પ્રેમ કે સોદો (award winnner love story)

 કાર્તિક પોતાના કામમાં વ્યસ્ત હતો. બાજુમાં મૂકેલી ચા સાવ ઠંડી થઇ ગઈ હતી. માનસીએ આવીને ટકોર કરી," અરે, માથું ઊંચું જ નહિ કરે તો મારી આંખોમાં કેમ જોઇશ?" કાર્તિકે તરત કામ બંધ કર્યું ને બોલ્યો," તું આંખ સામે હોય તો કામ થોડું  કરાય!! ચાલો બધું બંધ."

કાર્તિક એક 'સ્ટાર્ટ અપ ફર્મ' માં 'સોફ્ટવેર એન્જીનીયર' હતો. 'પ્રોગ્રામિંગ'માં એક્દમ કાબેલ! માનસી એની ગર્લફ્રેન્ડ! આધુનિક યુવાનો, લગ્નની ઉતાવળ નહોતી.

કારકિર્દીમાં સ્થાયી  થયા બાદ લગ્ન કરવા હતાં. માનસી એક 'પ્રાઇવેટ ફ્રમ'માં કામ કરતી. બંને એક પાર્ટીમાં મળેલાં. માનસી જેવી સુંદર અને હોશિયાર યુવતીએ સામેથી મિત્રતાનો હાથ લંબાવ્યો. પછી પૂછવું જ શું ? મિત્રતાભરી મુલાકાતો પ્રેમમાં પરિણમી.

માનસી બોલી," મને પણ 'પ્રોગ્રામીંગ' અને 'હેકિંગ' શીખવું છે તું શીખવાડને. 

કાર્તિક બોલ્યો,"હેકિંગમાં તો  મારુ 'સ્પેસલાઈઝેસશન' છે. એ મેં આજ સુધી કોઈને નથી કહ્યું પણ હું ભવિષ્યમાં 'પ્રોફેશનલ હેકર' તરીકે  કામ કરીને દેશની મદદ કરવા માંગુ છું." 

 માનસી ચુપચાપ સાંભળી રહી. ધીરે ધીરે માનસીનો પ્રેમ કાર્તિક માટે સર્વસ્વ બનતો ગયો. એક પળ પણ માનસી વિના ના ચાલતું. એક દિવસ કહ્યું," હવે આપણે લગ્ન કરી લેવા જોઈએ. તારા વિના હવે રહેવાતું નથી."

 માનસી બોલી," હું પણ તારા વિના નથી રહી શકતી. આપણે જલ્દી લગ્ન કરી લઈશું. કાલે તું મારા ઘરે મારા પપ્પાને મળવા આવજે. બાકીની વાતો ઘરે કરીશું."


બીજે દિવસે કાર્તિક માનસીના ઘરે પહોંચ્યો. આલીશાન બંગલાના દરવાજે એક વ્યક્તિ આવીને તેને એક અલાયદા રુમમાં લઇ ગયો. ત્યાં એક પ્રતિભાશાળી વ્યક્તિ બેઠેલા. એ માનસીના પિતા હોવાં જોઈએ એવું લાગ્યું. ઔપચારિક વાતો કર્યા બાદ તેઓ બોલ્યા,"માનસી મારી એકની એક દીકરી છે. તારા જેવો એક સામાન્ય માણસ જો એની સાથે લગ્ન કરવા માંગતો હોય તો તારે મારી સાથ એક સોદો કરવો પડશે!'

"સોદો! શેનો સોદો?" કાર્તિક બોલ્યો. 

વડીલ બોલ્યા," તું એક કાબેલ 'હેકર' છે. તારે મારા કહેવા પર અમુક સિસ્ટમને 'હેક' કરીને થોડી માહિતી મેળવી આપતાં રહેવાનું. એના બદલામાં માનસીનો હાથ અને આ લખલૂટ દોલતમાં હિસ્સેદારી પણ મળશે." 

 એક નાની કંપનીમાં કામ કરતો સામાન્ય એન્જીનીયર આટલી દોલત જોઈને અંજાઈ જાય. પરંતુ કાર્તિક એવો નહોતો.  હા, માનસી પ્રત્યેનો પ્રેમ એની કમજોરી પણ હતો. 

કાર્તિક બોલ્યો, "મારે શું કરવાનું છે, એનો મને ખ્યાલ આવે છે. આ કામ નૈતિક હોય એવું મને જરાય નથી લાગતું. હું કશું ખોટું કરી મારા 'પ્રોફેશન' ને બદનામ કરવા નથી માંગતો. માનસીનો પ્રેમ મારા માટે સર્વસ્વ છે પણ એના માટે હું મારી નૈતિકતાનો સોદો નહિ કરું." આટલું બોલી તેણે બહાર જવા પગ ઉપાડ્યા. 

ત્યારે માનસી આવી. એ બોલી," મેં તમને કહેલું ને કે કાર્તિક ખોટા કામનો સોદો કયારેય નહીં કરે. મારા પ્રેમ માટે પણ નહીં." 

 એ વડીલે કાર્તિકની પીઠ થાબડી. પોતાના ચશ્માં અને સફેદ વાળની 'વીગ' ઉતારીને કહ્યું ," અમને તારા જેવા એક કાબેલ અને ઈમાનદાર વ્યક્તિની જરૂર હતી. આ તારી પરીક્ષા હતી. જેમાં તું સફળતાથી પાસ થયો છે! માનસી મારી દીકરી નથી. પરંતુ મારી સાથે કામ કરતી એક 'ઓફિસર' છે. અમે આપણા દેશની સુરક્ષા માટે કામ કરતી એક સંસ્થા માટે કામ કરીયે છીએ. અસામાજિક તત્વો 'ઈન્ટરનેટ'ના માધ્યમથી જે સંદેશાની આપ લે કરી છે. તેને 'ટ્રેક' કરીને તેની સંશય લાગે તેવી બાતમી દેશની 'સિકયોરિટી એજન્સી' ને પહોંચાડીયે છીએ. અમને એક કાબેલ 'હેકર'ની જરૂર હતી. એ માટે આ બધું નાટક કર્યું હતું. માનસીને અમે જ પાર્ટીમાં મોકલી તારી મિત્ર બનવા કહ્યું હતું. તારું સ્વપ્ન દેશની રક્ષા કરવા માટે હતું. એ વિષે જયારે માનસીએ કહ્યું ત્યારે અમે તારી પરીક્ષા લેવા આ યોજના કરી. આજથી તું  ચાહે તો અમારી 'ટીમ'માં સામેલ થઈ શકે  છે."

કાર્તિક બોલ્યો," હું કામ કરવા આતુર છું." એ વ્યક્તિએ હાથ મિલાવ્યા અને "વેલકમ ટુ અવર ટીમ" કહી ચાલ્યા ગયા.


એમના ગયા બાદ કાર્તિક બોલ્યો,"માનસી, તારો પ્રેમ એક સોદો હતો. અને હું શું સમજી બેઠો!!" 

માનસી બોલી,"મારું તારા જીવનમાં આવવું એક યોજના ભલે હતી. પરંતુ મારા પ્રેમમાં કોઈ સોદો નથી! હું તો તારી જ છું અને હંમેશા તારી જ રહીશ!!"

કાર્તિકને આજે પોતાના બંને સપના સાકાર થઈ રહ્યા હોય એવું પ્રતીત થયું.

-તની.

ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

અનોખુ માતૃત્વ (ભાગ 1 )

બેગ- પેક (ભાગ 2)

વાત એ બે દિવસોની ...