આપ કી અદાલત 'તની'' કે સાથ...
એ
દિવસે હું મારા પોતાના સગા વર સાથે દ્રશ્યમ ( પહેલી વાળી, ત્યારે ડિરેક્ટર ને પણ કયા ખબર હતી કે
બીજો ભાગ બનાવશે! નહીં તો આગળની ફિલ્મ દ્રશ્યમ 1 હોત!) ફિલ્મ જોઈને થિયેટરની બહાર નીકળતી
હતી ત્યારે મારા એક પાડોશી અમારી સામે દ્રશ્યમાન થયા.
તેઓ બોલ્યા," કેમ અહીંયા! ફિલ્મ જોવા આવેલા?"
ત્યારે મને કહેવાનું
મન થયું," ના..
ના દવાખાને દવા લેવા આવ્યા હતા. ત્રણ કલાકથી લાઇનમાં બેઠેલા!"
મોહિતે કહ્યું,
" હા! જો ફિલ્મ જોવા
આવેલા, તમે
અહીંયા ક્યાંથી?"
એમના હાથની આંગળી
પકડીને ઉભેલી દીકરીને બતાવીને બોલ્યા," આ છોકરાવ ને કેટલા દિવસોથી ફિલ્મ જોવી
હતી એટલે ફિલ્મ જોવા
આવેલા! તમારા
બાળકો દેખાતા નથી.?"
હું હરખ પદુડી વચમાં
જ બોલી પડી," એ
બંને મામાના ઘરે રહેવા ગયા છે એટલે અમે આજે અહીંયા આવી ગયા." ત્યાં જ દીકરાની
સાથે ચાલતી તેમની પત્ની પણ આવી પહોંચી.
"ઓહો.. હો હો..! લે
બંને એકલા એકલા મજા કરી આવ્યા ને કઈ! જલસા છે, બાકી! અંગરેજી ફિલ્મમાં ના ગયા?"
મનીષ ભાઈ મલકાતા
બોલ્યા.
એમની
વાતનો ગૂઢાર્થ મોહિત સમજી ગયો! એ મારી વાતને બદલતા બોલ્યો," બાળકોને 'સસ્પેન્સ' ફિલ્મ ગમે નહીં એટલે અમે આજે જોઈ
લીધી."
મનીષ ભાઈની પત્ની નીતા બોલી," અમે તો બાળકોને મૂકીને ક્યાંય ના જઈએ. એ
લોકો ફિલ્મ જોવા જેવડા! આપણે એકલા નીકળી પડ્યે એવું અમને સારું ના લાગે."
એમના
એ વાકયથી મારા ચહેરા પર આવેલ હાસ્ય ગાયબ થઈ ગયું. અમે માતા પિતા તરીકે કેટલા ક્રૂર
છીએ એવો અહેસાસ થઈ ગયો! અમે ઘરે પહોંચ્યા ત્યાં સુધી સતત ચાલતા એમના અનેક પ્રશ્ર્નોએ અમને આપકી
અદાલતમાં એક ખરાબ માતા-પિતા સાબિત કરી દીધા હતા!!
ઘરે
આવીને મેં ભાઈને ફોન કરી બંને બાળકોને ઘરે પાછા બોલવી લીધા. આખું અઠવાડિયું બંનેને
ભાવતી બધી વાનગીઓ બનાવી. બીજા રવિવારે બંનેને એક ફિલ્મ પણ જોવા લઈ ગયા તોય આપકી
અદાલતમાંથી નિર્દોષ છૂટયા હોય એવું ન લાગ્યું મનીષ ભાઈનું "ઓહો..હો..!"
ભૂલવું અશક્ય હતું!
સાચું
કહું, આપણાં સમાજમાં
માતા-પિતા બનવું એટલે ગાયના ગળે ઘંટ બાંધવો! જ્યાં જઈએ ત્યાં બાળકોની ગૂંજ એ
ઘંટડીનો અવાજ બનીને રણકતી હોવી જ જોઈએ! જો ન વાગે તો એ ગાયને આ સમાજ ડફણા મારીને
ગધેડો જાહેર કરી દેતા અચકાતો નથી! મનીષ ભાઈ જેવા લોકો તમને પણ ક્યાંક ને ક્યાંક
ભટકાયા જ હશે!! આવા લોકોને પોતે પણ બાળકને મૂકીને એકલા બહાર જવું હોય છે પરંતુ,
સંજોગોને લીધે આવું
નથી કરી શકતા એટલે બીજાને," એકલા
એકલા મજા કરી આવ્યા!" એવા શબ્દો કહીને આપકી અદાલતમાં ઊભા રાખી દે છે!
આવા લોકો ઘણીવાર આપણા
સગાં પણ હોય. જેમને આપણું ક્યાંક જવું ખટકતું હોય. એવા સમયે એ કહે," દીકરીને ઘરે એકલી મૂકીને મજા કરી આવ્યા!
બિચારી કયારથી એકલી હશે ને!" ત્યારે કહેવાનું મન થાય," રોજ અમે ઘરના કામથી કે વ્યવહારિક કામથી
બહાર જઈએ છીએ ત્યારે બિચારી એકલી નથી હોતી! આજે અમે અમારા મિત્રો સાથે બહાર ગયા
એટલે એ બિચારી થઈ ગઈ !!"
તોયે ચૂપ રહીને સાંભળી લેવું પડે!!
આવી
રીતે આપકી અદાલતમાં ઊભા રહેવાનું થાય ત્યારે શું કરવું?? મારી થોડીક ટીપ્સ આપું! એવું છે ને,
આજકાલ મેં રજત ભાઈ
શર્મા પાસે 'ઑનલાઈન
કલાસીસ' લેવાના
શરૂ કર્યા છે! હું મોટી હસ્તીઓ સાથે નહીં પરંતુ, સમાજના સામાન્ય લોકો સાથે 'આપકી અદાલત' શરૂ કરવાની છું!!..
આવા કેસમાં એટલું
સમજી લેવું કે હવે આપણે જો ખુદને નિર્દોષ સાબિત કરવા જઈશું તો કેસ હારી જ જઈશું! એ
તો નિશ્ચિત છે! એવા ઉધામા કરવા નહીં બલ્કે, પોતાનો દોષ કબૂલ કરી લેવો! એ પણ બિન્દાસ
બનીને!!
આવું બોલનારને કહેવું,"
બહુ મજા આવી! સાચે જ
આજથી અમે તો નક્કી કરી લીધું કર્યું છે કે મહિને એકાદ વાર બાળકોને મામાના ઘરે
મોકલી આપીને મજા કરવા જવું જ છે!!"
ક્યારેક
પોતાને નિર્દોષ સાબિત કરવા બાળકોને અપરાધી બનાવતા પણ ન અચકાવું!
કહેવું,"
અમારા બાળકો તો અમારી
સાથે આવે જ
નહીં. અમે
તો કહી કહીને થાક્યા! તમારા બાળકો બહુ ડાહ્યા હજીયે સાથે આવે છે!" ત્યારબાદ એ
વ્યક્તિ અદાલત નો ચૂકાદો જાહેર કરે એ પહેલાં જ હસતાં હસતાં ત્યાંથી નીકળી જવું!
(જરા ફિલ્મી અદામાં, પોતાના
સગા વરનો હાથ પકડીને મીઠી વાતો કરતા નીકળવું!!) જો જો, બીજીવાર એ વ્યક્તિ તમને અદાલત માં ઊભા
રાખશે જ નહીં, એ
પાકું!!
આમ
કોઈ ના કોઈ બહાને પોતાના જીવન સાથી સાથે થોડો મીઠો સમય વિતાવી જ લેવો! માતા-પિતા
બન્યા એથી એક
યુગલ નથી રહ્યા, એવું
જરાય ન સમજવું!!" બાળકો માટે એમનો સમય કાઢવો અને પોતાના માટે પોતાનો અંગત સમય
કાઢવો, જરૂરી
છે! એ વચ્ચેની પાતળી ભેદરેખા આપણે જ ખેંચવી રહી! બીજા કાંઈ પણ કહે એની ચિંતા ન કરવી!
આખરે આપણું જીવન આપણી મરજી!!
અહીં એક ગીતની પંક્તિ
યાદ કરીને અપરાધ ભાવ દૂર કરી લેવો..
"એશ તું કર યારા એશ
તું કર..
દુનિયા જાય તેલ લેને,
મોજ તું
કર...!!"
શું કહો છો..??
ચાલો ત્યારે, આવતા એપિસોડ માં બીજા મુદ્દા સાથે ફરી
મળીશું ..આપકી અદાલત તની કે સાથ' માં...
ચાલો, હવે મૂકો ફોન, મજા કરવા નીકળી પડો.. .!!
-તની
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો