કહેવું ફરજિયાત હતું.
હોટેલના સ્ટાફથી માંડીને મેનેજર બધાને નામથી જ બોલાવવાના. એટલા સમય દરમ્યાન
'મેડમ' સંબોધન મને કોઈએ નહોતું
કર્યું કે મેં પણ કોઈને 'સર' કે 'મેડમ' કહ્યું!
એ
પ્રવાસના મીઠા સ્મરણો લઈને હું ઘરે પછી ફરી. 'એરપોર્ટ' થી ટેક્ષી લીધી.
ડ્રાઇવરે બહાર આવીને મારો સમાન લઈ લીધો. બોલ્યો ,"મેડમ તમે બેસો! હું
લઈશ!" તો પણ મેં એમને સામાન મૂકવામાં મદદ કરી. ઉતરતી વખતે એમનો આભાર પણ
માન્યો. ત્યારે એના મુખ પર એક મીઠું સ્મિત આવી ગયું હતું.
'હેલો
યંગ લેડી' થી માંડીને 'મેડમ'.. સુધીની આ સફરે મને અનેક
વિચારોમાં મૂકી દીધી!!..
શું
આપણે આવી સમાનતા લાવી ન શકીએ? આપણા વિચારોમાં પરિવર્તન ન લાવી
શકીએ? આપણા
ઘરે કામ કરનારને કે 'ડ્રાઈવર'ને તેમના કામથી ઓળખવાને
બદલે નામથી ન બોલાવી શકીએ? એની
સાથે સારો વ્યવહાર કરવો એ કોઈ ઉપકાર નથી બલ્કે આપણી ફરજ છે એમ માની ન શકીએ!
કદાચ
આપણે આ કરી શકીએ પરંતુ, શું
આપણા ઉપરીઓ પણ આપણને એ જ સમ્માન આપશે? સર, મેડમ જેવા સંબોધનો
વગરની વિચાર સરણી શકય છે?
આપણે
તો સરકારી ઓફિસોના કર્મચારીઓથી લઈને આપણા ઉપરીઓ સુધી બધે જ ભાઈ- બાપા કરવા જ પડે
છે! એ બધાના અંહકારને પોષવો પડે છે! આપણા ઘરે કામ કરનારને પણ આપણી દયાનો મોહતાજ
બનવું જ પડે છે!!
શું
આપણા સમાજમાં આવી સમાનતા શકય છે! વિચારજો ..શકય છે, પણ શરૂઆત આપણે કરવી
પડશે!! બરાબર ને!
વાચક
મિત્રો, અહીં
હું કોઈ દેશની પ્રશંશા કે કોઈ દેશની માનહાનિ નથી કરી રહી! માણસના મનમાં રહેલા
વિચારોની વાત કરી રહી છું. એને દેશ સાથે કોઈ લેવા દેવા નથી! આપણા દેશમાં પણ આ
યુવાન જેવું માનનાર અને અનુસરનાર ઘણા છે! એ દેશમાં પણ અસમાનતા માં માનનાર ઘણા હશે!
અહીં હું મોટાભાગના લોકોના વર્તન અને વિચારો વિશે વાત કરી રહી છું!!
હું
માત્ર એટલું કહેવા માંગુ છું કે આપણે પણ સમાનતાનો આ ગુણ કેળવીએ અને આપણા બાળકોમાં
પણ આવા જ વિચારો રોપીએ. આપણું પદ મોટું હોય તો અહંકાર ન રાખીએ અને આપણું પદ નાનું
હોય તો હીન ભાવ ના રાખીએ! ચાલો સહુ સમાનતા ના રંગે રંગાઈ જઇયે ..
બધાને
એક સમાન ગણીએ અને કોઈના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખીએ! કોઈએ બહુ સરસ
કહ્યું છે... હું માનવી ..માનવ થાવ તો ઘણું!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો