મારૂ લખાણ _ એક આત્મ મંથન (award winnner blog )

  એક જર્મન લેખિકા 'એન ફ્રેન્ક' એ લખ્યું હતું ," આઈ કેન શેક ઓફ એવરીથિંગ વેન આઈ રાઈટ. માઈ સોરોસ ડિસપેયર એંડ માઈ કરેજ ઇસ રીબોર્ન!" મતલબ ,"  હું જ્યારે લખું છુ ત્યારે બધુ જ ખંખેરી શકું છું, મારા દર્દ અદ્રશ્ય થઈ જાય છે અને મારી હિંમત ફરી જન્મ લે છે!"

સાચું કહું મિત્રો, લેખન મારા માટે પણ આવું જ કઈક છે. જ્યારે કલમથી શબ્દો ટપકે છે ત્યારે લાગે છે જાણે મન કાગળ સાથે વાતો કરતું ન હોય! મનની વાતો જ્યારે શબ્દોમાં પરોવાઈને કવિતા, વાર્તા કે લેખ બની જાય છે ત્યારે થતાં આનંદ ને શબ્દોમાં વર્ણવવું મારા માટે પણ અશક્ય છે! એ આનંદની અનુભૂતિ કઈક અલગ જ છે!!

 લેખન અને વાંચન પહેલી જ મારા સૌથી પ્રિય શોખ રહ્યા છે.  એ સમય હતો જ્યારે હું હાઈ સ્કૂલ અને કોલેજમાં હતી. એ સમયે લાઈબ્રેરી મારી સૌથી પ્રિય જગ્યા હતી. જયાં હું કુંદનિકા કાપડિઆ, હરકિશન મહેતા,  ઝવેરચંદ મેઘાણી,  મહાત્મા ગાંધી જેવા અનેક લેખકોના પુસ્તકો વાંચતી રહેતી. એક સમયે મારા સંબંધીઓ કહેતા ,"બસ કર હવે! આંખે ડાબલા જેવા ચશ્માં આવી જશે વાંચી વાંચીને! કોઈ સારો છોકરો પસંદ નહિ કરે તને!" 

  હું એમની વાતોને સાંભળી ન સાંભળી કરીને વાંચતી રહેતી. ઘરમાં આવતા બંને છાપા 'ટાઈમ્સ ઓફ ઇન્ડિયા' અને 'ગુજરાત સમાચાર'નો શબ્દે શબ્દ વાંચતી. ઇન્ડિયા ટુડે, ચિત્રલેખા, અભિયાન જેવા અનેક મેગેઝીનોના દરેક પાના વાચંતી  રોજિંદ કામથી ફુરસત કાઢીને વાંચન કરી લેવું એ મારૂં રૂટિન બની ગયું હતું. 

  ઘણીવાર વાંચતાં વાંચતાં ઊંડા વિચરોમાં ખોવાઈ જતી અને પછી એકાદ નાનું નાનકડું મુક્તક કે સુવાક્ય નોટબુકના પાછલા પાને લખી લેતી. પોતાની એ રચના ને અનેકવાર વાંચતી અને પછી તેને મઠારતી.

કવિ અમૃત 'ઘાયલ'  એ કહ્યું છે ને,

જીવન જેવુ જીવું છુ,

એવું કાગળ પર ઉતારું છું!

ઉતારું છુ પછી થોડું ઘણું એને મઠારું છું!!

 અનેક વાર મઠારીને એક સુંદર રચના તૈયાર થતી. એ સર્જનમાંથી મળતો આનંદ મારા મનને ખુશખુશાલ બનાવી દેતો. મારી એ રચના મારા મિત્રોને વાંચીને સંભાળવતી. એમની વાહ-વાહ મળતી ને મારો દિવસ સુધરી  જતો! ફુરસતના સમયે નાનકડી વાર્તાઓ લખતી. રોજ મારી ડાયરી પણ લખતી. મોટા મોટા નિબંધો લખતી. નિબંધ લેખન સ્પર્ધાઓમાં ભાગ લેતી. શબ્દોની દુનિયામાં ખોવાઈ જવું મારો શોખ હતો પરંતુ, એ શોખ મારી અંગત જવાબદારીઓ ને કારણે રોજની આદત બની ન શક્યો.  છત્તાંય જ્યારે સમય મળતો અને સારા વિચારો આવતા ત્યારે હું એને મારી ડાયરીમાં ટપકાવી લેતી....

 સમયની માંગ બદલાતા લેખન છૂટી જ ગયું અને વાંચન પણ ઓછું થતું ગયું. સમય દિવસોથી વર્ષોમાં પરિવર્તિત થતો ગયો. આખરે એક સમય એવો આવ્યો જ્યારે જવાબદારીઓ ના વમળમાંથી મને થોડી ઘણી રાહત મળી અને મારા જૂના શોખને ફરી વિકસાવવાનો મોકો મળ્યો. એમાં મને ઓનલાઈન મંચનો સાથ મળ્યો. કોરાણે મુકાઇ ગયેલી એ કલમ ફરીથી મારા હાથમાં આવી જ ગઈ.  લેખન માટે વિષયો અને વાચક વર્ગ પણ મળી ગયો. જાણે એવું લાગ્યું કે મારા વિચારોને પાંખો મળી ગઈ. 

   મેં અભરાઈ પર મૂકી રાખેલી મારી જૂની ડાયરી કાઢી! જીર્ણ થઈ ગયેલા કાગળોમાં મારા પહેલાંના લખેલા પરંતુ, ક્યારેય પ્રગટ નહીં કરેલા કાવ્યો અને વાર્તાઓનો સંગ્રહ કાઢયો!  હવે હું એ તરૂણી નહોતી કે જે પોતાની કલ્પનામાં વિહરતી રહેતી. હવે મારા વિચારોમાં વૈવિધ્ય આવ્યું હતું. એક પત્ની , માતા, શિક્ષિકા અને ખાસ કરીને એક સ્ત્રી હોવાના મારા અનુભવો મારા લેખનમાં ભળ્યા અને એક પછી એક નવી કૃતિઓની રચના થતી ગઈ. મારી પાંખો ફડફડતી ગઈ થોડું ઊડવાનું હું શીખી જ ગઈ. 

  હવે મારી પોતાની એક ઓળખાણ બની. હું મારા નામ અને ઉપનામ એટલે કે 'પેન નેમ' થી ઓળખાવા લાગી. મારા હૃદયના ભાવોને વાચા મળી. મન નો ભાર શબ્દો બની વહેવા લાગ્યો અને મારી ખુશીઓ શબ્દોમાં ભળીને બમણી થવા લાગી!

    લેખન એપ અને સોશ્યલ મીડિયા પેજ પર મારા ફોલ્લોવર્સ વધી રહ્યા હતા. બધાનો પ્રતિસાદ લાઈક અને કોમેંટ્સથી મળી રહ્યો હતો.  પ્રોત્સાહક ટિપ્પણીઓએ મારો ઉત્સાહ વધાર્યો અને કટાક્ષ ટિપ્પણીઓ એ મારી ભૂલો સુધારીને મને વધુ સારું લખવાની પ્રેરણા આપી.  આમ મારૂં લેખન મારી આદત બનતું ગયું. 

 લેખનને લીધે મારા વિચારોમાં હકારાત્મકતા આવી. દરેક વાર્તાને સુખદ અંત આપતી વખતે મને મારા અંગત જીવનના દુ:ખો સામે લડવાની પ્રેરણા મળી. કારણ હવે હું વિચારવા લાગી હતી કે આ દુ:ખોનો અંત તો સુખદ આવશે જ! આમ એક વ્યક્તિ તરીકે હું મહૃદઅંશે બદલાતી ગઈ. આમ લેખન મારા તો આત્મ ઉત્થાનનું કારણ બની રહ્યું. 

  ધીરે ધીરે મારા વાચકો મારા મિત્રો બનવા લાગ્યા. મારા લેખન ને એક હેતુ મળ્યો, મારા.મનમાં ચાલતી વાતોને મારા મિત્રો સાથે વહેંચીને મોકળા થવાનો! વિચારો શબ્દોમાં ઉતરતા ગયા અને મિત્રો સાથે વાત કરતાં ગયા. ધીરે ધીરે વાચક મિત્રો સાથે પ્રેમનો સેતુ બંધાતો ગયો. જે મારા લેખનનો હેતુ બની ગયો. ક્યારેક મારા વિચારો એમની પ્રેરણ બની જતાં તો ક્યારેક એમના અભિપ્રાયો મારી પ્રેરણા બની જતાં. આમ અમે એકમેકમાં ઓતપ્રોત થતાં ગયા. 

  એક ઉદાહરણ આપીને વાત કરું, હું એક વાર એક ગુજરાતી ફિલ્મ જોવા ગઈ હતી. એ ફિલ્મ ખૂબ સારી હતી છતાંય થિયેટરમાં બહુ જૂજ લોકો જ હતા. ત્યારે મને વિચાર આવ્યો કે બૉલીવુડ અને હોલીવુડ ની ફિલ્મો ઠીકઠાક હોય તો પણ એને પ્રેક્ષક વર્ગ મળી જ રહે છે પણ આપણી ફિલ્મોને નથી મળતો. મેં વિષે એક બ્લોગ લખ્યો એમાં આપણી માતૃભાષામાં બનતી ફિલ્મોને અને તેના કલાકરો ને પ્રોત્સાહિત કરવા આપણે થિયેટરમાં ગુજરાતી ફિલ્મો જોવા જવું જોઇએ, એ વિશે વાત કરી. એના થોડાક દિવસો બાદ એક વાચક મિત્રે મને મેસેંજર પર મેસેજ કરીને કહ્યું," અમે ગઇકાલે ગુજરાતી ફિલ્મ જોઈ આવ્યા હવે રેગ્યુલર જઈશું."    

  એ સમયે મારી આખોમાં ખુશીના આંસુ આવી ગયા. મારૂ લેખન કોઈક માટે પ્રેરણા બની ગયું. 

 એવો જ એક અનુભવ થયો જ્યારે એક પાર્ટીમાં એક મિત્ર એ મારી એક વાર્તા વિશે કહ્યું," એ તો મારી જ વાર્તા છે, આમાં મારા જ મન ની વાત લખી હોય એવું લાગે છે! થોડી વાર મને લાગ્યું કે હું જ એની નાયિકા છું અને આ બધુ મારી સાથે બની રહ્યું છે!!”.

   મારી રમૂજી વાર્તા વાંચીને કોઈએ કહ્યું,” આજે તો બહુ હસી! હસીને પેટ દુખી ગયું!’

મારી એક રોમાંચક વાર્તા વાંચ્યા બાદ એક મિત્રનો ફોન આવ્યો, તેણે કહ્યું,” અડધી વાર્તા વાંચીને જ  મને ડર લાગી ગયો! આગળ વંચાયું જ નહીં! આ વાર્તનો અંત શું છે? કહી દો ને ..!”

 આવા પ્રતિભાવો સાંભળીને એ સમયે મને જે ખુશી થઈ થઈ એને શબ્દો કેમ આપું ..

શું આને આત્મ પ્રશષ્તિ કહી શકાય ખરી? ના..હરગીજ નહીં! આ તો એક વાચક અને લેખક વચ્ચે નો સેતુ છે. આ તો આત્મમંથન છે. ખુદ સાથે વાત કરી ખુદ ને સમજવાનો પ્રયત્ન કરી. એ મંથન ને શબ્દોમાં રજૂ કરીને પોતાના મિત્રો સાથે વહેંચવાની એક કોશિશ છે. 

  હું મારા લેખન થી સમાજ ને સુધારી શકીશ કે નહીં એ તો હું જાણતી નથી કારણ હું એટલો મોટો વાચક વર્ગ ધરાવતી જ નથી પરંતુ,  જે જૂજ લોકો,  મારી વાર્તાઓ , મારા લેખો કે બ્લોગ વાંચે છે. એમાંના કોઈ એક ને પણ એકાદ નાનકડી પ્રેરણા મળી જાય અને એ પોતાન જીવનમાં કે વર્તનમાં કોઈક બદલાવ લાવવાની કોશિશ કરે,  એવી આશા હું જરૂર રાખું છું! 

 મારૂ પ્રથમ પુસ્તક “કલમ નો કલરવ” આવી અનેક વાર્તા નો સંગ્રહ છે,  જે મારા અંગત જીવનથી જોડાયેલી છે. દરેક વાર્તા ના અંતમાં મારા એ અનુભવ માંથી મને જે શીખ મળી છે એનું વર્ણન કર્યું છે. કદાચ કોઈકને એમાંથી પ્રેરણા મળી જાય. જો એકાદ વાચક પણ એમાંથી કશુક સમજીને પોતાના વિચારમાં પરિવર્તન લાવવાની કોશિશ કરશે તો પણ મારી કલમને કશુંક સારું કર્યા નો સંતોષ મળશે.

   મારા લેખન થી હું મારા વાણી, વર્તન અને વિચારમાં બદલાવ લાવી શકી છું અને હજીયે હું સતત એક બહેતર વ્યક્તિ બનવાનો પ્રયત્ન કરી રહી છું.  એ જ બદલાવ મારા વાચકોમાં પણ આવશે એ જ હેતુથી લખતી રહું છુ ને લખતી રહીશ. આત્મ પ્રશસ્તિ માટે નહીં પણ આત્મ મંથન માટે લખવું છે... એ જ મારા લેખન નો હેતુ છે અને સદાય રહેશે

તની


ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...