એ જીર્ણ થઈ ગયેલા પત્રો ...

 

હાથે લખેલા પત્રોનો એક જમાનો હતો તની,

ટપકતા હતા શબ્દો કાગળ પર,

ને લાગણીઓ છલકાઈ જતી,

એની આંખો મહી!!

-તની

     આજથી બે ત્રણ દાયકા પહેલા જયારે 'સ્માર્ટ ફોન, ઈ મેઈલ કે એસ.  એમ.એસ' પ્રચલિત નહોતા ત્યારે પત્રવ્યવહાર પ્રચલિત હતો. દૂર રહેતા પોતાના સગાં સંબંધીઓને પત્રો લખીને પોસ્ટ કરતાં. અઠવાડિયા બાદ તેનો ઉત્તર આવે એની રાહ જોવાતી. ટપાલી આવે ત્યારે બધા પોતાનો પત્ર લેવા વીંટળાઈ જતા. પત્ર ના શબ્દે શબ્દમાં લાગણીઓ ઠલવાતી ને સામે છેડે એ લાગણીઓ સ્પષ્ટ વંચાતી!  આજે ટાઈપ કરેલા મેસેજમાં એવી હૂંફ નથી વર્તાતી! તમને લાગશે હું બહુ જૂનવાણી વિચારોનો છું! પરંતુ, મારી આખી વાત વાંચીને તમારો અભિપ્રાય બદલાય ના જાય તો કહેજો.

  પહેલાં હું તમને મારો પરિચય આપું. હું કેયુર, પોતાનો એક સ્વતંત્ર વ્યવસાય ધરાવું છું. સુખ-સાહેબી અને ધન દોલતની મારી પાસે કમી નથી. મારા નાનકડો પરિવાર છે. ગુણિયલ પત્ની અને બે બાળકો બધું સુખ જ છે. હા, એક સુખી વ્યક્તિ પાસે હોય એ બધું આજે મારી પાસે છે. પરંતુ, એક સમય એવો હતો જયારે હુ નકારાત્મક વિચારો કરતો હતો. મને લાગતું હતું કે મારું જીવન સાવ બેકાર છે. હું જીવનમાં નાસીપાસ થયો છું! એ સમયે થયેલા એક પત્રવ્યવ્હારે મારું જીવન બદલી નાખ્યું હતું. આજેય એ પત્રો મારી પાસે છે. એના અક્ષરો બરાબર ઉકેલાતા નથી. કાગળો પણ જીર્ણ થઈ ગયા છે છતાંય એ પત્રો મેં સાચવીને રાખ્યા છે. એ પત્રો આજેય મારો પ્રેરણાસ્ત્રોત છે.  ચાલો એ વિષે વાત કરું...

   એ સમયે હું કોલેજમાંથી 'ગ્રેજ્યુએટ' થઈને બહાર આવેલો. મનમાં એક સપનું હતું. સવારે નવ થી પાંચનો 'વ્હાઇટ કોલર જોબ', સાંજે મિત્રો પરિવાર સાથે આનંદનો સમય અને રાતે નિરાંતની ઊંઘ! બસ, આટલું જ જોઈતું હતું જીવન પાસેથી પરંતુ,..

     સવારથી સાંજ ડિગ્રીઓના પેપર લઈને અહીંથી તહીં ભટકતો રહ્યો. કોઈએ કહ્યું," માર્ક ઓછા છે!" તો કોઈએ કહ્યું," અનુભવ નથી." નોકરી તો ના જ મળી. ક્યાંક લાગવગ ન લગાડી શકયો તો ક્યાંક ટેબલ નીચેથી રકમ ન સરકાવી શક્યો. સરવાળે નિરાશા અને હતાશા મળી. પરિવારનો ફિટકાર અને સમાજમાં લાગી ગયું  બેકારનું 'લેબલ'!! મારી હાલત કફોડી થઈ. આખરે શાળાના બાળકોને 'ટ્યુશન' આપવાનું શરુ કર્યું. પણ મારો ઉગ્ર સ્વભાવ મને સારો શિક્ષક બનાવી ના શક્યો. હું બેકારીને લીધે ખુબ ત્રસ્ત રહેતો. જેથી મારો સ્વભાવ વધુ ને વધુ ઉગ્ર બનતો જતો હતો. એથી એક શિક્ષક તરીકે નિષ્ફળ રહ્યો.

   આખરે પપ્પાએ પોતાની બચત વાપરીને મને નાનકડો વ્યવસાય શરુ કરાવ્યો. પણ નસીબ આડે પાંદડું ..મેં જે કંપનીની 'ડીલરશીપ' લીધી હતી એ કંપની એક કેસમાં સપડાતા બંધ થઇ ગઈ. મારો વ્યવસાય ભાંગી પડ્યો ને માથે દેવું થયું તે અલગ! પપ્પા ઘર- બાર ગીરવે મૂકીને પણ દેવું ભરપાઈ ના કરી શક્યા. અચાનક હૃદય રોગના હુમલાથી તેમનું દેહાંત થયું!! હુ ખુદને તેમના મૃત્યુનું કારણ માનવા લાગ્યો. પરિવારની જવાબદારી ઉઠાવવાને હું કાબેલ નહોતો એવું મને લાગવા લાગ્યું હતું. હું સતત હતાશામાં રહેતો. નકારત્મક વિચારોએ મને ઘેરી લીધો હતો. જીવન ટૂંકાવાના વિચારો કરતો રહેતો. એ સમયે મારા પપ્પાના એક મિત્ર જેઓ થોડા સમય પહેલા જ વિદેશ સ્થાયી થયેલા તેમનો દિલગીરીનો પત્ર મળ્યો. જેમાં લખ્યું હતું..

ચિ.કેયુર

  મારા પ્રિય મિત્રના મૃત્યુની જાણ થતાં હૈયું દર્દથી ચીરાઈ ગયું. મારી અહીં આ પરિસ્થતિ છે તો ત્યાં તમારી શું હાલત હશે એ હું સમજી શકું છું. બેટા, મરનારની સાથે મરી નથી જવાતું એમની યાદોને દિલમાં ભરીને જીવવું તો પડે જ છે! મૃત્યુ દર્દનો અંત નથી. જીવન સનાતન સત્ય છે. જે મુશ્કેલીઓમાં પણ જીવન જીવી જાણે છે એ જ શૂરવીર કહેવાય છે એટલું યાદ રાખજે! તું પરિવારમાં મોટો છે, હવે ઘરની જવાબદારી તારી છે. હું તારા પિતા તો નથી પરંતુ પિતાતુલ્ય બની તારી પડખે છું. કાંઈ પણ મુશ્કેલી હોય તો જણાવજે. આ પત્રના ઉત્તરમાં તારી લાગણી જાણવા આતુર,

લિ.

તારા પિતાતુલ્ય હર્ષદકાકા.

   આ પત્ર વાંચીને મારી આંખો ભરાઈ આવી. એ દિવસે હું ખૂબ રડયો. એ પત્રના શબ્દોમાં એવી તાકાત હતી કે એ દિવસે હું મારા દૂરના એક સ્વજન પાસે મારૂ હૈયું ખોલી બેઠો. મેં મારી બધી જ લાગણીને પત્રમાં લખી નાખી.

વડીલ હર્ષદ કાકા,

તમારો પત્ર વાંચીને ધરપત થઇ કે મારા પિતા હજુ જીવંત છે. અહીંની પરિસ્થતિ ખૂબ ખરાબ છે. મારા પિતાના મૃત્યુનું કારણ હું જ છું.........!

લિ. કેયુર.

  એ પછીના શબ્દોમાં મેં મારી સઘળી આપવીતી લખી નાખી. મારું બધું દર્દ એ કાગળ પર ઉલેચી નાખ્યું. ને પત્ર પોસ્ટ કરી દીધો.

 એ પત્ર મળ્યા બાદ હર્ષદ કાકાએ મને એક વડીલ તરીકે અનેક પત્રો લખ્યા. દરેક પત્રમાં મને  હાર ન માનવા સમજાવ્યું. તેમણે મને સમજવ્યું કે આ જે બધું બની ગયું એ નિયતિ હતી એમાં તારો કોઈ દોષ નથી. આ નિયતિની એક ચાલ હતી. જો એ ચાલમાં તારી હાર થઈ એ ખરું પણ એક રમત માં હાર થાય એનો મતલબ એમ નથી કે રમવાનું છોડી દેવું. દીકરા, હું તારા પિતાને  સારી રીતે જાણતો હતો એ હેમશા કહેતો, માણસ ક્યારેય ખર્બ નથી હોતો, મોટેભાગે એના સંજોગો ખરાબ હોય છે બેટા, એના મૃત્યુ નું કારણ તું નહોતો બલ્કે તારા સંજોગો હતા.

આવા અનેક કારણો આપીને એમાંને મારા મનમાં રહેલો અપરાધભાવ દૂર કરી દીધો. થોડા દિવસો બાદ તેઓ રજા લઈને ભારત  આવ્યા.  ભવિષ્યમાં વ્યાજ સાથે વસૂલ કરીશ!’  એવી બાયંધરી આપીને મારું બધું દેવું ચૂકવી આપ્યું. થોડી મૂડી રોકીને તેમના એક મિત્રની સાથે ભાગીદારીમાં નવો વ્યવસાય શરુ કરાવી આપ્યો. વિદેશથી સતત પત્રો લખીને  તેઓ મને પોતાનું માર્ગદર્શન આપતા રહ્યા. મને હિંમત હારવા ન દીધી!

   ધીરે ધીરે હું વ્યસાયમાં કાબેલ બન્યો. મેં મારો સ્વત્રંત વ્યવસાય શરુ કર્યો. મારી દરેક વાતો અને મુંઝવણો હું તેમને પત્રમાં લખતો રહ્યો. તેઓ પોતાના અનુભવો અને સમજદારીથી મને માર્ગદર્શન આપતા રહ્યા. જીવનના એ કપરા કાળમાંથી આ પત્રવ્યવહાર અને કાકાના સહયોગથી હું બહાર આવી શક્યો.

   આજે હર્ષદકાકા તો હયાત નથી પણ તેમના પત્રો મહામૂલા સંભારણા રૂપે મારી પાસે જ છે. આજે પણ હું કયારેક મૂંઝવણમાં મૂકાઈ જાઉં છુ ત્યારે કોઈ ન કોઈ પત્રમાંથી એનો ઉકેલ મળી રહે છે!!

-તની

 

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...