એક પર એક ફ્રી!!
આપણા વડીલો અનેકવાર કહી ગયા છે કે મફતનું ક્યારેય કશું મળતું નથી. મળે તો પણ લેવું નહીં.!! છતાંય ' ફ્રી ' શબ્દ સાંભળતા જ આપણું મન લલચાય જાય છે અને આપણે ખરીદી કરવા ઉપડી જઇયે છીએ. હું તમને મારો આવો જ એક અનુભવ કહું...
એ દિવસે અમે ' મોલ ' માં હતાં. એક ' બાન્ડેડ સ્ટોરમાં ' એક પર એક ફ્રી ' નું બોર્ડ જોયું. ખાસ કરીને આવી ' બ્રાન્ડ ' આવી ઓફેરો ઓછી રાખે છે! કુતૂહલવશ હું અંદર ગઈ. બહુ જૂજ આઇટમ માં ' ઑફર ' હતી. મેં બે ત્રણ કલાકને અંતે થોડાક કપડાં ખરીદ્યા કારણ એમાં પસંદ ઓછી હતી. એક ગમે તો બીજું ના ગમે, જે ગમે એમાં ' સાઈઝ ' પણ ના મળે. આપણે તો ખાવામાં એક્કા! એટલે સાઈઝ બદલાતી જ રહે.. ખેર! એ વિષે બીજી કોઈ વાર લખીશ!! જેમ તેમ ચાર કુર્તી અને બે ટોપ, બે જીન્સ ખરીદ્યા. જો કે જરુર કરતાં ધણી વધારે ખરીદી કરી લીધી. વિચાર્યું બીજું તો ' ફ્રી ' માં જ છે ને. એટલે મેં તો જોઈતી ખરીદી કરી કહેવાય ને! પોતાની ' શોપિંગ સ્કિલ ' પર હરખાતા બિલ ભરવા ગઈ.
બહાર કોફી શોપમાં બેસીને કંટાળેલા પતિ મહાશય ના ચાર પાંચ ' મિસ કોલ ' પણ હતા. ખરીદીના જોશમાં ફોન તો પર્સમાં જ રહી ગયો હતો. જ્યાં બિલ ભરીને બહાર આવી ત્યાં તો એ સ્ટોરની બહાર આવી ગયો. કૉફી પણ અધૂરી મૂકીને દોડયો હતો.
ઉતાવળે બોલ્યો, " હમણાં SMS આવ્યો ' કાર્ડ પેમેન્ટ ' નો! બિલ બતાવ! "
બિલ અને SMS ની રકમ સરખી જોઈને એનું મોઢું દિવેલ પીધા જેવું થઇ ગયું!! પણ એ ચૂપ હતો હુંય સમજી ગઈ કે થોડું લાબું બિલ બન્યું છે. વિચાર્યું એ ચૂપ છે તો રહેવા દે શાંત જળમાં કાંકરી નથી નાખવી. મોડું પણ ઘણું થઇ ગયું હતું ઘરે જઈને રસોઈ કરવાનો સમય નહોતો એટલે મોલમાં જ ખાઈ લીધું. એનું બિલ ચૂકવતાં મોહિતની દશા જોવા જેવી હતી.
આખરે રસ્તામાં એણે મૌન તોડ્યું. હમણાં કોઈ પ્રસંગ નથી આવતો આટલી ખરીદી! "
મેં મારું જ્ઞાન બતાવ્યું, " જો આમ તો એક પર એક ફ્રી હતા એટલે લઇ લીધા. હવે થોડા મહિના કોઈ ખરીદી કરવી જ નહિ પડે! આવી ઓફર ક્યાં રોજ રોજ આવે છે. આપણે તો જોઈતી વસ્તુ મળીને વધારાનું મળ્યું એ નફામાં. "
ઘરે આવીને મેં બધા કપડાં પહેરીને જોયાં. અમુક પહેર્યા પછી ના ગમ્યા. તો અમુકની ' સાઈઝ ' માં ગરબડ હતી. ' સેલ ' દરમ્યાન ' ટ્રાયલ રુમ ' બંધ હતો. મને પણ આમ જોયા વિના ખરીદી કરવા બદલ પસ્તાવો થયો. બિનજરૂરી વસ્તુઓ લેવાઈ ગઈ ને મને ફિટ પણ ન થઈ. એના મુખ પર નારાજગી સ્પષ્ટ દેખાઈ.
મેં કહ્યું," કઈ નહીં! કાલે બદલી આવીશું! આટલા મોંઘા કપડાં ' વેસ્ટ ' તો ના કરાય. આખી રાત પૈસા વેડફાયાનો અફસોસ થયો પણ મન મનાવ્યું. આમ તો બીજા બધા સારા જ છે ને! જે મફતના છે એજ બરાબર નથી ! એ પણ બદલી લેવાશે!"
બીજે દિવસે હું ટેક્ષી કરીને ફરી ત્યાં ગઈ. ગઈકાલે એ ઑફરનો છેલ્લો દિવસ હતો. આજે નવો ' સ્ટોક ' આવી ગયો હતો. ' કાઉન્ટર ' પર બેઠેલા વ્યક્તિએ કહ્યું, " સોરી! ઑફરમાં વેચેલો સામાન બદલી નહીં અપાય. એ મારી ' પોલિસી ' છે."
એ બિલમાં નીચે ઝીણા અક્ષરે લખેલું હતું તે બતાવ્યું પણ ખરું! મારું તો ગઈકાલે આવું ધ્યાન પણ નહોતું ગયું! કેવું છે ને, ઑફરના મોટા પાટિયા ને સાવચેતીના અક્ષરો સાવ ઝીણા!!
હવે મને પણ ખરેખર પસ્તાવો થયો. મફતનું લેવાની ઘેલછામાં ખોટો ખર્ચ થઇ ગયો. હું પાછી ફરતી હતી ત્યારે ' નવા સ્ટોક ' માં એક કુર્તી જોઈ એ જ' કુર્તી, જે ગઈકાલે ઑફરમાં હતી. મને ગમેલી પણ મારી ' સાઈઝ ' નહોતી મળી! મેં એનું ' પ્રાઈઝ ટેગ ' જોયું. ત્યારે મને બધું ગણિત સમજાયું.
એ કુર્તી પર ગઈકાલે 1200 રૂપિયા નું ' ટેગ ' હતું. આજે એના પર 700 રૂપિયાનું ટેગ હતું આજની ઓફરમાં 10%'ડિસ્કાઉન્ટ હતો એટલે મને 630 રૂપિયામાં આજે પણ એ કુર્તી મળી જાત. જે ગઈકાલે 1200 રૂપિયાની હતી અને એક પર એક ફ્રી ની ઓફરમાં હતી, એટલે કે 600 રૂપિયાની એક!
આજના અને ગઈકાલના ભાવ વચ્ચે માત્ર 30 રૂપિયાનો જ ફરક હતો. એ નજીવી રકમ બચાવવા મેં કારણ વગરની વધારાની ખરીદી કરી લીધી!! ત્યારે મને સમજાયું માત્ર ' ટેગ ' બદલીને આવી લોભામણી ઓફર અપાય છે. જેથી આપણે કારણ વગર વધારે ખરીદી કરવા પ્રેરાઈયે છીએ!! તે દિવસથી મેં નક્કી કર્યું હવે કયારેય આવી ઑફરોમાં નથી પડવું. જયારે જરૂર લાગે ત્યારે ' ફ્રેશ સ્ટોક ' માંથી ખરીદી કરવી. જેને પહેરીને ખાતરી કરીને લેવાય. બદલવાની ઝંઝટ પણ નહિ ને વળી નવા સ્ટોકમાં ' ચોઈસ ' પણ વધારે મળે!! ખરું ને..?
પણ... જુઓને! શું કરું!! આ લખી રહી છું ત્યારે ' નોટીફીકેશન ' હમણાં જ બીજા એક ' સ્ટોર ' ની ઑફરનો ' SMS ' આવ્યો!! લાગે છે જોઈ તો આવું જ! મારે ક્યાં ખરીદી કરવી છે...જોવા જ જવું છે ને!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો