અનોખુ બંધન ( award winnner story )
સનસેટ પોઇન્ટ તો હજી દૂર છે! ગાડી અહીં કેમ રોકી દીધી! મારે સનસેટ જોવો છે, જલદી ચલો ને! મોડું થઇ જશે તો સૂર્યાસ્ત થઇ જશે! " સૌમ્યાની વાતને સાંભળવા છતાંય મયંક કાર ત્યાં જ પાર્ક કરીને બહાર નીકળ્યો. મહાબળેશ્વર ફરવા આવ્યા ત્યારથી સૌમ્યા રસ્તામાં સતત બોલતી હતી. મંયક ચુપચાપ સાંભળતો પણ જવાબ ના આપતો. પરંતુ, અત્યારે કશું જ બોલ્યા વિના બહાર નીકળી ગયો. મયંકની પાછળ સૌમ્યા પણ કારની બહાર આવી. હજી થોડા દિવસો પહેલા તેમના લગ્ન થયેલા. મયંક તેનાથી સતત દૂર રહેતો. ઘરના બધાના આગ્રહ ને લીધે બે દિવસ માટે મહાબળેશ્વર ફરવા આવ્યા હતા.
મયંક પહાડોને જોતો, સિગરેટ સળગાવીને ધુમાડા કાઢતો હતો. સૌમ્યા બોલી," કેમ સનસેટ પોઇન્ટ નથી જવું? આ શું ફરી સિગારેટ! તમે એક ડૉક્ટર થઈને આવી હાનિકારક આદતના ગુલામ છો! તમારે આવું ના કરવું જોઈએ. " " બસ સૌમ્યા! મયંક થોડા કડક અવાજમાં બોલ્યો," જો આ મારી લાઈફ છે. હું વર્ષોથી આજ રીતે જીવતો આવ્યો છું. તું કૃતિની મમ્મી છે, એટલે મારી પત્ની છે. મારા જીવન પર પત્ની તરીકે હક જમાવવાની કોશિશ ના કરતી. હું ડ્રાઈવ કરીને થાક્યો છું. રિસોર્ટ અહીંથી થોડે જ દૂર છે, મારે ત્યાં જઈને આરામ કરવો છે. તને ' સનસેટ પોઇન્ટ ' જવાની ઈચ્છા હોય તો ' કેબ ' લઈને જઈ શકે છે. " મયંકના સ્પષ્ટ શબ્દોથી સૌમ્યા ડઘાઈ જ ગઈ. આગળ કશું ના બોલી. ચુપચાપ ત્યાંના પહાડોને જોતી રહી. જોકે પહાડો હવે સાફ નહોતા દેખાતા. થોડા ધૂંધળા લાગી રહ્યા હતા. કદાચ પાંપણ પર જામેલા અશ્રુને લીધે!
સૌમ્યા અને મયંકના લગ્નનું બંધન કઈક અનોખું હતું. મયંક એક સફળ બિઝનેસમેન આનંદ મહેતાનો એકનો એક દીકરો! એને પિતાના વ્યવસાયમાં રસ નહોતો. ભણી ગણીને ડોક્ટર બન્યો અને મુંબઈની ખ્યાતનામ હોસ્પિટલમાં ફરજ બજાવતો. તેની પહેલી પત્ની સીમા રૂપનો અંબાર હતી. મયંક એને ખુબ ચાહતો હતો. એમના પ્રેમની નિશાની કૃતિને જન્મ આપીને સીમા સ્વર્ગે સિધાવી ગઈ હતી. નાનકડી કૃતિના ભવિષ્યને ખાતર મયંકના પિતા આનંદભાઈએ પોતાની ઓફીસમાં કામ કરતી સૌમ્યાને મયંક સાથે લગ્ન કરી લેવા વિનંતી કરી. સૌમ્યા એક સાધારણ પરિવારની દીકરી! નામ એવા ગુણ! સ્વભાવે શાંત અને સૌમ્ય! પોતાની માતાને નાની ઉંમરમાં ખોઈ બેઠેલી. દેખાવમાં સૌમ્યા એટલી સુંદર નહોતી પણ ભણવામાં ખુબ હોશિયાર હતી. ' MBA ' ની ડિગ્રી લીધા પછી લગ્ન માટે ઘણા છોકરા જોયા પણ ક્યાંક મેળ ના પડ્યો કોઈને રૂપમાં નહોતી ગમતી. તો કોઈને બહુ ભણેલી છોકરી નહોતી ગમતી. તેને પણ ઓછું ભણેલા છોકરા પસંદ નહોતા પડતાં. આમ બત્રીસ વર્ષની થઈ ગઈ હતી. ઓફીસમાં ખંતપૂર્વક કામ કરતી. આનંદભાઈને પિતા સ્વરૂપ માનતી. જયારે આનંદભાઈ મયંક માટે વાત કરવા તેમના ઘરે ગયા ત્યારે સૌમ્યાના પિતા રશેષભાઈ થોડા ખચકાયા હતા. પરંતુ, સૌમ્યાએ તૈયારી બતાવી. કહ્યું," પપ્પા, હું એ લોકો સારા છે! વળી હું મયંકને પણ ઓળખું છું. એ ડૉક્ટર છે. હું મા ના પ્રેમ વિના મોટી થઇ છું પરંતુ, એક મા વિહોણી દીકરીને મા નો પ્રેમ આપવામાં મને આનંદ થશે .પોતાના બાળકને બધા જ પ્રેમ કરે પરંતુ, બીજાના બાળકની મા બનવાનું સૌભાગ્ય કોઈક ને મળે. હું તૈયાર છું. " મયંક સીમાને ભૂલી નહોતો શક્યો પરંતુ કૃતિના ભવિષ્યને લીધે લગ્ન માટે તૈયાર થયો. લગ્ન સાદાઈથી કરવામાં આવ્યા. સૌમ્યાને ઘરના સહુએ પ્રેમથી આવકારી. સાસુ સસરાએ તેના પર વહાલની વર્ષા કરી. કૃતિ સૌમ્યાના ખોળાને મા નો ખોળો સમજી ખેલવા લાગી હતી. પરંતુ, મયંકના દિલમાં હજી સીમાની યાદો ભરી હતી જ્યાં સૌમ્યા પોતાની જગ્યા બનાવી નહોતી શકી. અહીં ફરવા આવીને મયંક સાથે થોડી એકાત્મતા સાધી શકાશે એવું લાગ્યું હતું. પરંતુ,આ બનાવથી એક્દમ સહેમી ગઈ. ચૂપચાપ ગાડીમાં જઈને બેસી ગઈ.
સિગારેટના ધુમાડા ઉડાડતો મયંક સીમા સાથે અહીં વિતાવેલા મીઠા સ્મરણોની યાદમાં ખોવાઈ ગયો હતો. મંયકને જયારે રજા મળતી ત્યારે, સીમાને લઇને બે ત્રણ દિવસ મહાબળેશ્વર આવી જતો. આમ જ રસ્તા વચ્ચે કાર પાર્ક કરીને ઉભા રહી જતાં સીમાને પહાડોની સુંદરતા માણવી ગમતી. એ કહેતી, " આ પહાડો કેટલા સ્થિતપ્રજ્ઞ ઉભા છે છતાંય, તેમનામાં સુંદરતા છે! એટલે જ પાસેથી પસાર થતા વાદળ પણ તેમને ચૂમીને જાય છે. મયંક કહેતો, " હું વાદળ ને તું મારો સુંદર પહાડ! " કહીને તેને પ્રેમથી ચૂમી લેતો. સીમા ખીજાવાનો ડોળ કરતી, " કોઈ જોઈ જશે તો...તું પણ સાવ ગાંડો છે! " મયંક કેહતો, " કોઈને જોવું હોય તો જુવે! હું મારી પત્નીને હું પ્રેમ કરું છું એમાં બીજાને શું! "...અચાનક એના વિચારોની તંદ્રા તૂટી. ખિસ્સામાં રહેલો મોબાઈલ રણક્યો. ઘરેથી મમ્મીનો ફોન હતો. પપ્પાને છાતીમાં અસહ્ય દુખાવો થતો હતો. મંયક બોલ્યો, " હોસ્પિટલમાં જવું પડશે. હું હમણાં મદદ મોકલી આપું છું. " તરત હોસ્પિટલમાં ફોન કરી એક ડોક્ટર મિત્રને ' એમ્બ્યુલન્સ ' સાથે ઘરે રવાના કર્યો. ફોન મૂકી તરત મયંક ગાડીમાં બેઠો અને ગાડી મુંબઈ તરફ મારી મૂકી.
થયું? આપણે ક્યાં જઇયે છીએ? " સૌમ્યા બોલી. " ઘરે જવું પડશે પપ્પાને છાતીમાં દુઃખે છે. મેં તેમને હોસ્પિટલમાં ' એડમીટ ' કરવા કહ્યું છે. મારે જલદીથી હોસ્પિટલ પહોંચવું પડશે. " મયંક બોલ્યો. કાર ચલાવતા તેણે હોસ્પિટલમાં ફોન કર્યો. બીજા ડોક્ટરોને જરૂરી સૂચનો આપવા લાગ્યો. સતત ફોન આવતા હતા. સૌમ્યા બોલી, " તમે ફોન પર વાત કરો! હું ડ્રાઈવ કરીશ. " " તું કરી શકીશ? રસ્તો ઢોળાવવાળો છે! " મયંક બોલ્યો. " તમે ચિંતા નહીં કરો. હું કરી લઈશ. " આઈ એમ કવાઈટ સ્યોર! " સૌમ્યા બોલી. મયંકે ' સ્ટીરીંગ વ્હીલ ' સૌમ્યાને સોપ્યું અને ફોન પર ધ્યાન કેન્દ્રિત કર્યું. સાથી ડોક્ટરો સાથે સંપર્ક ચાલુ રાખ્યા. સૌમ્યા આખે રસ્તે પપ્પા માટે પ્રાર્થના કરતી હતી અને મયંકને હિમ્મત આપતી રહી. સતત અને સુરક્ષિત રીતે કાર ચલાવીને સૌમ્યા મંયકને હોસ્પિટલ લઈ આવી. આનંદભાઈનેે ICU માં ખસેડ્યા હતા. મયંક તેમની સારવાર માટે દોડ્યો અને સૌમ્યા મમ્મી અને કૃતિ પાસે પહોંચી.
પપ્પાની તબિયત થોડા કલાકો બાદ સ્થિર થઈ. ' માઈનર એટેક ' આવ્યો હતો. મયંકની અને સાથી ડૉક્ટરની કોશિશો કામયાબ રહી. મંયકે રાહતનો શ્વાસ લીધો. સૌમ્યા મમ્મીને લઈને ઘરે ગઈ. મંયકને આ મુશ્કેલીના સમયે સૌમ્યાની સમય સૂચકતા અને ધૈર્ય સાચવી રાખવાની રીત ગમી. એણે આજે મયંક માટે એક મિત્રની ફરજ સારી રીતે બજાવી હતી. પપ્પાની ગેરહાજરીમાં ઑફીસ પણ તેણે સારી રીતે સંભાળી લીધી. આ બધી જવાબદારીમાં કૃતિનું ધ્યાન રાખવામાં કોઈ કચાશ ન રાખતી. મા વિનાની કૃતિને વહાલ કરતી સૌમ્યા, પોતાના માતા પિતાને આદર આપતી સૌમ્યા, એક આગવી કાબેલિયતથી ઑફિસ સંભાળતી સૌમ્યા માટે મયંકને ખૂબ માન ઉપજ્યું. પોતે તેને લગ્ન બાદ કોઈ સુખ કે સન્માન આપ્યું નહોતું. બલ્કે સતત તેની ઉપેક્ષા કરતો રહ્યો હતો. છત્તાંય સૌમ્યા કોઈ ફરિયાદ કર્યા વિના તેના માટે કેટલું કરી રહી છે! એ જોઈ મયંકના હૃદયમાં એક અનોખી લાગણી જન્મી. હવે તેનું વર્તન સૌમ્યા પ્રત્યે રુક્ષ નહોતું રહ્યું. બલ્કે હવે ઘણી સારી રીતે વાત કરતો. બંને હવે મિત્રો બન્યા હતાં. સૌમ્યા પણ મંયકના વર્તનમાં આવેલા બદલાવથી ખુશ હતી.
પપ્પા પણ હવે ઘરે આવી ગયા હતા. ઑફિસે જવાનું હજી શરુ નહોતું કર્યું. સૌમ્યા જ ઑફિસે જતી. ઘરે આવીને પપ્પા સાથે કામની વાતો કરતી. એક સાંજે તેઓ ઑફિસના કામ વિષે ચર્ચા કરી રહ્યા હતા. ત્યારે મયંક બોલ્યો, " મારો વિચાર છે, પપ્પાને હવા ફેર કરવા થોડા દિવસ મહાબળેશ્વર લઈ જઇએ. બધા સાથે જઈશું તો મજા આવશે. " બધાએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો.
શનિવારે સવારે બધા સાથે નીકળ્યાં. રસ્તામાં સૌમ્યા અલકમલકની વાતો કરતી હતી. બંને આગળની સીટ પર બેઠા હતા. મયંક ડ્રાઈવ કરતાં બોલ્યો, " પપ્પા, સૌમ્યા પણ ખૂબ સરસ ' ડ્રાઇવિંગ ' કરે છે. ત્યારે એ જ મને અહીંથી હોસ્પિટલ લઈ આવી હતી. પપ્પા બોલ્યા, " મારી દીકરી સર્વ ગુણ સંપન્ન છે. " પહેલીવાર મયંકના મુખે પોતાની પ્રશંસા સાંભળીને સૌમ્યા શરમાઈ ગઈ. મંયકે તેની આંખોમાં જોયું તો તરત નજર આંખો ઢાળી દીધી. મયંકને આજે તે ' બ્લેક જીન્સ ' અને ' પીંક ' ટીશર્ટમાં સુંદર લાગી રહી હતી. તેના ખોળામાં રમતી કૃતિ ખિલખિલાવીને હસતી હતી. મમ્મી, પપ્પા પણ ખુશ હતાં. મયંક વિચારી રહ્યો, ' મારા પરિવારને સૌમ્યાએ કેટલો સારી રીતે સંભાળી લીધો છે!! ' રિસોર્ટ પહોંચીને ફ્રેશ થઇને મયંક બોલ્યો, " ચાલો બધા તૈયાર થઈ જાવ આપણે ' સનસેટ પોંઇટ ' જઈએ. મોડું થશે તો સૂર્યાસ્ત થઈ જશે. સૌમ્યાની આંખોમાં અનેરી ચમક આવી ગઈ. એ જોઈને આનંદભાઈ બોલ્યા, " અમે સફરથી થાકી ગયા છે. હું અને મમ્મી અહીં આરામ કરીશું. કૃતિ પણ સૂતી છે. તમે બંને જઈ આવો. "
સોનેરી સાંજની સુંદરતાને માણતાં મયંક અને સૌમ્યા ' સનસેટ પોઈંટ ' પર બેઠા હતાં. મયંકે સૌમ્યાનો હાથ પોતાના હાથમાં લઈ લીધો અને બોલ્યો, " હું તારી કઈ રીતે માફી માંગું એ મને નથી સમજાતું. મારી આટલી રુક્ષતા છતાંય તે મને અને મારા પરિવારને પ્રેમ અને સાથ આપ્યો! મને માફ કરી દે! હું સતત ભૂતકાળમાં જીવતો રહ્યો ને તારી ઉપેક્ષા કરતો રહ્યો! તે કોઈ ફરિયાદ નથી કરી! બલ્કે એક પછી એક મારા પરિવાર પર ઉપકાર કરતી રહી. કોઈ આટલું સારું કઈ રીતે હોઈ શકે!! " સૌમ્યા બોલી," મેં જે કર્યું એ મારી ફરજ હતી. આ પરિવાર મારો પરિવાર પણ છે. તારું રુક્ષ વર્તન મને દુઃખ પહોંચાડતું હતું પરંતુ, હું જાણતી હતી કે તારા હૃદયમાં સીમાની યાદો છે, એની વિદાયનું દર્દ છે! એથી તું આવું કરી રહ્યો છે. મેં ક્યારેય ખરાબ નહોતું લગાડ્યું. આમ પણ પ્રિય વ્યક્તિની દરેક વાત પ્રિય જ લાગે! " મંયક બોલ્યો, " મને પણ હવે તારી દરેક વાત પ્રિય લાગવા લાગી છે. હું તને પ્રેમ કરવા લાગ્યો છું! મારા હૃદયમાં સીમાની યાદ એક મીઠું સ્મરણ બની ગઈ છે અને તારો પ્રેમ પણ એક મીઠી લાગણી બનીને પોતાની પકડ જમાવી ચુક્યો છે. એક અનોખું લાગણીનું બંધન મને તારી સાથે બાંધી રહયું છે! તું કૃતિની મમ્મી સાથે મારી જીવન સંગિની પણ બનીશ? " સૌમ્યાએ પોતાના હાથની પકડ મયંકના હાથ પર વધુ મજબૂત બનાવી. બોલી, " હું આ લાગણી તારા માટે ક્યારની અનુભવી ચૂકી હતી. માત્ર તારા સુધી મારી લાગણીને પહોંચાડી નહોતી શકી. " મંયકે તેને પોતાના બાહુપાશમાં સમાવી લીધી. બંને પ્રેમના અનોખા બંધનમાં બંધાઈ ગયા!! અસ્ત થઇ રહેલો સૂર્ય પ્રેમી યુગલને એકલતા આપવા અંધારું પાથરી છુપાઈ ગયો!!
Mast
જવાબ આપોકાઢી નાખોthank you
કાઢી નાખો